આમચી મુંબઈ

રસ્તા ધોવાના ટાર્ગેટમાં સુધરાઈ નિષ્ફળ

૬૦૦ કિલોમિટરને બદલે દરરોજ ફક્ત ૧૦૦ કિલોમિટરના રસ્તાઓને ધોવામાં આવે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે અને રસ્તા પર ઉડતી ધૂળને નીચે બેસાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ દરરોજ ૬૫૦ કિલોમીટરના રસ્તાઓને ધોવાનો નિર્ણય લીધો છે. પરંતુ તમામ ૨૪ વોર્ડમાં પાલિકા હાલ ફક્ત ૧૫૦ કિલોમીટરના રસ્તા ધોવા માટે જ સક્ષમ છે. ભંડોળનો અભાવ, મર્યાદિત સંસાધનો અને નોન-પીક અવર્સ દરમિયાન સફાઈ કરવામાં અસક્ષમતાને કારણે રસ્તા ધોવાના કામને અસર થઈ રહી હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે.

વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ ત્રણ નવેમ્બર, ૨૦૨૩થી રસ્તાઓ ધોવાનું ચાલુ કર્યું છે. પાલિકા પ્રશાસને તેના ૨,૦૫૦ કિલોમીટરના રસ્તામાંથી દરરોજ ૬૦૦ કિલોમીટરના રસ્તા ધોવાની જાહેરાત કરી હતી. પાલિકાએ દરરોજ ૧,૦૦૦ કિલોમીટરના રસ્તાને ધોવાની યોજના બનાવી છે. પરંતુ તેઓ હાલ દરરોજ ફક્ત ૧૨૫થી ૧૫૦ કિલોમીટરના રસ્તાઓ જ ધોવાનું કામ કરી રહ્યા છે.

પાલિકાએ સિક્સટી ફૂટથી વધુ પહોળાઈના સોથી વ્યસ્ત રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રસ્તા ધોવા માટે હાલ બિન-પીવાલાયક અને રિસાયકલ કરેલા પાણી, જે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મેળવવામાં આવી રહ્યું છે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય કુવાઓ અને બોરવેલના પાણીનો ઉપયોગ પણ રસ્તા ધોવા માટે કરવામાં આવી રહ્યો છે.

રસ્તાઓ ધોવાનું મુખ્યત્વે નોન પીક અવર્સ એટલે કે વહેલી સવારના ત્રણ વાગ્યાથી છ વાગ્યા દરમિયાન હાથ ધરવાનું હોય છે. પરંતુ ઉપનગરમાં વોર્ડ ખૂબ મોટા છે અને વોર્ડમાં આવેલા તમામ રસ્તાઓને સવારના નો પીક અવર્સમાં પહોંચી શકાતું નથી. તો વોર્ડમાં અનેક જગ્યાએ હાલ રસ્તાઓના સમારકામ પણ ચાલી રહ્યા છે, તેથી પાલિકા પોતાના ૬૦૦ કિલોમીટર રસ્તા ધોવાના ટાર્ગેટને પૂરા કરી શકતી નથી.

હાલમાં પાલિકા દ્વારા ક્ધસ્ટ્રકશન સાઈટની નજીકની લેન અને રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, કે જ્યાં ધૂળ વધુ હોય છે. પાલિકાના અધિકારીના કહેવા મુજબ આવતા મહિના સુધીમાં તેઓ તબક્કાવાર ધોવા માટેના રસ્તાઓની કિલોમીટર વધારશે. આવતા મહિના સુધીમાં પાલિકા ૫૦૦ કિલોમીટર સુધીના રસ્તા ધોશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button