ખોરડું ભલે નાનું હોય પણ જેનો આશરો આભજેવો હોય એના મહેમાન બનવું!
અરવિંદ વેકરિયા
સવાર તો પડી પણ થયું કે તુષારભાઈને ફોન કરું અને વધુ વિગત બધી ફોન પર જ પૂછવાનું શરૂ કરશે તો જવાબ શું આપીશ? આમ પણ હું અને રાજેન્દ્ર બંને સાથે હોઈએ ત્યારે જ વાત માંડવાની હતી. આગળ કહ્યું એમ નવા નિર્માતાઓ તો ઘણા ‘કતાર’માં હતા. કોઈ એક ને નાટકનો વિષય કહી શરૂ કરી પણ શકાય, પણ અંદરથી અંતર કહેતું હતું કે ખોરડું ભલે નાનું હોય પણ એનો આશરો આભ જેવો હોય એના મહેમાન બનવું. તાજેતરમાં જ બંધ થયેલું નાટક ‘છાનું છમકલું’ તરત રી-ઓપન કરવા માટે મારું મન માનતું નહોતું. માનો કે નાટકનું નામ ‘છાનું છમકલું’ ને બદલે કોઈ બીજું રાખીએ, પણ પ્રેક્ષકોને અંધારામાં થોડા રાખી શકાય? અને જે નાટકના ભૂતકાળમાં થોડા શો પછી કલેક્શનમાં ઓટ આવી ગઈ હોય એ જ નાટક માટે જાહેરાત કરીએ કે છાનું છમકલું હવે નવા …………………. નામે! તો પ્રેક્ષકો આવે ખરા? આમ પણ મેં અનુભવે જો કે જોયું છે કે પ્રેક્ષકોની યાદશક્તિ ઉગતાને પૂજો જેવી રહી છે. કોઈવાર થિયેટર ન મળવાથી લાગલગાટ ત્રણેક અઠવાડિયાનો ‘ગેપ’ પડી જાય તો પ્રેક્ષકો એમ જ સમજે છે કે નાટકમાં જ કોઈ ભલીવાર નહિ હોય એટલે બંધ થઇ ગયું હશે. પછી જો રજૂ કરીએ ત્યારે જાણે ‘એકડે-એક’થી મંડાણ કરતાં હોઈએ એવું લાગે. બીજી તરફ નિયમિત નાટક જોનારો વર્ગ યાદશક્તિમાં સતેજ પણ હોય છે. નામ બદલીને જો જૂનું નાટક રજૂ કરીએ તો પ્રેક્ષક તરત નિર્માતા-દિગ્દર્શકનો કાન પકડી છેતરવાનું ‘બંધ કરો’ કહી દેતા જરા પણ અચકાતો નથી અને તેઓ સાચા પણ હોય છે. મારી હાલત ‘ત્રિશંકુ’ જેવી થઇ ગઈ હતી. મારું મન કહેતું હતું કે રીવાઈવ કરવાનો આ સમય ઉચિત તો નથી જ. ‘ગીલ્ટ’ ફિલ કરીને નાટક કેમ થાય? નાદાન અરીસાને ક્યા ખબર છે કે એક ચહેરાની અંદર પણ એક ચહેરો હોય છે… પણ પ્રેક્ષકો પકડી પાડે છે…
આ બધી વાતો વિચારી, મનમાં ધરબી મેં હિંમતથી તુષારભાઈને ફોન કર્યો…
હું: ‘હેલો’
તુષાર: ‘બોલો દાદુ… (મારા અવાજ પરથી જ મને ઓળખી ગયા.)
હું: ‘પહોંચી ગયા માટુંગા?
તુષાર: ‘હા… થોડો આરામ પણ કરી લીધો. બોલો કેટલા વાગે મળું?
હું: ‘તમે તો કારમાં જ આવશોને?
તુષાર: ‘ના. કાર તો મીના (તુષારભાઈનાં પત્ની) લઇ જવાની છે, હું ટ્રેઈનમાં જ આવીશ.
હું: ‘ઓ.કે. રાજેન્દ્ર ૫.૩૦ વાગે છૂટશે… તો ૬.૩૦ વાગે હિન્દુજા મળીએ?’
તુષાર: ‘ઓ.કે.’
એ વધુ વાત કરે એ પહેલા મેં ફોન મૂકી તરત ફોન રાજેન્દ્રની ઓફિસે કર્યો. રાજેન્દ્રને તુષારભાઈ સાથે થયેલ વાત મુજબ ૬.૩૦ સુધી હિન્દુજા પહોંચવા જણાવી દીધું.
હું સમય કરતાં વહેલા હિન્દુજા પહોંચી ગયો. થોડીવારમાં રાજેન્દ્ર પણ આવી ગયો. રાજેન્દ્ર મારો મૂડ જોઈ કહે, કેમ ચિંતા કરે છે યાર! તુષારભાઈ સાથે વાત હું શરૂ કરીશ. એમના મનમાં શું ચાલે છે એ પણ જાણી લઈએ ને? મન પર કોઈ ભાર નહિ રાખવાનો. તને ખબર છે, મને કોઈ પૂછે કે હૃદયની ‘સ્પેશિયાલીટી’ શું? તો હું બિન્દાસ કહી દઉં કે હજારો ઇચ્છા હેઠળ દબાઈને પણ ધબકતા રહેવું… ચીલ યાર! ક્યારેક મને એવું લાગે છે દાદુ, તારું અભિનય પૂરતું ઠીક છે બાકી આ દિગ્દર્શકની લાઈન ખોટી પકડી છે. કહી એ ખૂબ હસ્યો. પછી કહે, જીવવાનું આજમાં’… અત્યાર સુધીમાં આપણે ક્યા કોઈને રખડાવ્યા છે? એમની જીદ ‘છાનું છમકલું’ માટે છે તો આપણે એના ફાયદા-ગેરફાયદા સમજાવીશું. નહિ જ માને તો ‘છાનું છમકલું’ બીજી કઈ રીતે રજૂ કરી શકાય એ પણ મેં વિચારી રાખ્યું છે. બસ! એમને આવવા દે.
અમે ચા મંગાવી. ત્યારે હિન્દુજા થિયેટરમાં રામજી નામનો એક જણ હતો. જે હવે આ દુનિયામાં નથી. આખા હિન્દુજામાં એનું રાજ ચાલતું. પહેલા ‘શર્મા’ નામના થિયેટર મેનેજર હતા, પછી એમનો દીકરો રાજુ શર્મા આવ્યો અને એ પછી કારોબાર જે. અબ્બાસે સંભાળ્યો, પણ ‘રામજી’ એ જ રહ્યો. એ રામજી ત્રણ ચા લઇ આવ્યો. એક એણે પીધી. બાકીની બે, મેં અને રાજેન્દ્રએ…
રાજેન્દ્રની વાત સાચી હતી. આપણે ક્યા કોઈ રીતે બંધાયેલા હતા. અને ‘આજમાં’ જીવવાની વાત પણ એટલી જ સાચી હતી. આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ જ ને?
ત્યાંજ તુષારભાઈ આવ્યા. આવતાની સાથે જ ‘સોરી… સોરી… અડધો-પોણો કલાક મોડો પડ્યો.’
વાતની શરૂઆત રાજેન્દ્રએ જ કરી. ‘નો… સોરી.. મુંબઈની લાઈફ છે… ક્યારેક સમય ન પણ સચવાય. અમે તો આવી ગયા, બોલો હવે!’
તુષારભાઈએ કહ્યું, મેં દાદુને ફોન ઉપર જણાવેલું કે મારે ‘છાનું છમકલું’ ફરી પાછું કરવું છે. તો એમણે કહ્યું કે રાજેન્દ્રએ બીજું નાટક વિચારી રાખ્યું છે જે ‘સત્ય-ઘટના’ તરીકે રજૂ કરી શકાય. મૂળ તો નાટક મરાઠી છે એટલે…
એમની વાત કાપતા તુષારભાઈ બોલ્યા, એ નાટક આપણે આના પછી કરીશું (વાચકોની જાણ ખાતર: પછી એ ‘સત્ય ઘટના’ ધરાવતું જે નાટક હતું એનું નિર્માણ પણ તુષારભાઈએ જ કર્યું, કેમ? અને કેવી રીતે? એની વાત હવે પછી.) મને આ ‘છાનું છમકલું’ નાટક ખૂબ જ ગમેલું. મારી પારડીની દોડધામમાં હું ધ્યાન આપી ન શક્યો અને એનું ક-મોતે મરણ થઇ ગયું. મારે ફરી મારી ગમતી વસ્તુ જીવિત કરવી છે.
હું અને રાજેન્દ્ર બંને એકબીજા સામે જોવા લાગ્યા. વાત બધી રાજેન્દ્ર જ કરવાનો હતો. નક્કી જ એ થયેલું મારે તો જરૂર જણાય ત્યાં માત્ર ‘ટાપસી’ જ પુરવાની હતી. બાકી પૂરો ‘દોર’ રાજેન્દ્ર જ સંભાળવાનો હતો.
રાજેન્દ્ર કહે, છાનું છમકલું ભલે કરીએ પણ જે અમે લાસ્ટ વીક વિચારેલું એ તમે એક વાર સાંભળી તો લો.
તુષારભાઈ કહે, જુઓ, હું સાંભળીશ ખરો પણ મને એક નિર્માતા તરીકે છાનું છમકલું જડબેસલાક મગજમાં બેઠેલું છે. બીજું, તમારા બંને ઉપર મને પૂરો વિશ્ર્વાસ છે. લોકો કહે છે કે પૈસાથી બધું ખરીદી શકાય છે તો પૈસાથી કોઈના પરથી ઊતરી ગયેલ વિશ્ર્વાસ ખરીદી બતાવો! આપણો નાતો અનંત છે. હા, તમે જ જો હાથ ઊંચા કરી મારા વિશ્ર્વાસને તોડો તો હું કંઈ ન કરી શકું.
રાજેન્દ્ર કહે, એવી કોઈ વાત નથી… તમને અમારા પર અને અમને તમારા પર વિશ્ર્વાસ છે જ. કયું ઋણાનુબંધ કામ કરે છે અમને કે તમને કે કોઈને ખબર નથી છતાં નિર્ણય લઈએ એ પહેલા નવા નાટકની કથાવસ્તુ સાંભળી લો તો સારું.
તુષારભાઈ કહે, સાંભળવાનો કોઈ વાંધો નથી, બાકી નિર્ણયની વાત હોય તો ‘છાનું છમકલું’ માટેનો મારો નિર્ણય અફર છે. એની વે, દલીલો કરવા કરતાં તમારી નવી વાર્તા સાંભળીએ?
ફરી મેં અને રાજેન્દ્રએ એકબીજા સામે જોઈ લીધું. એણે સુંદર રીતે નવા નાટકની કથાવસ્તુ માંડીને કહી સંભળાવી. લેખક તો બની ગયો, પણ એ પહેલા કોલેજમાં અભિનય પણ કરી ચુક્યો હતો. કોલેજની ડ્રામા કોમ્પિટીશનમાં એકાંકી નાટક વિનાશનો વિનિપાત નાટકમાં અભિનય માટેનું પ્રથમ પારિતોષિક પણ મેળવી ચૂકેલ. કદાચ એટલે જ નવા નાટકની રજૂઆત એણે કલાત્મક રીતે કરી. કદાચ તુષારભાઈનું મન ‘છાનું છમકલું’ ની પુન:રજૂઆત પરથી નવા નાટક ઉપર ‘શિફ્ટ’ થઇ જાય. તુષારભાઈએ પૂરી વાર્તા સાંભળી પછી કહ્યું, આપણે આ પણ કરીશું પણ ‘છાનું છમકલું’ કર્યા પછી.
(નાટક ‘છાનું છમકલુંની જા.ખ. અને લેખક-મિત્ર, રાજેન્દ્ર શુકલ)
હવે મારાથી ન રહેવાયું… મેં કહ્યું, બંને નાટક રાજેન્દ્ર શુકલનાં લખેલા છે, પણ જે નાટક તાજેતરમાં ૨૦-૨૫ શોમાં બંધ થઇ ગયું છે એ તમારે હિસાબે ફરી ચાલશે?
તુષારભાઈએ ડાયલોગ માર્યો કે જ્યારે વિચાર, પ્રાર્થના અને ઈરાદા બધા જો પોઝિટિવ હશે તો બધું આપોઆપ પોઝિટિવ થઇ જશે.
હું અને રાજેન્દ્ર નિરુત્તર બની તુષારભાઈ સામે જોઈ રહ્યાં.
હું તો સંબંધોની શરૂઆત છું, ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો, વણ માંગ્યો વરસાદ છું
*
લગ્નમાં ‘મંગળ સૂત્ર’ પહેરાવ્યા પછી ‘મંગળ’ પતિની પાછળ લાગી જાય છે અને જીવનના બધા ‘સૂત્ર’ પત્નીના હાથમાં આવી જાય છે.