અંબાણી પરિવાર સાથે એન્ટિલિયામાં મહેમાનગતિ માણી ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામે
મુંબઇઃ અંબાણી પરિવાર ભારતના સૌથી પ્રભાવશાળી અને ધનિક પરિવારોમાંનો એક છે . તેઓ મોટી ઇવેન્ટ હોસ્ટ કરવા માટે જાણીતા છે. હાલમાં ‘વર્લ્ડ કપ 2023’ની દિવાનગી લોકો પર સવાર છે. આખી દુનિયા જાણે ક્રિકેટની દીવાની થઇ ગઇ છે. ફૂટબોલના દિગ્ગજ પ્લેયર ડેવિડ બેકહામ પણ વર્લ્ડ કપની સેમીફાઈનલ જોવા મુંબઈમાં હતા અને અંબાણીએ દિગ્ગજ ફૂટબોલર માટે ખાસ લંચનું આયોજન કરવા માટે આ પ્રસંગનો લાભ લીધો હતો. તમને જણાવી દઈએ કે ડેવિડ બેકહામ ‘યુનિસેફ’ના ગુડ વિલ એમ્બેસેડર તરીકે 3 દિવસના ભારતના પ્રવાસ પર છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ ગુરુવારે ઈંગ્લેન્ડના ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહામનું મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ ખાતે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવારના આકાશ અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા અંબાણી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન બેકહામ અંબાણી પરિવારની માલિકીની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની 7 નંબરની જર્સી પણ પકડેલો જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ સાઈટ X પર અંબાણી પરિવાર સાથેનો બેકહામનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં તમે અંબાણી પરિવારને ડેવિડ બેકહામ સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
શ્લોકા અને રાધિકા કેઝ્યુઅલ પોશાકમાં પણ અદભૂત દેખાતી હતી. નીતા અંબાણી આ પ્રસંગ માટે યોગ્ય રીતે જ ઓલ-વ્હાઈટ સૂટમાં સજ્જ હતા. મુકેશ અંબાણીએ બ્રાઉન કલરનું પેન્ટ સાથે સફેદ શર્ટ પહેર્યું હતું. પરિવારે ડેવિડ બેકહામને આઈપીએલ ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’ની જર્સી પણ ભેટમાં આપી હતી, જે તેમણે ફોટોગ્રાફમાં ફ્લોન્ટ કરી હતી.
વર્લ્ડ કપ 2023 અંતર્ગત બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં બેકહમ વાનખેડે સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મેચમાં તેઓ વિરાટ કોહલીની ‘રેકોર્ડબ્રેકિંગ’ 50મી ODI સદીના પણ સાક્ષી બન્યા હતા. વિરાટે સદી પૂરી કર્યા બાદ તેમણે ઉભા થઈને ભારતના આ સ્ટાર ક્રિકેટરનું સ્વાગત કર્યું હતું. તેઓ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકર અને BCCI સેક્રેટરી જય શાહ સાથે બેઠેલા જોવા મળ્યા હતા. મેચ બાદ ડેવિડે તેની ભારતની પ્રથમ યાત્રા વિશે ચર્ચા કરી હતી. હાલમાં તેઓ ગુજરાત સહિત ઘણા શહેરોમાં પ્રવાસ કરવામાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.