નાગપુર: પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ ગણાતા મહારાષ્ટ્રના પ્રખ્યાત તાડોબા ટાઇગર રિઝર્વમાં હાલમાં જ બજરંગ નામના એક વાઘનું અન્ય વાઘ સાથેના યુદ્ધમાં મૃત્યુ થયું હતું. 10 વર્ષના બજરંગે તેના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછા 50 બચ્ચા કર્યા હોવાનું કહેવાય છે, છોટા મટકા નામના બીજા મોટા વાઘ સાથેની લડાઇમાં તેનો અંત આવ્યો હતો. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં બજરંગ સહિત 42 વાઘ મૃત્યુ પામ્યા છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી વધુ આંકડો છે.
વન્યજીવન નિષ્ણાતોના મતે, વાઘના મૃત્યુના મુખ્ય ત્રણ કારણો છે: શિકાર, પ્રાદેશિક લડાઈ અને અકસ્માત. છેલ્લા બે વાઘના વસવાટ સાથે સંકળાયેલા છે: વાઘના વિસ્તારોમાં ઘટાડો થવાથી પ્રદેશ પર લડાઈ થઈ શકે છે અને હાઈવે પહોળા થવાથી
વાઘના વિસ્તારોમાં ઘટાડો થવાથી અકસ્માતો થઈ શકે છે.
વિદર્ભના જંગલો મધ્ય ભારતના પ્રખ્યાત વાઘ કોરિડોરનો ભાગ છે, જે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે ફેલાયેલો છે. વિદર્ભ પ્રદેશમાં તાડોબા-અંધારી, મેલઘાટ, પેંચ, નવાગાંવ-નાગઝીરા, ઉમરેડ અને ટીપેશ્વર વાઘ અભ્યારણ્ય અને થોડા નાના જંગલો છે. તાડોબા 1,727 ચોરસ કિમીમાં ફેલાયેલા દેશના સૌથી જૂના રાષ્ટ્રીય ઉદ્યાનોમાંનું એક, સમૃદ્ધ જૈવવિવિધતા ધરાવે છે અને 125 થી વધુ વાઘનું ઘર છે. જાજરમાન જાનવરોની ઝલક મેળવવા ચંદ્રપુરના આ રિઝર્વમાં સેંકડો પ્રવાસીઓ ઉમટી પડે છે.
જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છએ કે કેટલા સમય સુધી આ વાઘ અભ્યારણો સુરક્ષિત રહી શકશે, કારણ કે વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ માટે વાઘ ઝોનમાં મોટા પાયે એટલે કે લગભગ 2.5 લાખ વૃક્ષો કાપવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેને કારણે વન્યજીવ નિષ્ણાતો મહારાષ્ટ્રમાં વાઘના નિવાસસ્થાનના ભાવિ વિશે ચિંતિત છે. સ્ટેટ વાઇલ્ડલાઇફ બોર્ડ (SWB)એ ઑક્ટોબરમાં યોજાયેલી તેની મીટિંગમાં લાખો વૃક્ષો કાપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ બેઠકની અધ્યક્ષતા વન મંત્રી સુધીર મુનગંટીવારે કરી હતી, જેઓ ખુદ ચંદ્રપુરના છે.
તાડોબા અંધારી, કાવલ અને ટીપેશ્વર વાઘ અભ્યારણના વાઘ કોરિડોરની લગભગ 630 હેક્ટર જમીનને ડાયવર્ટ કરવાની યોજના છે, જેમાં 1,17,224 વૃક્ષો કપાઈ જવાનું જોખમ છે. આઉપરાંત તાડોબા રિઝર્વ, પૈનગંગા અભયારણ્ય, ટિપેશ્વર અને કાવલ વાઘના વાઘ કોરિડોરમાં યવતમાલ માર્કી મંગલી કોલ માઇનિંગ બ્લોક માટે 1,13,425 વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે. નાગપુરથી ઝારસાગુડા સુધીની 18 ઇંચની કુદરતી ગેસ પાઇપલાઇન માટે 856 વૃક્ષોનું બલિદાન આપવામાં આવશે. આ ઉપરાંત ઉમરેડ પાવની-કરહંદલા અનામત અને તાડોબા ટાઇગર રિઝર્વ કોરિડોર નાગપુર સ્થિત કંપનીને ખાણકામ માટે આપવામાં આવે તેવી શક્યતા છે અને તે કોર રિઝર્વ વિસ્તારથી 25 કિમી દૂર છે. આમાં 18,024 વૃક્ષો કાપવામાં આવશે.
વિદર્ભના અમરાવતી જિલ્લામાં આવેલ મેલઘાટ વાઘ અનામત સૌથી મોટા વાઘ અનામતોમાંનું એક છે. રાજ્યએ હવે જલ જીવન મિશન હેઠળ પાણી પુરવઠા યોજનાઓ માટે તેના બફર વિસ્તારોમાં 13.23 હેક્ટર જમીન આપી છે. આમાં પણ હજારો વૃક્ષોનું નિકંદન નીકળશે. નવાગાંવ અને નાગઝીરા વચ્ચે નેશનલ હાઈવે 53 ને પહોળો કરવા માટે 403 વૃક્ષ કાપવામાં આવશએ.
આ ઉપરાંત સિંચાઈ પ્રોજેક્ટ અને બે કોલ બ્લોક માટે 2,48,673 વૃક્ષો કાપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. જોકે, તેને કામચલાઉ ધોરણે રોકી દેવામાં આવી છે અને નુકસાનને કેવી રીતે ઘટાડી શકાય તેનો અભ્યાસ કરવા માટે નિવૃત્ત IAS અધિકારી પ્રવીણ પરદેશીની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.
વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ જણાવે છે કે વાઘ માટે સૌથી મોટો ખતરો જંગલોનું વિભાજન અને જંગલનો આડેધડ કરવામાં આવતો વિનાશ છે. ટાઇગર રિઝર્વની બહારના જંગલોની ગુણવત્તા સતત કથળી રહી છે. છેલ્લા પંદરેક વર્ષથી દેશમાં વાઘની સંખ્યા વધી રહી છે. એવા સમયે વાઘ કોરિડોરનું રક્ષણ કરવાની જરૂર છે.
પરંતુ આને બચાવવાને બદલે વિવિધ પ્રોજેક્ટ માટે વાઘની જગ્યા લેવામાં આવી રહી છે. વાઘને બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે વાઘ માટે સારા કોરિડોર રાખવામાં આવે જેથી વાઘ મુક્તપણે ફરી શકે. જંગલની જમીનનું અંધાધૂંધ ડાયવર્ઝન વાઘોના લાંબા ગાળાના અસ્તિત્વ માટે હાનિકારક છે.
Taboola Feed