વેપાર

પર્સનલ લોનમાં રિસ્ક વેઇટેજનો વધારો ભારે પડ્યો: બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં, જોકે અંડરટોન મજબૂત

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિઝર્વ બેન્કે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડને લગતા ધારાધોરણોમાં કરેલા ફેરફારનો બોજ બજારને ભારે લાગ્યો હતો અને સેન્ટિમેન્ટ ખરડાતા, બે દિવસની તેજીને બ્રેક મારીને બંને મુખ્ય બેન્ચમાર્ક સપ્તાહના અંતિમ દિવસે નેગેટીવ ઝોનમાં સરી પડ્યા હતા. ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ્સ માટેના ધોરણોને કડક બનાવવાના પગલાને પગલે ફાઇનાનન્શિયલ સેકટરના શેરોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું હતું. જોકે, અન્ય સકારાત્મક પરિબળોને કારણે બજારનો અંડરટોન મજબૂત રહ્યો હતો અને બ્રોડર માર્કેટમાં આગેકૂચ જળવાઇ હતી.

એકધારી અને ઝડપી અફડાતફડી બાદ સેન્સેક્સ ૧૮૭.૭૫ પોઈન્ટ્સ અથવા ૦.૨૮ ટકાના ઘટાડા સાથે ૬૫,૭૯૪.૭૩ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો અને નિફ્ટી ૩૩.૪૦ પોઈન્ટ્સ અથવા ૦.૧૭ ટકાના ઘટાડા સાથે ૧૯,૭૩૧.૮૦ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. નકારાત્મક શરૂઆત પછી બેન્ચમાર્કે નુકસાની પચાવી લીઘી હતી અને કામકાજવના પ્રારંભિક કલાકોમાં બજાર ફરી સકારાત્મક બન્યું હતું, પરંતુ વિવિધ ક્ષેત્રના મિશ્ર વલણ વચ્ચે અસ્થિર સત્રમાં ફરીથી ધબડકો બોલાયો હતો અને એકંદરે બજાર નેગેટીવ જોનમાંથી બહાર આવી શક્યું નહોતું.

દેશીન બેન્કિંગ નિયામક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અનસિક્યોર્ડ ક્ધઝ્યુમર લોનના પ્રસારને રોકવા માટે આ શ્રેણી હેઠળની લોન માટે બૅન્કો અને એનબીએફસી માટે મૂડીની આવશ્યકતાઓમાં વધારો કરીને અસુરક્ષિત ઉપભોક્તા લોન પર ક્રેડિટ રિસ્ક વેઇટેજમાં વધારો જાહેર કર્યો તેને કારણે ખાસ કરીને બૅન્કિંગ ક્ષેત્રના શેરોમાં વેચવાલીનું દબાણ વધી ગયું હતું. એસબીઆઇ, એક્સિસ બેન્ક, ઓએનજીસી, બીપીસીએલ અને બજાજ ફાઇનાન્સના શેર નિફ્ટીમાં ટોપ લુઝર્સમાં ગોઠવાયા હતા, જ્યારે એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, એચડીએફસી લાઇફ, અપોલો હોસ્પિટલ, લાર્સન એન્ડ ટુબ્રો અને હીરો મોટોકોર્પનો સમાવેશ ટોપ ગેઇનર્સમાં થયો છે.

સેકટરલ ધોરણે, ઓટો, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી દરેક ૦.૫ ટકા વધ્યા હતા, જ્યારે પીએસયુ બેન્ક ઇન્ડેક્સ ૨.૫ ટકા અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૧.૩ ટકા ઘટ્યા હતા. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેકસ અનુક્રમે ૩૩,૪૨૩.૩૩ પોઇન્ટ અને ૩૯,૬૯૦.૭૨ પોઇન્ટની નવી ઊંચી સપાટીએ પહોંચવા સાથે વ્યાપક સૂચકાંકોએ બેન્ચમાર્ક કરતાં સારી કામગીરી પ્રદ૦ર્શિત કરી હતી.

મૂડીબજારમાં નવા ભરણાની હલચલ ચાલુ રહી છે. હજુ ગુરુવારે ટાટા ટેકનોલોજીના ભરણાની જાહેરાત બાદ બીજા બે ભરણાની જાહેરાત થઇ છે. ગંધાર ઓઈલ રિફાઈનરી ઈન્ડિયા રૂ, ૧૬૦-૧૬૯ પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ મારફત રૂ. ૫૦૦ કરોડનું ફંડ એકત્ર કરવા ધારે છે. પબ્લિક ઓફર ૨૨ નવેમ્બરના રોજ ખુલશે અને અંતિમ તારીખ ૨૪ નવેમ્બર રહેશે, એન્કર ઇન્વેસ્ટર માટે બિડ ૨૧ નવેમ્બરે ખુલશે. મિનિમિમ લોટ સાઇઝ ૮૮ ઇક્વિટી શેરની હશે, રોકાણકારોએ પ્રતિ લોટ રૂ. ૧૪,૮૭૨ ચૂકવવાના રહેશે.

ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ પ્રારંભિક જાહેર ઑફર ૨૨ નવેમ્બરે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ કરશે. પ્રાઈસ બેન્ડ રૂ. ૧૩૩થી રૂ. ૧૪૦ પ્રતિ ઈક્વિટી શેર નક્કી થઇ છે. કર્મચારીઓને પ્રતિ ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૦નું ડિસ્કાઉન્ટ મળશે. બિડ, ઓફર ૨૪મી નવેમ્બરે રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ ૨૧મીએ ખૂલશે. લઘુત્તમ બિડ્સ ૧૦૭ ઇક્વિટી શેરની છે અને શેર બીએસઇ તથા એનએસઇ પર લિસ્ટેડ થશે.

શેરબજારમાં ખુલતા સત્રથી જ ભારે અને ઝડપી અફડાતફડી જોવા મળી હતી. નિફ્ટી મોટા ગેપ સાથે નીચી સપાટીએ ખુલ્યો અને ફરી ૧૯,૮૦૦ની ઉપર પહોંચી ફરી ગબડ્યો હતો. સેન્સેકસ પણ એ જ રીતે પાછલા બંધ સામે ૨૦૦ પોઇન્ટ નીચી સપાટીએ ખુલ્યા બાદ ૬૬,૦૦૦ની ઉપર જઈ ફરી નીચે ગબડ્યો હતો. રિઝર્વ બેન્કે ધિરાણના નિયમોમાં કરેલા ફેરફારની બજારના માનસ પર નકારાત્મક અસર જોવા મળી છે. દેશની સેન્ટ્રલ બેંકે ગ્રાહક ધિરાણના નિયમોને કડક બનાવ્યા હોવાથી સેન્ટિમેન્ટ ખરડાયું અને ફાઇનાન્સ સ્ટોક્સમાં વેચવાલીનું દબાણ સર્જાયું છે. આને પરિણામે અમેરિકન યિલ્ડના ઘટાડા અને વ્યાજ દરને લગતા ફેડરલ રિઝર્વના ડોવિશ સ્ટાન્સ તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડાની સકારાત્મક અસર કામચલાઉ ધોરણે ધોવાઈ ગઈ હતી.

જોકે માર્કેટ એનાલિસ્ટ્સ માને છે કે એકંદરે તેજીનો માહલ જળવાઇ રહેશે. ફેડરલ રિઝર્વ વિવિધ પરિબલો જોતા હાલ આક્રમક રીતે દરમાં વધારો નહિ કરશે, તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં ચાર મહિનાની નીચી સપાટી અર્થતંત્ર માટે સકારાત્મક રહેશે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ભારત જેવા કોમોડિટીના આયાતકારો માટે ખૂબ લાભકારી છે. ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ, હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પના શેરમાં સારી લેવાી જોવા મળી હતી.

આરબીઆઇએ પર્સનલ લોનના નિયમોમાં કરેલા ફેરફારને કારણે હાલ બજાર ગબડ્યું હોવા છતાં, એકંદર સેન્ટિમેન્ટ હકારાત્મક છે. એકધારા ૧૫ સત્રના વેચાણના દોર પછી વિદેશી રોકાણકારો દ્વારા ફરી લેવાલીનો પ્રારંભ અને ક્રૂડ ઓઇલના ભાવમાં પીછેહઠ જેવા પરિબળો બજારની તેજીના વેગમાં વધારો કરી શકે છે. નિફ્ટી અને સેન્સેક્સમાં અત્યાર સુધીના સપ્તાહમાં લગભગ ૧.૫ ટકાનો વધારો થયો છે.

બજારને નજીકના ગાળામાં બજારને અસર કરશે, એવા કેટલાક મહત્વપૂર્ણ વલણો છે. બજારમાં બુધ અને ગુરુવારની બે દિવસની રેલીનું મોટું પ્રેરકબળ યુએસ બોન્ડની યિલ્ડનો અને ડોલર ઇન્ડેક્સનો ઘટાડો મુખ્ય રહ્યો છે. આને કારણે બજારને સ્થિતિસ્થાપકતા મળતી રહેશે. બીજુ મહત્ત્વનું પરિબળ બ્રેન્ટ ક્રૂડમાં થયેલો ૭૭.૫ ડોલરનો તીવ્ર ઘટાડો છે, જે ભારતના મેક્રો માટે ખૂબ સકારાત્મક છે અને એવિએશન, ટાયર અને પેઇન્ટ જેવા પેટ્રોલિયમ ઇનપુટ્સનો વપરાશ કરતા ક્ષેત્રો માટે પણ સાનુકૂળ છે. આ ઉપરાંત એફઆઇઆઇની ફરી શરૂ થયેલી લેવાલી પણ બજારને માટે પ્રોત્સાહક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button