અમેરિકામાં 70 હજાર મોત માટે જવાબદાર ફેન્ટાનાઇલ શું છે?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકાની મુલાકાતે આવેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ‘ફેન્ટાનાઇલ ડ્રગ’ વિશે વાત કરી હતી. ચાર કલાક ચાલેલી બેઠકમાં બાઇડેને જિનપિંગને ફેન્ટાનાઇલના ઉત્પાદન પર અંકુશ મૂકવા કહ્યું હતું. તેમજ બાઇડને જિનપિંગને ફેન્ટાનાઇલનું ઉત્પાદન કરવામાં મદદ કરતી ચીની કંપનીઓ પર કાર્યવાહી કરવા દબાણ કર્યું હતું. જેનું મુખ્ય કારણ છે ફેન્ટાનાઇલ અથવા તેને બનાવવા માટે વપરાતું કેમિકલ ચીનથી ગેરકાયદેસર રીતે અમેરિકા આવે છે.
ફેન્ટાનાઇલ એ એક કૃત્રિમ ઓપીયોઇડ છે. આ દવાના ઓવરડોઝને કારણે ગયા વર્ષે અમેરિકામાં 70 હજારથી વધુ લોકોના મોત થયા હતા. 2019 પહેલા ચીન અમેરિકામાં આવતી ફેન્ટાનાઇલ દવાનો પ્રાથમિક સ્ત્રોત હતો. પરંતુ 2019માં જ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વેપાર વાટાઘાટો બાદ ચીનની સરકાર ફેન્ટાનાઇલ સંબંધિત દવાઓના ઉત્પાદન, વેચાણ અને નિકાસ પર પ્રતિબંધ મૂકવા સંમત થઈ હતી. જો કે લાયસન્સ હેઠળ ઉત્પાદન, વેચાણ અને નિકાસ પર કોઈ પ્રતિબંધ ન હતો. ચીન સાથેની આ સમજૂતી બાઇડેન માટે રાજકીય રીતે પણ ખૂબ મહત્વની હતી, કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફેન્ટાનાઇલ એક મોટો મુદ્દો રહ્યો છે.
ફેન્ટાનાઇલ કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે તે મોર્ફિન કરતાં 100 ગણો અને હેરોઈન કરતાં 50 ગણો વધારે સ્ટ્રોંગ હોય છે. પેન્સિલની ટોચ જેટલી માત્રા પણ ઘાતક નીવડે છે. તેનો ઓવરડોઝના કારણે માણસ પળવારમાં જ મૃત્યુ પામે છે. તેમજ ફેન્ટાનાઇલનો કોઈ સ્વાદ કે ગંધ પણ હોતા નથી. ફેન્ટાનાઇલ જે સ્ટ્રીટ ડ્રગ તરીકે ઉપલબ્ધ છે, તેના ઘણા કોડ નામ છે, જેમ કે ચાઇના ટાઉન, ચાઇના વ્હાઇટ, ડાન્સ ફીવર, ગુડ ફેલાસ, હી-મેન, પોઇઝન, ટેંગો અને કેશ તેમજ તેને બનાવવાનો ખર્ચ પણ ખૂબજ ઓછો હોય છે. આથી આ દવાના નામે વેચાતું ડ્રગ શેરીઓમાં પણ સરળતાથી મળી જાય છે. આ જ કારણ છે કે અમેરિકનોમાં આ ડ્રગનું વ્યસન વધી રહ્યું છે.
અમેરિકામાં જુલાઈ 2021થી જૂન 2022 વચ્ચે ડ્રગના ઓવરડોઝને કારણે એક લાખથી વધુ લોકોના મોત થયા છે. તેમજ મે 2022થી એપ્રિલ 2023 વચ્ચે 70 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ફેન્ટાનાઇલનો મોટા ભાગનો માલ ગેરકાયદેસર રીતે મેક્સિકો બોર્ડરથી ચીન થઈને અમેરિકા આવે છે. ડ્રગ એન્ફોર્સમેન્ટ એસોસિએશન (DEA) અનુસાર ફેન્ટાનાઇલ ચીનથી મેક્સિકો, કેનેડા અને ભારતમાં આવે છે અને ત્યાંથી ફરીથી અમેરિકા આવે છે.
આ ઉપરાંત ડીઇએએ આરોપ લગાવ્યો છે કે ચીનમાં ગેરકાયદેસર રીતે સિન્થેટિક દવાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે ષડયંત્રના ભાગરૂપે અમેરિકા અથવા અન્ય દેશોમાં મોકલવામાં આવી રહ્યું છે જેથી ત્યાંના યુવાનો ડ્રગ્સના બંધાણી બની જાય.