ભારતને જીતાડ્યા પછી ‘સ્ટારબોલરે’ શું આપ્યું હતું નિવેદન, ખબર છે?
જીન કે દિલ તૂટે હોતે હૈ, વો રેકોર્ડ તોડતે હૈ, આટલા વિક્રમો નોંધાવ્યા
મુંબઇઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે પડકારજનક સ્કોર કર્યા પછી પણ મેચ વિનર તરીકે મહોમ્મદ શમી ઊભરી આવ્યો હતો, જેમાં સાત વિકેટ લઈને વર્લ્ડ કપની વન-ડે મેચમાં સૌથી ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો, ત્યારબાદ શમી માટે સોશિયલ મીડિયા પર લોકોએ તેની નોંધ લઈને જોરદાર પ્રશંસા પણ કરી છે. ભારતને જીતાડ્યા પછી મહોમ્મદ શમીએ મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે અમને કુદરતે સપોર્ટ આપ્યો છે.
એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં શમીએ કહ્યું હતું કે ભારતે 397 રનનો વિશાળ ટાર્ગેટ કર્યા પછી થોડી ખુશી સાથે ચિંતા પણ થઈ હતી. વાનખેડેની પીચ બેટિંગ માટે યોગ્ય હતી, પરંતુ રાત પડતાં જ ઝાકળ પડશે અને પછી પીચ બેટિંગ માટે વધુ યોગ્ય બનવાનો ડર હતો. જો આવું થયું હોત તો બોલરોને સપોર્ટ મળ્યો નહોતો, પરંતુ વાસ્તવમાં કુદરતે અમને સાથ આપ્યો હતો.
ન્યૂ ઝીલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. તેના ખેલાડીઓ પ્રારંભિક ઓવરોમાં ઝડપી ગતિએ રન બનાવી શક્યા નહોતા. જોકે, ત્રીજી વિકેટ માટે 181 રનની ભાગીદારી કરીને ભારતને ચિંતામાં નાખી દીધા હતા. આ જોડી પણ એક વખત શમીએ તોડી હતી. ત્યારબાદ બીજા સ્પેલમાં શમીએ અડધી ટીમને ઘરભેગી કરી નાખી હતી. ક્રિકેટમાં વિક્રમો કરનાર વ્યક્તિગત જીવનથી પરેશાન છે.
શમીનું લગ્નજીવન ભંગાણના આરે છે. લગ્નજીવનની વાત કરીએ તો મહોમ્મદ શમીએ 2015માં ચિયરલીડર્સ હસીન જહાની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના લગ્નજીવનમાં 2018માં ભંગાણ પડ્યું હતું. છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જ્યારે દીકરી માટે ભરણપોષણ પણ ચૂકવી રહ્યો છે. પત્ની આરોપો સિવાય અન્ય આરોપોને કારણે મહોમ્મદ શમીને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. દિલથી તૂટેલા શમીએ આ વખતના વર્લ્ડ કપમાં તેની પસંદગી કરવામાં આવ્યા પછી દરેક મેચમાં આક્રમક પ્રદર્શન કર્યું હતું. દિલ તૂટયા પછી ક્રિકેટના રેકોર્ડ તોડવાનું કામ શમીએ સુપેરે કર્યું છે.
ન્યૂ ઝીલેન્ડ સામેની સેમી ફાઈનલ મેચમાં મેન ઓફ મેચ બનેલા મોહમ્મદ શમીની બોલિંગ આક્રમક રહી હતી અને તેણે સાત ધરખમ બેટરની પેવેલિયન મોકલી દીધા હતા. શમીએ વન-ડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો, જે અગાઉ મિશેલ સ્ટાર્કના નામે હતો. શમીએ આ 50 વિકેટ 17 ઇનિંગ્સમાં લીધી હતી જ્યારે સ્ટાર્કે 19 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું હતું. આ યાદીમાં લસિથ મલિંગા ત્રીજા નંબર પર છે જ્યારે ટ્રેન્ટ બોલ્ટ ચોથા નંબર પર છે. શમીએ વર્લ્ડ કપની 17 મેચમાં અત્યાર સુધીમાં કુલ 54 વિકેટ ઝડપી છે.
મોહમ્મદ શમી હવે વન-ડે ફોર્મેટમાં ભારત માટે એક મેચમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે અને તેણે સ્ટુઅર્ટ બિન્નીને પાછળ છોડી દીધો છે જેણે 2014માં બાંગ્લાદેશ સામે મીરપુરમાં 4 રનમાં 6 વિકેટ ઝડપી હતી. શમીએ આ મેચમાં 57 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. શમી પહેલા કોઈ બોલરે ભારત માટે વનડે મેચમાં 7 વિકેટ લીધી ન હતી. શમીએ આશિષ નેહરાને પણ પાછળ છોડી દીધો જેણે 2003માં ડરબનમાં ઇંગ્લેન્ડ સામે વર્લ્ડ કપમાં 23 રનમાં 6 વિકેટ લીધી હતી.