સોનાએ ફરી ₹ ૬૧,૦૦૦ની સપાટી હાંસલ કરી: હાજર ચાંદીએ ₹ ૭૩,૭૦૦ની સપાટી વટાવી
મુંબઇ: વિશ્ર્વબજારના સંકેત અને સ્થાનિક સ્તરે લેવાલીનો ટેકો મળી રહેવાને કારણે શુક્રવારના સત્રમાં ઝવેરી બજારમાં ફિરી તેજીનું વલણ જોવા મળ્યું હતું. બંને કિમતી ધાતુના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૬૬૨થી રૂ. ૬૬૫નો ઉછાળો જોવા મળ્યો હતો અને શુદ્ધ સોનાએ ફરી રૂ. ૬૧,૦૦૦ની સપાટી હાંસલ કરી લીધી હતી. જ્યારે હાજર ચાંદીએ રૂ. ૭૩,૭૦૦ની સપાટી વટાવી હતી.
એ જ સાથે, ૯૯૯ ટચનું શુદ્ધ સોનું પણ રૂ. ૬૦,૫૦૫ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૦,૯૭૮ની ઊંચી સપાટીએ ખૂલ્યું હતું અને સત્રને અંતે રૂ. ૬૬૫ના સુધારા સાથે ફરી રૂ. ૬૧,૦૦૦ની સપાટી વટાવતું રૂ. ૬૧,૧૭૦ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું પણ રૂ. ૬૦,૨૬૩ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૬૦,૭૩૪ની ઊંચી સપાટીએ ખૂલ્યું હતું અને સત્રને અંતે રૂ. ૬૬૨ના સુધારા સાથે રૂ. ૬૦,૯૨૫ની સપાટીએ પહોંચ્યું હતું, એ જ રીતે, શુક્રવારના સત્ર દરમિયાન .૯૯૯ ટચની હાજર ચાંદી રૂ. ૭૨,૮૮૫ના પાછલા બંધ સામે જોરદાર જમ્પ સાથે ૭૩,૨૧૦ની સપાટી પર ખૂલીને સત્રને અંતે એક કિલોદીઠ વધુ રૂ. ૮૯૨ના ઉછાળા સાથે રૂ. ૭૩,૭૪૭ના સ્તરે પહોંચી હતી.