IPL 2024સ્પોર્ટસ

ત્રણ વાર આત્મહત્યાનો વિચાર કરી ચૂક્યો છે આ જાણીતો ભારતીય ક્રિકેટર

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ માટે આશાનો પર્યાય બની ગયો છે ‘મોહમ્મદ શમી.’ ક્રિકેટ ભલો 11 સજ્જનોની ગેમ હોય, પરંતુ આ સમયે તો મોહમ્મદ શમીએ એકલા હાથે ટીમ ઈન્ડિયાના બોલિંગ વિભાગનો બોજ પોતાના ખભા પર લઈ લીધો છે અને ટીમ ઈન્ડિયાને ફાઈનલ તરફ લઈ જઈ રહ્યો છે. વિકેટ લીધા બાદ જમીન પર પડીને હસતો શમીએ ક્યારેય ભારતવાસીઓને નિરાશ નથી કર્યા.

હંમેશા પોતાના ચહેરા પર હળવું સ્મિત રાખનાર મોહમ્મદ શમીનું જીવન કોઈ ટ્રેજિક ફિલ્મથી ઓછું ન હતું. આ ફાસ્ટ બોલરના જીવન વિશે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, જિંદગીથી હારીને તેમણે ત્રણ વખત આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. દરેક ખેલાડી ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, પરંતુ શમીના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે ન તો તેની ક્રિકેટ કારકિર્દી સારી ચાલી રહી હતી અને ન તો તેનું અંગત જીવન.


તાજેતરના વર્ષોમાં મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ તેના પર ઘરેલુ હિંસા, મારપીટ, મેચ ફિક્સિંગ સહિત ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ વિવાદો વચ્ચે પણ શમીએ પોતાનું સમગ્ર ધ્યાન ક્રિકેટ પર જ રાખ્યું હતું. શમી સામાન્ય રીતે મીડિયાથી ઘણું અંતર રાખે છે, પણ તેમણે વર્ષ 2020 માં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન વિશ્વ સાથે તેમના હૃદયસ્પર્શી શબ્દો શેર કર્યા હતા. તેમણે કહ્યું, “હું 2015ના વર્લ્ડ કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી મારે ટીમમાં વાપસી કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.”
તેણે રોહિતને જણાવ્યું હતું કે પારિવારિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન, આઈપીએલના 10-12 દિવસ પહેલા તેનો અકસ્માત થયો હતો. આટલું ઓછું હોય તેમ મીડિયામાં તેની અંગત બાબતો ચર્ચાવા લાગી હતી.
શમીએ રોહિતનોે જણાવ્યું હતું કે તેને તેના પરિવારનો પૂરો સપોર્ટ મળ્યો, જેને કારણે તે હાલમાં જિવીત છે અને ક્રિકેટ રમી રહ્યો છે. તેણે અનેક વાર આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. તેના પરિવારના સભ્યો પણ તેની માનસિક પરિસ્થિતિથી વાકેફ હતા. શમીનું ઘર 24માં માળે હતું અને તેમના પરિવારના સભ્યોને ડર હતો કે કદાચ શમી એપાર્ટમેન્ટમાંથી કૂદીને આત્મહત્યા કરશે. તેમના પરિવારના સભ્યો સતત શમી પર નજર રાખતા હતા કે જેથઈ તે કોઇ અવળું પગલું ના ભરી બેસે.


શમીએ જણાવ્યું હતું કે એમના પરિવારે એમને ખૂબ સપોર્ટ કર્યો. પરિવાર જ એની તાકાત અને બધી સમસ્યાઓનો ઉકેલ છે. પરિવારના સભ્યો સતત તેને સલાહ આપતા કે તું ફક્ત તારી રમત પર ધ્યાન કેન્દ્રિત કર અને તારી રમતમાં સંપૂર્ણપણે ખોવાઈ જા. શમીએ કહ્યું, જ્યારે હું પ્રેક્ટિસ કરતો હતો ત્યારે મને ખૂબ જ દુઃખ થતું હતું. મારો ભાઈ, મારો પરિવાર મને કહેતો હતો કે તું માત્ર રમત પર ધ્યાન આપ. મારા ઘણા સારા મિત્રોએ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો. જો તેઓ ત્યાં ન હોત, તો મેં કંઈક ખોટું કર્યું હોત.


ભારત આજે જ્યારે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે એનો યશ મોહમ્મદ શમીના બોલિંગને જાય છે. સમગ્ર દેશવાસીઓ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં સાત વિકેટ લેનાર શમીને સલામ કરી રહ્યા છે. ICC વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે સૌથી શાનદાર બોલિંગ કરનાર મોહમ્મદ શમીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ન્યુઝીલેન્ડ સામે મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં માત્ર 57 રન આપીને સાત વિકેટ ઝડપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button