ભારત-મ્યાંમાર સરહદ પર તણાવને પગલે અંગે વિદેશ મંત્રાલયે આપ્યું આ નિવેદન
નવી દીલ્હી: મ્યાંમારમાં લશ્કરી છાવણીઓ પર પીપલ્સ ડિફેન્સ ફોર્સ દ્વારા હુમલાને પગલે ભારત સાથે જોડાયેલી મ્યાંમારની સરહદ પર તેના નાગરિકોની ઘુસણખોરીના અહેવાલો અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક મોટું નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરૂવારે જણાવ્યું હતું કે “સરહદ નજીક આ પ્રકારની ઘટનાઓની અમને જાણ છે. મ્યાંમારની વર્તમાન પરિસ્થિતિ પર અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. અમે ઇચ્છીએ છીએ કે હિંસાનો અંત આવે અને સ્થિતિ પૂર્વવત થાય અથવા વ્યવસ્થિત વાતચીત દ્વારા પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે.”
“2021થી મ્યાંમારના નાગરિકો મોટી સંખ્યામાં ભારતમાં શરણ લઇ રહ્યા છે. પાડોશી રાજ્યોમાં સ્થાનિક અધિકારીઓ સ્થિતિને સંભાળી રહ્યા છે. અમે મ્યાંમારમાં શાંતિ, સ્થિરતા અને લોકતંત્રની પુન:સ્થાપના માટે ફરી આહ્વાન કરીએ છીએ.” તેવું અરિંદમ બાગચીએ જણાવ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આ પહેલા બુધવારે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ભારત-મ્યાંમાર સરહદ પર સ્થિતિ હવે શાંત છે કારણ કે મ્યાંમાર આર્મી અને પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) વચ્ચે કોઈ અથડામણ નથી. તેમણે કહ્યું હતું કે, “હાલમાં પરિસ્થિતિ શાંત છે અને અમને આશા છે કે ભારત-મ્યાંમાર સરહદ પર આગામી બે-ત્રણ દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જો કે આગળ શું થશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.”