એકસ્ટ્રા અફેર

વ્યભિચાર માટે કાયદો બને તોય છાનગપતિયાં ચાલશે જ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ને સ્થાને ભારતીય ન્યાય સહિતા લાવીને અંગ્રેજોના જમાનાના કાયદા બદલવાની ક્વાયત હાથ ધરી છે. આ ક્વાયત જ જરૂરી છે કેમ કે અંગ્રેજોના જમાનાના ઘણા કાયદા અત્યારે અપ્રસ્તુત બની ગયા છે, ઘણા કાયદામાં સજાની જોગવાઈ ઓછી કે બહુ વધારે છે. બીજી ઘણી વાતો એવી છે કે જે વર્તમાન સમયને અનુરૂપ નથી. આ કારણે આઈપીસીના સ્થાને નવો જ કાયદો આવે તેમાં કશું ખોટું નથી.

મોદી સરકારે ઈન્ડિયન પીનલ કોડ ઉપરાંત કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઈન્ડિયન એવિડન્સ એક્ટના બદલે નવા કાયદા લાવવાની ક્વાયત પણ આદરી છે. તેના ભાગરૂપે ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં ભારતીય ન્યાય સંહિતા સહિતના નવા કાયદા લાવવાના ખરડા રજૂ પણ કરી દેવાયા છે. આ કાયદા પસાર કરતાં પહેલાં તેના પર ગહન ચર્ચા અને વિચારણા કરવી જરૂરી છે કે જેથી કોઈ છિંડાં ન રહી જાય. એ માટે આ ત્રણેય કાયદા સંસદની ગૃહ બાબતોની સ્ટેન્ડિંગ કમિટીને મોકલાયેલા. આ સમિતિના પ્રમુખ તરીકે ભાજપના બ્રિજલાલ છે.

આ સમિતિએ તેનો રિપોર્ટ આપ્યો છે તેમાં વ્યભિચારને ફરી અપરાધ બનાવવાની દલીલ કરી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં લગ્નેતર સંબંધોને વ્યભિચાર ગણીને તેના માટે સજાની જોગવાઈ કરતી ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની કલમ ૪૯૭ રદ કરી નાંખી હતી પણ સમિતિએ વ્યભિચારને ફરી અપરાધ બનાવવાની તરફેણ કરી છે. સમિતિની દલીલ છે કે, લગ્ન પવિત્ર સંસ્થા છે તેથી તેનું રક્ષણ કરવું જરૂરી છે.

સમિતીની દલીલ એ છે કે, વ્યભિચારને અપરાધ ગણતો નવો કાયદો જેન્ડર ન્યુટ્રલ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને માટે અપરાધ હોવો જોઈએ તેમજ વ્યભિચાર માટે સ્ત્રી અને પુરુષ બંને જવાબદાર તથા દોષિત ગણાવાં જોઈએ. આ સિવાય નોન-ક્ધસેક્ચ્યુઅલ સેક્સ એટલે કે સંમતિ વિનાના શરીર સંબધો અને પ્રાણીઓ સાથેના શરીર સંબંધોને પણ અપરાધ ગણવા સહિતની બીજી ઘણી કલમો ઉમેરવાની ભલામણ કરાઈ છે.

આ પૈકી સૌથી મોટો વિવાદ વ્યભિચારને અપરાધ ગણવા મુદ્દે શરૂ થયો છે કેમ કે સુપ્રીમ કોર્ટ બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરીને તેને નાબૂદ કરી ચૂકી છે. અલબત્ત આ ભલામણ આશ્ર્ચર્યજનક નથી કેમ કે મોદી સરકાર તો પહેલાં પણ વ્યભિચારને અપરાધ ગણતી કલમ ૪૯૭ નાબૂદ કરવાની વિરુદ્ધ જ હતી.

સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં કેટલાક લગ્નેતર સંબંધોને વ્યભિચાર ગણીને સજાની જોગવાઈ કરતી ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની કલમ ૪૯૭ રદ કરી એ સાથે જ વ્યભિચાર અપરાધ મટી ગયો હતો. પહેલાં વ્યભિચાર માટે પાંચ વર્ષની જેલની સજા હતી પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી વ્યભિચાર માટે સજા કે દંડ નથી કરી શકાતા.

સુપ્રીમ કોર્ટે આ કલમને રદ કરવા માટે નક્કર કારણો આપ્યાં હતાં. આ કલમ પ્રમાણે, કોઈ પણ પુરુષ, બીજા પુરુષની પત્નિ હોય તેવી સ્ત્રી સાથે, તેના પતિની મંજૂરી કે સંમતિ વિના શારીરિક સંબંધો બાંધે તો એ વ્યભિચાર ગણાય પણ આ વ્યભિચાર માટે માત્ર પુરુષ જ દોષિત ઠરે, દોષિત ઠરેલા પુરુષ સાથે શારીરિક સંબંધો બાંધનારી મહિલાને કંઈ ના થાય. મતલબ કે, પરણેલી સ્ત્રીને બીજા પુરુષ સાથે
શરીર સંબંધો બાંધવાની છૂટ હતી પણ પુરુષ બાંધે તો
દોષિત ઠરે.

બીજી આઘાતજનક જોગવાઈ એ હતી એ કે, વ્યભિચારની ફરિયાદ જે સ્ત્રીએ શારીરિક સંબંધો બાંધ્યા હોય તેનો પતિ જ કરી શકે. પુરુષ વ્યભિચારી હોય ને બીજી સ્ત્રી સાથે તેને શારીરિક સંબંધો હોય તો પણ તેની પત્નિ તેની સામે ફરિયાદ ના કરી શકે. જે સ્ત્રીએ શારીરિક સંબંધો બાંધ્યા હોય તે પુરુષ પણ પોતાની પત્નિ સામે તો ફરિયાદ ના જ કરી શકે. આ જોગવાઈ પ્રમાણે કોઈ પુરુષ, કોઈ સ્ત્રી સાથે તેના પતિની મંજૂરી કે સંમતિ વિના શારીરિક સંબધો બાંધે તો જ તે વ્યભિચાર ગણાય. બાકી સ્ત્રીના પતિને એવા સંબંધો સામે વાંધો ના હોય તો એ વ્યભિચાર ના ગણાય. મતલબ કે કોઈ પુરુષ પોતાની પત્નિને બીજા પુરુષ પાસે શારીરિક સંબંધો બાંધવા માટે ધકેલે એવા કિસ્સામાં વ્યભિચારનો ગુનો લાગુ ના પડે.

આ જોગવાઈનો અર્થ એ થાય કે, પુરૂષ ઈચ્છે તો પોતાની પત્નિને બીજા પુરુષ સાથે શારીરિક સંબંધોની ફરજ પાડી શકે ને તેને માટે તે દોષિત ના ગણાય. સ્ત્રી બળાત્કારની ફરિયાદ કરે તો તેની સાથે શારીરિક સંબંધ બાંધનારો પુરુષ દોષિત ઠરે પણ તેના પતિને કંઈ ના થાય. આપણે ત્યાં વેશ્યાવૃત્તિના બહુમતી કેસોમાં પતિ જ પત્નિને આ ગંદા કામમાં ધકેલતો હોય છે. આ પ્રકારના કિસ્સામાં પતિ સામે કોઈ પગલાં ના લઈ શકાય એવી વાહિયાત જોગવાઈઓ આ કાયદામાં હતી તેથી સુપ્રીમ કોર્ટે તેને રદ કરી નાંખી હતી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેંચે ચુકાદો આપેલો કે, વ્યભિચાર છૂટાછેડા માટેનો આધાર બની શકે પણ તેને અપરાધ ના ગણી શકાય.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બંધારણની કલમ ૪૯૭ રદ કરવાનો વિરોધ કરેલો. મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં કહેલું કે, ઈન્ડિયન પિનલ કોડ (આઈપીસી)ની કલમ ૪૯૭ અને ક્રિમિનલ પ્રોસિજર એક્ટ (સીઆરપીસી) ૧૯૮ (૨) રદ કરવી, મૂળભૂત ભારતીય મૂલ્યો તથા સંસ્કાર માટે ઘાતક સાબિત થશે કેમ કે ભારતીય મૂલ્યો લગ્નની પવિત્રતા અને લગ્ન સંસ્થાના મહત્ત્વને સર્વોચ્ચ ગણે છે. મોદી સરકાર માનતી હતી કે, વ્યભિચારને અપરાધ ગણવો જ જોઈએ. હવે એ જ વલણ સ્ટેન્ડિંગ કમિટીની ભલામણમાં દેખાઈ રહ્યું છે તેનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી.

દેશની સંસદને નવા કાયદા બનાવવાનો અધિકાર છે. મોદી સરકારે રજૂ કરેલા કાયદાઓને સંસદની મંજૂરી મળે તો તેની સામે વાંધો ના ઉઠાવી શકાય. મોદી સરકાર જૂના કાયદાની ખામી દૂર કરીને સ્ત્રી અને પુરુષ બંનેને વ્યભિચાર માટે દોષિત ગણતો સંતુલિત કાયદો બનાવે તેમાં પણ કશું ખોટું નથી પણ વ્યભિચાર સહિતની સામાજિક સમસ્યાઓ કાયદાથી નથી ઉકેલાતી, તેના માટે માનસિકતા બદલવી પડતી હોય છે. ભારતમાં સ્ત્રી અને પુરુષો બંને એ માંનસિકતા બદલે તો વ્યભિચાર રોકાય, બાકી કાયદો હશે તો પણ છાનગપતિયાં ચાલશે જ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button