લોકસભાની ચૂંટણીમાં રામ મંદિર જ મુખ્ય મુદ્દો: કોને ટિકીટ મળશે એ તો સાંસદોને અધિવેશનમાં જ ખબર પડશે
નવી દિલ્હી: 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાનું રામ મંદિર એ મુખ્ય મુદ્દો હશે. વિરોધી પક્ષની જાતિ આધારીત વસ્તી ગણતરી તથા ઓબીસી મતોની લડાઇ વચ્ચે પણ ભાજપ રામ મંદિરને જ સૌથી યોગ્ય મુદ્દો માની રહી છે. પ્રવર્તમાન સાંસદોમાંથી આ વખતે કોને ટિકીટ મળશે એ સંસદના શિયાળુ સત્રમાં જ સાંસદોને જણાવવામાં આવશે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ 2024ની તૈયારી શરુ કરશે. 4 ડિસેમ્બરથી શરુ થનાર સંસદના શિયાળુ સત્રમાં જ ભાજપ ધ્વારા સાંસદોની રાજ્યસ્તરીય અને વિભાગીય બેઠકો બોલાવવામાં આવશે જેમાં તેમને રોડ મેપની જાણકારી આપવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ખૂણે ખૂણે પહોંચી વિકાસના વિવિધ મુ્દા લોકો સુધી પહોંચાડવાનું કામ શરુ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ અયોધ્યાના રામ મંદિરના મુદ્દા પર જ આગામી લોકસભાની ચૂંટણી લડશે. ગરીબ કલ્યાણ યોજના, મહિલા અનામત, ઓબીસીને લગતી યોજનાઓ સહિત અનેક મુદ્દાઓ હશે છતાં સૌથી મોટો મુદ્દો રામ મંદિર જ હશે. આ મુદ્દા પર જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તેમની જાહેર સભાઓમાં રામ મંદિરના અંગે ચર્ચા કરી રહ્યાં છે. ઉપરાંત લોકોને રામ મંદિરના દર્શન અંગે પણ જાણ કરી રહ્યાં છે. 1 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી આખા દેશમાં રામમય વાતાવરણ તૈયાર કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે.
ભાજપની રામ મંદિરવાળી રણનિતી અંગે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે, મધ્ય પ્રદેશની ચૂંટણીમાં ભાજપને મત આપવામાં આવે તો રામલલ્લાના દર્શન માટે મફત અયોધ્યા પ્રવાસનું આયોજન કરવામાં આવશે એવી લાલચ મતદારોને આપવામાં આવી રહી છે. શું ચૂંટણી પંચે આચારસંહિતા બદલી છે? કે પહેલાં દેશના લોકો માટે મફત અયોધ્યા પ્રવાસ કરાવી લેવો પછી આચારસંહિતા લાગશે એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ કહ્યું હતું કે, રામલલ્લાના મફત દર્શન કરાવવાના વાયદા કરી રહેલ કેન્દ્ર સરકારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું નવું એકાઉન્ટ ઓપન કર્યું હશે એમ લાગી રહ્યું છે. તમે જે કામો કર્યા છે એના પર ચૂંટણી લડો ને, લોકોને રામલલ્લાના દર્શનની લાલચ કેમ આપી રહ્યાં છો?
જ્યારે ભાજપના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનુકુળેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની જેમ જ હવે ઉદ્ધવ ઠાકરેને પણ રામનામની એલર્જી થઇ છે. કોંગ્રેસે પ્રભુ રામચંદ્રના અસ્તિત્વના પુરાવા માગ્યા હતાં. હવે તમે રામનામ અને રામભક્તોનો તિરસ્કાર કરી રહ્યાં છો.