આમચી મુંબઈ

બિલ્ડિંગના મીટર બૉક્સમાં આગ: ૪૫ રહેવાસીને ઉગારી લેવાયા

થાણે: થાણે પાસેના ઘોડબંદર રોડ પર આવેલી આઠ માળની ઈમારતના મીટર બૉક્સમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા ૪૫ રહેવાસીને ફાયર બ્રિગેડના જવાનોએ ઉગારી લીધા હતા.થાણે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે વાઘબીળ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગના મીટર બૉક્સમાં ગુરુવારની બપોરે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં ૩૦ મીટર સળગી ગયાં હતાં. જોકે સદ્નસીબે કોઈ રહેવાસીને ઇજા થઈ નહોતી.

દરમિયાન આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ આગને કારણે ૪૫ રહેવાસી બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા, જેમને ઉગારી લેવાયા હતા. ૭૫ વર્ષની એક વૃદ્ધા તો તેના ફ્લૅટમાં ફસાયેલી હતી. તેને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાઈ હતી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button