વીક એન્ડ

ફ્લાઈટ ૯૧૪ Aનું વણઉકેલ્યું રહસ્યએક ખોવાઈ ગયેલું પ્લેન અચાનક પ્રકટ થયું અને…

ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

સૌથી પહેલા તો સહુને નવા વર્ષની શુભેચ્છાઓ. હવે એક કલ્પના કરો કે તમારા કોઈ સ્નેહી હવાઈ મુસાફરીએ આજના દિવસે ઊપડે, અને અચાનક એમની આખી ફ્લાઈટ ગુમ થઇ જાય તો? વળી ત્રીસેક વર્ષ પછી, એટલે કે ઇસ ૨૦૫૩માં એ ફ્લાઈટ કોઈ બીજા જ દેશના એરપોર્ટ પર થોડી મિનિટ્સ માટે ઊતરે, અને પછી હંમેશને માટે ગુમ થઇ જાય તો?!

વાત માત્ર કલ્પના પૂરતી સીમિત નથી. આવી ઘટના ખરેખર આકાર લઇ ચૂકી છે! વાત અમેરિકાની છે. લગભગ ૬૮ વર્ષ પહેલા, ૧૯૫૫માં એક રહસ્યમય ઘટના બની. અમેરિકાનું એક રહસ્યમય વિમાન ટેક ઓફ થયું, અને પછી ગુમ થઇ ગયું! વિમાન ગુમ થયું એના પછી ઠેઠ ૩૦ વર્ષ બાદ કોઈ બીજા જ દેશના એરપોર્ટ પર એ લેન્ડ થયું! સૌથી ચોંકાવનારી વાત એ છે, કે ત્રણ દાયકા પછી અચાનક પ્રકટેલું આ પ્લેન લેન્ડિંગ થયા બાદ ફરી પાછું ગુમ થઈ ગયું, જેનો આજ દિન સુધી કોઈ પત્તો નથી! આખી વાત એટલી રહસ્યમયી છે, કે એના કોઈ તાણાવાણા જ નથી મળતા! ચાલો આ બધું વિગતવાર સમજીએ.

ફ્લાઈટ ૯૧૪ A ની અજબ દાસ્તાન
અમેરિકાની ડગ્લાસ એરક્રાફ્ટ કંપનીએ Douglas DC-4 નામના સ્પેશિયલ એરક્રાફ્ટ ડિઝાઈન કરેલા. આ એરક્રાફ્ટના મિલીટરી વર્ઝન્સ પણ હતા, પણ આપણે જેની વાત કરી રહ્યા છીએ, એ સામાન્ય નાગરિકોના ઉડ્ડયન માટે ડિઝાઈન કરવામાં આવેલા. આવું જ એકPan Am (પાન અમેરિકન) Douglas DC-4 વિમાન અમેરિકાના ન્યૂયોર્ક અને મિયામી વચ્ચે યાત્રીઓને હવાઈ મુસાફરી કરાવતું હતું.

તારીખ હતી ૨ જુલાઈ, ૧૯૫૫. ડગ્લાસ DC-4 બનાવટની ફ્લાઈટ નંબર ૯૧૪ ન્યૂયોર્કથી મિઆમીની ઉડાન ભરવા તૈયાર હતી. આ લેખમાં હવેથી આપણે એને ફ્લાઈટ ‘૯૧૪’ તરીકે ઓળખીશું. ફ્લાઈટ ૯૧૪માં એ દિવસે ૫૭ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ હતા. આમ તો બધું બરાબર હતું. ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ ખરાબી હોય, એવું માનવાને પણ કારણ નથી, નહિતર એને ટેક ઓફની પરમિશન જ ન મળી હોત. તેમ છતાં એ દિવસે જે બન્યું, એનું રહસ્ય આજ દિન સુધી વણઉકેલ્યું છે!

આજની તારીખે જો ન્યૂયોર્કથી મિઆમી જવું હોય તો બાય એર આશરે સવા ત્રણ કલાક જેટલો સમય લાગે. ૧૯૫૫માં, ન્યૂયોર્કથી મિઆમી સુધીની ઉડ્ડયનમાં વધુમાં વધુ પાંચેક કલાક લાગતા હશે, પણ ૨ જુલાઈ, ૧૯૫૫ના રોજ જે ફ્લાઈટ ૯૧૪ A એ ન્યૂયોર્કથી ઉડાન ભરી, એ આજ દિન સુધી મિયામી પહોંચી જ નથી! ફ્લાઈટ સમયસર પહોંચી નહિ અને કંટ્રોલ ટાવરના રડારમાં પણ દેખાઈ નહિ એટલે સ્વાભાવિકપણે અફરાતફરી મચી ગઈ હશે. સરકારી તંત્ર અને મુસાફરોના સગાવહાલાઓએ બહુ તપાસ કરી. ન્યૂયોર્કથી મિઆમીના રસ્તે ફ્લાઈટનો જે સંભવિત રૂટ હતો, ત્યાં બધે તપાસ કરવામાં આવી, પરંતુ ફ્લાઈટ કે પછી એમાં સવાર ૫૭ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર્સ પૈકી કોઈના એક્કેય સગડ મળ્યા નહિ! આખું પ્લેન મુસાફરો સહિત ક્યાં ગાયબ થઇ ગયું હશે?! આ પ્રશ્ર્નનો ઉત્તર આજ દિન સુધી નથી મળ્યો.

ઘટના બની એના થોડાં વર્ષો સુધી કદાચ શોધખોળ ચાલતી રહી હશે. એ પછી બધાએ માની લીધું હશે કે પ્લેન કોઈક કારણોસર માર્ગ ભૂલીને ક્યાંક તૂટી પડ્યું, અને એમાં સવાર તમામ હતભાગીઓ માર્યા ગયા! ફ્લાઈટ ૯૧૪ ગુમ થઇ એ પછી આશરે ત્રણેક દાયકા ઉપરાંતનો સમય વીતી ચૂક્યો, અને સહુ આ ઘટના વિશે ભૂલી ગયા. ફિર એક દિન અચાનક…
‘અચાનક પ્લેન ક્યાંકથી’ પ્રકટ થયું, અને…

૯ માર્ચ, ૧૯૮૫. વેનેઝુએલાના કારાકાસ એરપોર્ટ પર એક રૂટિન દિવસ મુજબ કામકાજ ચાલી રહ્યું હતું. ત્યાં અચાનક એક પ્લેન ક્યાંકથી આવીને કારાકાસનાં રનવે પર લેન્ડ થયું. સ્થળ પર હાજર ગ્રાઉન્ડ સ્ટાફે જોયું કે પ્લેનમાં સવાર મુસાફરો કાચની બારી પાછળથી આશ્ર્ચર્યભરી નજરે બહારની દુનિયા જોઈ રહ્યા છે! પ્લેન સ્થિર થઇ ઉભું રહ્યું કે તરત એનો પાઈલટ કોકપીટમાંથી બહાર આવ્યો, અને ગ્રાઉન્ડ સ્ટાફને પૂછ્યું, આ કયું વર્ષ ચાલે છે? ગ્રાઉન્ડ સ્ટાફે અચાનક પુછાયેલા આવા વિચિત્ર સવાલનો જવાબ આપતા કહ્યું, ૧૯૮૫.

પાઈલટે આ સાંભળીને ઊંડો શ્ર્વાસ લીધો, અને બોલ્યો, ઓહ માય ગોડ! આટલું બોલીને એ ફરી કોકપીટમાં ગયો, અને પ્લેન ઉડાડી મૂક્યું! ગ્રાઉન્ડ સ્ટાફ કશું સમજે એ પહેલા તો પ્લેન આકાશમાં ઊંચે ઊડીને ક્યાંય દૂર નીકળી ગયું. અચાનક રનવે પર લેન્ડ થયેલું અજાણ્યું પ્લેન માત્ર એક જ પ્રશ્ર્વનો ઉત્તર મેળવીને ફરીથી જાણે હવામાં ઓગળી ગયું!

ઘણા લોકો માને છે કે આ એ જ ફ્લાઈટ ૯૧૪ હતી, જે ત્રણેક દાયકા પહેલા ગુમ થઇ ગયેલી! મુસાફરો અને પાઈલટ પણ એના એ જ હતા. તો પ્રશ્ર્ન એ છે કે આ લોકો આટલા દાયકાઓ સુધી ક્યાં અદ્રશ્ય થઇ ગયેલા? અને શા માટે અદ્રશ્ય થઇ ગયેલા? બીજો પ્રશ્ર્ન એ છે કે અદ્રશ્ય થઇ ગયેલા લોકો ફરી પાછા ‘પ્રકટ’ શા માટે થયા? આ ત્રીસ વર્ષો દરમિયાન ફ્લાઈટનાં પ્રવાસીઓએ કઈ રીતે જીવન ટકાવી રાખ્યું હશે? શું ખાધું-પીધું હશે? બીજું તો છોડો, ખુદ એરોપ્લેન વગર મેઇન્ટેનન્સે અને વગર ઈંધણે ત્રણ-ત્રણ દાયકાઓ સુધી કઈ રીતે ઊડતું રહ્યું હશે?

આ જવાબો સાચા હશે?

કેટલાક લોકો આ તમામ પ્રશ્ર્નોના ઉત્તરો આપે છે, પણ એના સાચા હોવાની કોઈ સાબિતી નથી. આ લોકોની માન્યતા મુજબ કોઈક રીતે ૨ જુલાઈ, ૧૯૫૫ના રોજ ન્યૂયોર્કથી ઊપડેલી ફ્લાઈટ ૯૧૪ અજાણ્યા પ્રદેશમાં અટવાઈને એવા સ્થાને પહોંચી ગઈ, જ્યાંથી ટાઈમ ટ્રાવેલ શક્ય હોય! ફ્લાઈટ સહિત તમામ યાત્રીઓ ત્રણ દાયકા પછી પણ સાંગોપાંગ રહ્યા, કારણકે એમના માટે ત્રણ દાયકાનો સમય વીત્યો જ નહોતો! તેઓ તો હજી વર્ષ ૧૯૫૫ વાળા જ સ્ટેજમાં હતા! પણ પોતે ટાઈમ ટનલમાં ફસાઈ ગયા છે, એની એમને ખબર હતી. કદાચ એટલે જ વેનેઝુએલાના કારાકાસ એરપોર્ટ પર ઉતરતાની સાથે પાઈલટે માત્ર એક જ પ્રશ્ર્ન પૂછ્યો, આ કયું વર્ષ ચાલે છે?! પોતાના ટાઈમ ટ્રાવેલિંગ દરમિયાન પૃથ્વીના સામાન્ય જનજીવનના ત્રણ દાયકા જેટલો લાંબો સમય વીતી ગયો હોવાનું જાણીને બિચારો પાઈલટ હતાશ થઇ ગયો, અને ફરી પ્લેન ઉડાડી મૂક્યું!

જો આ માન્યતા સાચી હોય, તો પોતે કેવા સમયચક્રમાં અટવાઈ પડ્યા છે, એ વિશે પાઈલટે ગ્રાઉન્ડ સ્ટાફને જણાવ્યું શા માટે નહિ? કદાચ કોઈ પોતાની વાત માનશે નહિ, એવી બીક પાઈલટને હોય એ સ્વાભાવિક છે. બીજો પ્રશ્ર્ન એ છે કે એણે ફરી એક વાર પ્લેન શા માટે ઉડાડી મૂક્યું? કદાચ
ત્રીસ વર્ષના ગેપ પછી ફ્લાઈટ ૯૧૪નાં યાત્રીઓ અચાનક નોર્મલ માનવ સમાજ સાથે કઈ રીતે મેચ થઇ શકશે, એની ચિંતા હોય! અને એટલે જ પાઈલટે વધુ એક ટાઈમ ટ્રાવેલ દ્વારા ફરીથી ૧૯૫૫માં પહોંચવાની કોશિશ કરી હશે? ૧૯૮૫ની ૯મી માર્ચે વેનેઝુએલાનાં કારાકાસ એરપોર્ટ પરથી ઉડેલું એ પ્લેન ક્યાં ગયું, એની ય કોઈને ખબર નથી!

આખી વાતમાં એકને એક બેનો તાળો બેસાડીએ, તો ટાઈમ ટ્રાવેલવાળી થિયરી સાચી લાગશે, પણ ટાઈમ ટ્રાવેલની આખી થિયરી પોતે જ હજી વૈજ્ઞાનિક રીતે સાચી સાબિત નથી થઇ શકી, ત્યાં એ થિયરી આધારિત શક્યતાને કઈ રીતે ગંભીરતાથી લઇ શકાય?

સ્વાભાવિક રીતે જ બંને દેશોની એર ઓથોરિટીઝે આખી વાતને નકારી કાઢી છે. અહીં વિકલી વર્લ્ડ ન્યૂઝ નામનું ટેબ્લોઈડ પણ ભૂંડી ભૂમિકા ભજવી ગયું હોવાનું કહેવાય છે. આ ટેબ્લોઈડ મસાલેદાર ખબરો (અને ક્યારેક ગપ્પાબાજી) છાપવા માટે કુખ્યાત છે. પાઈલટ અને ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચેની વાતચીતની આખી સ્ટોરી આ ટેબ્લોઈડે જ છાપેલી, પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ કરતા એનાં નિવેદનોમાં સમાનતા જોવા નહોતી મળી. બીજી તરફ ગ્રાઉન્ડ સ્ટાફના કહેવા મુજબ પેલી રહસ્યમયી ફ્લાઈટનાં પાઈલટે ૧૯૫૫નું એક કેલેન્ડર પણ એને આપેલું, જે ઓથોરિટીઝને જમા કરાવવામાં આવેલું, પરંતુ અમેરિકા કે વેનેઝુએલાની સરકારોએ ક્યારેય એ કેલેન્ડર વિશે મગનું નામ મરી નથી પાડ્યું!

શું ફ્લાઈટ ૯૧૪ કોઈ વિચિત્ર પ્રયોગોનો શિકાર બની ગઈ હતી, જેને કારણે બંને દેશની સરકારો મૌન ધારણ કરીને બેઠી છે? કે પછી ફ્લાઈટ ૯૧૪ કોઈક યાંત્રિક ખામી અથવા બીજા કારણોસર અકસ્માતનો ભોગ બનીને યાત્રીઓ સહિત તૂટી પડી હશે? આજ દિન સુધી ફ્લાઈટનો કાટમાળ કે એક્કેય યાત્રીનો મૃતદેહ ક્યાંય મળ્યા નથી.
…અને એટલે જ રહસ્ય આટલા વર્ષો પછી પણ ઘૂંટાતું રહે છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…