બસના ભાડાં વધાર્યા પછી પણ એસટીએ પ્રાપ્ત કરી વિક્રમી આવક
મુંબઈઃ દેશભરમાં તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે આ વર્ષે પણ દિવાળીના વેકેશન દરમિયાન રાજ્ય પરિવહન નિગમ (એસટી) બસ સેવાના પ્રવાસીઓની અવરજવરની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો, તેનાથી વિક્રમી આવક પ્રાપ્ત કરી હતી.
દિવાળી દરમિયાન એસટી પ્રશાસન દ્વારા બસના ભાડાં વધાર્યા હોવા છતાં પ્રવાસીઓએ એસટી મારફત પ્રવાસ કરવાનું વિશેષ પસંદ કર્યું હતું, જેથી છેલ્લા 15 દિવસમાં એસટીએ 328 કરોડ 40 લાખ રૂપિયાની વિક્રમી કમાણી કરી છે. કોરોના મહામારી અને એસટી કર્મચારીઓના આંદોલનના લીધે એસટીને મોટું આર્થિક નુકસાન થયું હતું.
છેલ્લા અનેક મહિનાથી ચાલતા મરાઠા આરક્ષણની માગને લઈને રાજયમાં અનેક જગ્યાએ એસટી બસોને નુકસાન પહોચાડવામાં આવ્યું હતું. આ આંદોલન હિંસક બનતા 17 હજારથી વધુ એસટી બસને બંધ કરવામાં આવી હતી. આ બધુ થયા છતાં એસટી દ્વારા આવક વધારવા માટે બસોના ટિકિટ ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
એસટીના અધિકારી આપેલી માહિતી મુજબ માત્ર એક થી 15 નવેમ્બર સુધીમાં રાજ્યભરમાંથી એસટીને 328 કરોડ 40 લાખ રૂપિયાની આવક થઈ હતી. દિવાળી દરમિયાન બહારગામ જતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં એસટીને મોટી રાહત મળી છે. ભાઈબીજના દિવસે 31 કરોડ 60 લાખ રૂપિયાની વિક્રમી આવક નોંધવામાં આવી હતી.