મેટિની

અક્ષય-અર્જુન ફ્લોપથી ફરક નહીં

નિષ્ફળ ફિલ્મોનું લિસ્ટ લાંબું બની રહ્યું હોવા છતાં બંને અભિનેતાને ફિલ્મ મેકરો પસંદ કરી રહ્યા છે એ વાતનું અચરજ થવું સ્વાભાવિક છે

કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી

અક્ષય કુમાર અને અર્જુન કપૂર ગ્રેટ એક્ટર નથી, પણ આ બંને અભિનેતાએ જે પણ ફિલ્મો કરી છે એના હિટ -ફ્લોપના હિસાબની વાતને સ્પર્શ્યા વિના એટલું જરૂર કહી શકાય કે બંને કુશળ અભિનેતા છે. વિવિધ ભૂમિકામાં પ્રભાવ પાડવામાં સફળ જરૂર રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક વણલખ્યો નિયમ છે કે એકટરની છેલ્લી ફિલ્મનો હિસાબ કિતાબ એક્ટરનું સ્ટેટસ નક્કી કરે છે. ફિલ્મ સફળ તો નિર્માતાઓમાં ઉત્સુકતા અને ફિલ્મ ફ્લોપ તો પ્રોડ્યુસર-ડિરેક્ટર પીઠ ફેરવી લેતા હોય છે. આ પરિસ્થિતિમાં રિલીઝ થયેલી અક્ષયની આઠમાંથી સાત ફિલ્મના બોક્સ ઓફિસ પર સૂપડા સાફ થયા હોય અને એનાથી એક ડગલું આગળ ચાલતા અર્જુનની છેલ્લી ૧૧ ફિલ્મ ઊંધે માથે પટકાઈ હોવા છતાં બંને એક્ટરની ઝોળી ખાલી નથી. અક્ષય અને અર્જુનને નવી ફિલ્મોમાં કામ મળી રહ્યું છે એ વાત અચરજ પમાડનારી જરૂર છે. વાત વિગતે જાણવા જેવી છે.

શરૂઆત અક્ષય કુમારથી કરીએ. કોવિડ-૧૯ની મહામારી પહેલા અક્ષય કુમારના ‘અચ્છે દિન’ ચાલી રહ્યા હતા. ૨૦૧૯માં ચાર હિટ ફિલ્મ આપી – ‘કેસરી’, ‘હાઉસફુલ ૪’, ‘મિશન મંગલ’ અને ‘ગુડ ન્યુઝ’. સફળતાની ટકાવારી ૧૦૦ ટકા. જોકે, ૨૦૨૦ પછી ચિત્ર સાવ બદલાઈ ગયું. ૨૦૨૧માં ‘બેલ બોટમ’ ફ્લોપ પણ ‘સૂર્યવંશી’ ઓકે રહી. ૨૦૨૨નું વર્ષ તો બહુ જ ખરાબ રહ્યું અક્ષય માટે. સળંગ પાંચ ફ્લોપ: ‘સમ્રાટ પૃથ્વીરાજ’, ‘બચ્ચન પાંડે’, ‘કટપુતલી’ (ઓટીટી રિલીઝ), ‘રક્ષા બંધન’ અને ‘રામ સેતુ’. આ વર્ષે રિલીઝ થયેલી ‘સેલ્ફી’ સાથે ફલોપની સિક્સર. પછી ભગવાન સ્થૂળ તેમજ સૂક્ષ્મ સ્વરૂપે અક્ષય કુમારની વહારે આવ્યા એમ કહી શકાય. થિયેટરમાં રિલીઝ થયેલી લાગલગાટ પાંચ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહ્યા પછી ઓગસ્ટમાં રિલીઝ થયેલી ‘ઓએમજી ૨’ની સફળતાથી અક્ષયને કપાળ પર પરસેવો વળતો અટકી ગયો હશે. ખાસ નોંધવાની વાત એ છે કે સની દેઓલની ‘ગદર ૨’ બોક્સ ઓફિસ પર વંટોળિયા માફક ફરી વળી રહી હતી ત્યારે અક્ષયની ‘ઓએમજી ૨’ની નૌકા ન તો તણાઈ ગઈ કે ન એનું સુકાન ડગમગ્યું. ફિલ્મ ફાંકડું વળતર આપી હિટ સાબિત થઈ. જોકે, બે મહિના પછી આવેલી ‘મિશન રાનીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ ઊંધે માથે પટકાઈ છે. લગાતાર ફ્લોપ પછી પણ અક્ષય કુમાર ઈન્ડસ્ટ્રીના અન્ય અભિનેતાઓ કરતાં વધુ વ્યસ્ત છે એ હકીકત છે. ફિલ્મમાં કામ કરવા માટે તગડા પૈસા લેતા અક્ષયને સાઈન કરવામાં નિર્માતામાં કેમ ઉત્સુકતા જોવા મળે છે એ સવાલનો જવાબ છે કે એ નિર્માતાનો એક્ટર છે. ૨૦૧૮માં ‘ગોલ્ડ’ ફિલ્મના પ્રમોશન વખતે ખુદ અક્ષયે કહ્યું હતું કે ‘હું પહેલા નિર્માતાનો એક્ટર છું.
(મતલબ કે નિર્માતાની કાળજી વધારે લઉં છું.) એક સમય હતો જ્યારે મારી ૧૬ ફિલ્મ ફ્લોપ થઈ હતી અને તેમ છતાં મારી પાસે ચાર ફિલ્મ હતી. એનું એકમાત્ર કારણ હતું કે હું નિર્માતાનો એક્ટર હતો. ફિલ્મમાં પૈસાનું રોકાણ નિર્માતા કરતા હોય છે. સમયસર સેટ પર હાજર રહી, ફિલ્મનું શેડ્યુલ ન ખોરવાય એની જવાબદારી એકટરની છે. લોકો તમારી હિટ-ફલોપનો હિસાબ ભૂલી જશે, પણ કામ પ્રત્યેની નિષ્ઠા, નિયમિતતા, ચીવટ ક્યારેય નહીં ભૂલે.’ અક્ષયમાં આ ગુણ ભારોભાર છે અને એટલે જ એની ઝોળી ક્યારેય ખાલી નથી રહેતી.

નસીબમાં માનવું-ના માનવું અંગત બાબત છે. નોકરી હોય ધંધાપાણી હોય કે પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કારકિર્દી હોય, નસીબ કામ કરે છે એવું માનવાનું મન થાય એવાં અનેક ઉદાહરણો જોવા મળે છે. તમે જ વિચારીને કહો કે, જે એક્ટરે સળંગ નવ ફ્લોપ ફિલ્મો આપી હોય, એક્ટિંગમાં ઓવારી જવાય એવું એક્સ ફેક્ટર ન હોય અને તેમ છતાં ફિલ્મ નિર્માતા એ અભિનેતાને ફિલ્મમાં લેવા ઉત્સુક હોય એને નસીબનો બળિયો ન કહીએ તો શું કહીએ? વાત છે અર્જુન કપૂરની. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સમયના અત્યંત વ્યસ્ત અને સફળ નિર્માતા બોની કપૂરના પ્રથમ પત્નીથી જન્મેલાં બે સંતાનમાં એક છે અર્જુન કપૂર. અર્જુનને ફિલ્મ મળવામાં નેપોટિઝમ (સગાંવાદ) કામ કરી ગયો એવી દલીલ અનેક લોકોએ કરી છે. એ દલીલમાં તથ્ય છે, પણ નેપોટિઝમથી બે-ત્રણ ફિલ્મ ઝોળીમાં ટપકે. નવ નવ ફિલ્મ ફ્લોપ થયા પછી ટોચના ફિલ્મમેકર સાથે કામ કરવાની તક ન મળે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક ગંજાવર વ્યવસાય છે. બિગ બિઝનેસ. કમાઉ દીકરા જ સૌને વહાલા લાગે છે. પૂછી જુઓ અમિતાભ બચ્ચનને કે ‘ખુદા ગવાહ’ (૧૯૯૨) રિલીઝ થયા પછી અને ‘મને કામ આપો’ એવું યશ ચોપડાને કહી મેળવેલી ‘મોહબ્બતેં’ (૨૦૦૦) વચ્ચેનો સમયગાળો કેવો હતો.

અર્જુન કપૂરની ફિલ્મ સફરની શરૂઆત ફાંકડી રહી હતી. પ્રતિષ્ઠિત યશરાજ ફિલ્મ્સના બેનર સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રેક્ટ. પહેલી જ ફિલ્મ (ઈશકઝાદે)ને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી અને એક સ્ટાર પુત્રનું ધમાકેદાર આગમન થયું હતું. બોની કપૂરનો બેટો અને અનિલ કપૂરના ભત્રીજા જેવું મજબૂત પીઠબળ હોય પછી ઈન્ડસ્ટ્રીમાં ભાવ તો પુછાય જ ને. જોકે, હકીકત એ છે કે પહેલી જ ફિલ્મ હિટ હોવા છતાં એની કારકિર્દીમાં સોનાનો સૂરજ ક્યારેય ન ઊગ્યો. યશરાજની અન્ય બે ફિલ્મમાંથી એક ‘ઔરંગઝેબ’ પટકાઈ ગઈ તો રણવીર સિંહ સાથેની ‘ગુન્ડે’ને બોક્સ ઓફિસ પર ઠીક ઠીક સફળતા મળી હતી. ‘ગુન્ડે’ની રિલીઝના બે જ મહિનામાં ‘ટુ સ્ટેટ્સ’ આવી જે અર્જુનની કરિયરની એક માત્ર સુપરહિટ ફિલ્મનું લેબલ ધરાવે છે. આ વાત છે ૨૦૧૪ની. ૨૦૧૫થી અત્યાર સુધી ‘તેવર’ સહિત અર્જુનની ૧૧ ફિલ્મ રિલીઝ થઈ છે,
પણ દરેકમાં થિયેટરમાં કાગડા ફરકતા હોય એવી અવસ્થા રહી છે. આ ફિલ્મોમાં ‘તેવર’ (નિર્માતા બોની કપૂર), ‘હાફ ગર્લફ્રેન્ડ’ (ચેતન ભગતની સ્ટોરી, દિગ્દર્શક મોહિત સૂરી). ‘કી એન્ડ કા’ (કરીના કપૂર, દિગ્દર્શક આર. બાલ્કી), ‘મુબારકાં’ (ડબલ રોલ), ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ (દિગ્દર્શક વિપુલ શાહ), ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ (ટેરરિસ્ટને ભોંયભેગો કરવાની લોકપ્રિય થીમ), ‘પાનીપત’ (દિગ્દર્શક આશુતોષ ગોવારીકર), ‘સંદીપ ઔર પિંકી ફરાર’ (કોમેડી ડ્રામા, દિગ્દર્શક દિબાકર બેનરજી), ‘એક વિલન રિટર્ન્સ’ (સુપરહિટ એક વિલનની સિક્વલ), ‘કુત્તે’ (નિર્માતા વિશાલ ભારદ્વાજ) અને થોડા સમય પહેલા રિલીઝ થયેલી ‘લેડી કિલર’ (ક્રાઇમ થ્રીલર)નો સમાવેશ થાય છે. આ યાદી અને એની વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે નામી લેખક, નામી નિર્માતા, નામી દિગ્દર્શક અને નામી સહ કલાકાર સાથે કામ કરવાનો મોકો અર્જુન કપૂરને મળ્યો હતો. જોકે, હકીકત એ છે સર્વ ફિલ્મો બોક્સ ઓફિસ પર સાવ નબળી પુરવાર થઈ છે. વળી અર્જુન કપૂર નબળો અભિનેતા છે એવું ય નથી. ‘ઈશકઝાદે’માં એક્શન અને ખાસ તો ‘ટુ સ્ટેટ્સ’માં તેનો સંયમિત અભિનય પ્રશંસાને પાત્ર રહ્યો હતો. તેમ છતાં નવી જનરેશનના સુપરફ્લોપ એક્ટરનું લેબલ તેને લાગી ગયું છે એ હકીકત છે. જોકે, નવાઈની વાત એ છે કે બોક્સ ઓફિસની ઘોર નિષ્ફળતા પછી પણ અર્જુન કપૂર નવરો નથી બેઠો. હાલ એ બે ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને બે ફિલ્મની વાતચીત ચાલી રહી છે. જેનું શૂટિંગ ચાલી રહ્યું છે એમાંની એક છે ‘મેરી પત્ની કા રિમેક’. હિરોઈન છે ભૂમિ પેડણેકર અને નાના બજેટની આ ફિલ્મ વિશે બહુ મોટો દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ ૧૯૯૦ના દાયકાની ગોવિંદાની હલકી ફૂલકી કોમેડી ફિલ્મોની યાદ અપાવશે. જો આ દાવો સાચો હોય તો ફિલ્મની સફળતા અર્જુનની કારકિર્દીમાં નવો પ્રાણ ફૂંકી શકે છે. અર્જુન પાસે બીજી ફિલ્મ છે રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઈન’. આ ફિલ્મમાં એના રોલની લંબાઈ ઝાઝી નહીં હોય, પણ વિલનના રોલમાં પ્રભાવ પાડવાનો સારો મોકો મળશે. ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ અને ટાઈગર શ્રોફ પોલીસ પાર્ટી હોવાથી અર્જુન નેગેટિવ રોલમાં છાપ પાડી શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button