૪૦ કલાકના બચાવ કાર્ય બાદ બાળવહેલનું રત્નાગિરીના દરિયાકિનારે મૃત્યુ
મુંબઈ: એક બાળવ્હેલ જે ૪૦ કલાકના લાંબા ઓપરેશન બાદ બચાવીને દરિયામાં પાછું ધકેલવામાં આવ્યું હતું તે કેટલીક અડચણોને કારણે મૃત્યુ પામ્યું હતું અને મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં ગણપતિપુલે ખાતે કિનારે તણાઈ આવ્યું હતું.
નાયબ વન અધિકારી ગિરિજા દેસાઈએ જણાવ્યું હતું કે, લગભગ ચાર ટન વજનના બાળવ્હેલને બુધવારે ઊંડા સમુદ્રમાં મોકલ્યા પછી, તે જીવતું હતું અને તેની જાતે જ તરી રહ્યું હતું. પરંતુ, પાછળથી કદાચ સ્વાસ્થ્ય સંબંધિત ગૂંચવણોને કારણે મૃત્યુ પામ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે ૩૫ ફૂટ લાંબા મહાકાય દરિયાઈ સસ્તન પ્રાણીને ૪૦ કલાકના ઓપરેશન બાદ ફરીથી દરિયામાં ધકેલવામાં આવ્યું હતું.
તે બુધવારે મોડી રાત્રે ભારે ભરતી સાથે કિનારે તણાઈ આવ્યું હતું. વન અધિકારીઓએ ગતિહીન બાળવ્હેલની તપાસ કરી અને તે મૃત જણાયું.
ગોવાના વન્યજીવ પશુ ચિકિત્સા નિષ્ણાતોની એક ટીમ થોડા સમયમાં સ્થળ પર પહોંચી અને શબપરીક્ષણ હાથ ધર્યું હતું, રિપોર્ટ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.
નેક્રોપ્સી (પ્રાણી પર પોસ્ટમોર્ટમ પરીક્ષા) એ સમય માંગી લેતી પ્રક્રિયા છે અને તેમાં એક કે બે દિવસ લાગી શકે છે, અધિકારીએ ઉમેર્યું હતું કે, વન્યજીવન નિષ્ણાતોની ટીમની સલાહ લઈને તમામ યોગ્ય પ્રક્રિયાઓ અનુસરવામાં આવશે.
ગિરિજા દેસાઈએ કહ્યું હતું કે બુધવારે સાંજે કેટલાક સ્થાનિક માછીમારોએ બાળવ્હેલને દરિયામાં તરતા જોયું હતું . તેમણે જણાવ્યું હતું કે બાળવ્હેલ તેની કુદરતી હિલચાલ કરતુ નહોતું , એવી શંકા હતી કે તે બેભાન હોઈ શકે છે.
અમારી ટીમ તેની સારવાર માટે તૈયાર હતી અને ગોવાથી વન્યજીવન નિષ્ણાતોની ટીમને પણ વધુ પરીક્ષણો માટે બોલાવવામાં આવી હતી. બાળવ્હેલ કિનારે તણાઈ આવ્યા પછી, વન અધિકારીઓએ તેને મૃત જાહેર કર્યું. (પીટીઆઈ)