હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ ભવિષ્યવાણી થઈ સોશિયલ મીડિયા પર વાઈરલ
અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કાંગારુઓ અને ટીમ ઈન્ડિયા વચ્ચે રવિવારે અમદાવાદમાં આ મેચ રમાશે. આ મેચ જીતવા અંગે અનેક લોકો દાવોઓ કરી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ક્રિકેટરે સૌથી મોટી ભવિષ્યવાણી કરી હતી, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે.
મિશેલના દાવા પ્રમાણે ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ટકરાશે, જ્યારે ભારતની હાર થવાની આગાહી કરી હતી. પહેલી વાત સત્ય સાબિત થઈ છે, પણ બીજીને લઈ ક્રિકેટપ્રેમીઓ ચિંતામાં છે. આ ભવિષ્યવાણી કરીને ભારતીય ટીમ જ નહીં, કરોડો ભારતીય ક્રિકેટરોને પણ નારાજ કરી નાખ્યા છે.
વર્લ્ડ કપની ફાઈનલ પહેલા આઈપીએલ 2023 વખતે ટીમ ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર મિશેલ માર્શે વન-ડે વર્લ્ડ કપ અંગે સૌથી મોટી આગાહી કરી હતી. મિશેલ માર્શે કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં આમનેસામને ટકરાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ બે વિકેટે 450 રનનો સ્કોર કરશે અને ટીમ ઈન્ડિયા 65 રનમાં ઓલઆઉટ થશે.
મિશેલ માર્શની આગાહી અત્યાર સુધીમાં તો સાચી પડી ચૂકી છે કે આ ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છે. મિશેલ માર્શે દિલ્હી કેપિટલ્સના પોડકાસ્ટ પર આગાહી કરી હતી કે ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં ભારતને હરાવીને અપરાજિત રહેશે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જેમાં અમુક ભારતીયોએ જોરદાર પ્રતિક્રિયા આપી છે, જ્યારે અમુકે ચિંતા પણ વ્યક્ત કરી છે. અમુક લોકોએ તેની ઝાટકણી પણ કાઢી હતી. એક યૂઝરે તો લખ્યું હતું ચરસ પીતે હો ક્યાં.