100 કલાક પછી ઉતરકાશીમાંથી મળ્યા રાહતના સમાચાર, ફસાયેલા મજૂરોનો થયો સંપર્ક
ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો ભાગ ધસી પડતા અંદાજે 40 જેટલા શ્રમિકો ફસાયા છે. આ ઘટનાને 100 કલાકથી પણ વધુ સમય વીતી ગયો છતાં પણ શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલું છે. ગુરુવારે મોડી રાત્રે રેસ્ક્યુ ઓપરેશનને મોટી સફળતા મળી હતી. ટનલની અંદર 900 મીમી પહોળાઈ અને 6 મીટર લંબાઈ ધરાવતા પાંચ પાઈપ નાખવામાં આવ્યા છે, જેની મદદથી ફસાયેલા મજૂરો સાથે સંપર્ક સાધી શકાયો છે. ટનલના કાટમાળની અંદર કેટલાક સખત પદાર્થોની હાજરીને કારણે ડ્રિલિંગ પ્રક્રિયાને અટકાવી દેવાઇ હતી. કેન્દ્ર સરકારે ટનલની અંદર રહેલા કાટમાળનો જિઓફિઝીકલ અભ્યાસ કરાવ્યો છે. આ માટે દિલ્હીથી વૈજ્ઞાનિકોની ટીમને ઓપરેશન સ્થળ પર મોકલવામાં આવી હતી. કાટમાળ નીચે મોટા પથ્થરો અને મશીનો દટાયા હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ભૂ-ભૌતિક (જિઓફિઝીકલ) અભ્યાસ દ્વારા જ ચિત્ર સ્પષ્ટ થશે.
ટનલની અંદર રહેલા કઠણ પદાર્થોને દૂર કરવા માટે ડાયમંડ-બિટ મશીનોની મદદ લેવામાં આવી હતી અને તેના તરત બાદ ટૂંક સમયમાં જ ડ્રિલિંગ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીમાં એડવાન્સ ડ્રિલિંગ મશીનની મદદથી ટનલની અંદર 25 મીટર સુધી ડ્રિલની કામગીરી કરી એકઠા થયેલા કાટમાળને દૂર કરવામાં આવ્યો હતો. ફસાયેલા મજૂરો સુધી પહોંચવા માટે હજુ 30 થી 40 મીટર જેટલું ખોદકામ કરવાની જરૂર છે. ડ્રિલિંગ મશીન સંપૂર્ણ ક્ષમતા પર કામ કરી રહ્યું છે જેથી કામદારોને વહેલી તકે બહાર કાઢી શકાય.
નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ડિરેક્ટર અંશુ મનીષે જણાવ્યું હતું કે ડ્રિલિંગના કામમાં સારી પ્રગતિ થઈ રહી છે. “અમે ઈન્દોરથી બીજું મશીન એરલિફ્ટ કરી લાવી રહ્યા છીએ જે આવતીકાલે સવાર સુધીમાં અહીં પહોંચી જશે.”
ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન ટનલ ધરાશાયી થયા પછી બચાવ કામગીરી ઝડપી બનાવવા માટે 24 ટન વજન ધરાવતું ઓગર ડ્રિલિંગ મશીન લાવવામાં આવ્યું હતું. અધિકારીઓને અંદાજ છે કે ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે લગભગ 45 થી 60 મીટર સુધી ડ્રિલિંગ ચાલુ રાખવાની જરૂર પડશે. મશીન 5 મીટર પ્રતિ કલાકના ડિગિંગ રેટનો દાવો કરે છે, જે અગાઉના મશીનની ક્ષમતા કરતા નોંધપાત્ર રીતે વધુ છે.