જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે આ સ્ટેશન સુધી લંબાવાઈ

જામનગર-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનનો રૂટ સુરતના ઉધના સુધી લંબાવાયો છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. તેથી હવે જામનગરથી સુરત જતા મુસાફરો માટે સુવિધાજનક સાબિત થશે. તેમજ સુરતમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે વરદાન સાબિત થશે. અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન 24 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 20661/62 કેએસઆર બેંગલુરુ-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસને બેલગાવી સુધી લંબાવવામાં આવી છે. 22925/26 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઉધના (સુરત) સુધી લંબાવવામાં આવી છે. 22549/50 ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ પ્રયાગરાજ સુધી લંબાવવામાં આવી છે. આ અંગે રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે સોશિયલ મીડિયા પોસ્ટ કરી માહિતી આપી હતી. જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર સ્ટોપેજ છે.
આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ત્યારે હવે આ ટ્રેનને વધુ એક સ્ટોપેજ અપાયું છે. એટલે કે હવે આ વંદે ભારત ટ્રેન જામનગરથી સુરતના ઉધના સુધી દોડશે. આ નિર્ણયથી જામનગર અને સુરતવાસીઓની સુવિધામાં વધારો થયો છે.