આ વર્ષે સપોર્ટિંગ રોલ કરીને પણ કેન્દ્રસ્થાને રહ્યા છે આ કલાકારો
ફોકસ -રાજેશ યાજ્ઞિક
આમ તો આ વર્ષે કેટલાક શાનદાર પરફોર્મન્સ દર્શકોને જોવા મળ્યા છે, જેણે લોકોના મન મોહી લીધા છે. એ જ સમયમાં સપોર્ટિંગ રોલમાં પણ કેટલાક કલાકારોએ એવા જોરદાર પરફોર્મન્સ આપ્યા છે કે દર્શકો વાહવાહ કરવા મજબૂર થઇ જાય. તેમની અદાકારી તો જબરજસ્ત હતી જ, સાથે તેમનાં પાત્રો પણ ફિલ્મની વાર્તા માટે ખૂબ મહત્ત્વના હતા. ચાલો, પાંચ એવા સપોર્ટિંગ એક્ટરની વાત કરીએ જેમણે સપોર્ટિંગ પાત્રમાં પણ દર્શકોના હૃદય પર પોતાની છાપ છોડી છે.
‘પઠાણ’માં ડિમ્પલ કાપડિયા
આધેડ વયે પણ આકર્ષક લાગતી ડિમ્પલ કાપડિયાએ ફિલ્મમાં જે પાત્ર ભજવ્યું એ ખૂબ મહત્વપૂર્ણ હતું. સિનિયર એક્ટર તરીકે પોતાની હાજરી તેણે ફિલ્મમાં પુરાવી અને સાથે તેની અદાકારીએ શાહરૂખના પાત્રને પણ સારો સપોર્ટ આપ્યો તેમ કહી શકાય. કોમેડી સીન હોય કે ઇન્ટેન્સ સીન, ડિમ્પલે સાબિત કરી દીધું કે સ્ક્રીન પર તેની હાજરી હોય ત્યારે તમે તેની ઉપરથી નજર નહીં હટાવી શકો.
‘સત્યપ્રેમ કી કથા’માં
ગજરાજ રાવ
ગજરાજ રાવના સહાયક પાત્રોમાં ઘણા સુંદર પરફોર્મન્સ આપણે જોયા છે. કાર્તિક આર્યનના પાત્રના પિતાની ભૂમિકામાં આ ફિલ્મમાં ગજરાજે ફરી એકવાર કમાલ બતાવ્યો છે. પોતાના કોમિક ટાઈમિંગ અને ઈમોશનલ કનેક્શનથી તેમણે બધી લાઈમલાઈટ ચોરી લીધી. ફિલ્મની દરેક ફ્રેમમાં અભિનેતાએ પોતાની દમદાર હાજરી નોંધાવી.
સીન કોઈ પણ હોય, ગજરાજ રાવે બખૂબી નિભાવ્યો અને લીડ એક્ટરને યોગ્ય સાથ આપ્યો.
‘જવાન’માં સાન્યા મલ્હોત્રા
જવાન ફિલ્મમાં સાન્યા મલ્હોત્રાએ જે સપોર્ટિંગ પાત્ર ભજવ્યું છે એ પાત્ર ફિલ્મની વાર્તા આગળ વધારવામાં મહત્ત્વનું હતું. શાહરુખ સાથે આવતી ગર્લ્સમાંથી એક હોવાને નાતે તેણે ઈમોશનલ અને એક્શન સીનમાં ધ્યાનાકર્ષક કામ કરી બતાવ્યું છે એમ કહેવું જ પડે. એક ડોકટરના પાત્રને સમજી-વિચારીને તેણે ભજવી બતાવ્યું છે અને સપોર્ટિંગ રોલમાં પણ પ્રાણ પૂરી બતાવ્યા.
‘તુ ઝૂઠી, મૈં મક્કાર’માં બસ્સી
તુ ઝૂઠી, મૈં મક્કારમાં બસ્સીનું સપોર્ટિંગ રોલમાં સિલેક્શન એકદમ યોગ્ય સાબિત થયું. આમ તો બસ્સી સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે જાણીતો અને યુવાનોમાં માનીતો છે, અને આ ફિલ્મમાં તેણે અભિનયનું ડેબ્યુ કર્યું. પણ પહેલી ફિલ્મમાં જ પોતાના અભિનયથી બધાને આશ્ર્ચર્યચકિત કરી દીધા. ફિલ્મમાં દર્શકોને તેની કોમેડીનો સાવ નવો અંદાજ જોવા મળ્યો. રણબીર કપૂરના બેસ્ટ ફ્રેન્ડના પાત્રમાં બસ્સીએ યાદગાર અભિનય આપ્યો છે.
‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં શહેનાઝ ગિલ
ક્યૂટ ગર્લ શહેનાઝ ગિલને દર્શકો તેની ક્યુટનેસ માટે પસંદ કરે જ છે અને ફિલ્મમાં તેણે આ ક્યુટનેસને પોતાના સપોર્ટિંગ રોલમાં સારી રીતે ઉપયોગમાં લીધી છે. ફિલ્મમાં સલમાન ખાનના ભાઈઓમાંથી એકની પ્રેમિકાની ભૂમિકામાં પણ શહેનાઝ પોતાની ઉપસ્થિતિ સારી રીતે નોંધાવીને પોતે સારી અદાકાર હોવાનો પરિચય આપ્યો છે.