દેવઉઠી અગિયારસના દિવસે બિલકુલ ન કરો આ કામ, નહિ તો લક્ષ્મીનારાયણ થશે નારાજ
દેવઉઠી અગિયારસનું તમામ એકાદશીઓમાં વિશેષ મહત્વ છે, એટલા માટે કેમકે દેવઉઠી અગિયારસને દિવસે ચાતુર્માસ સમાપ્ત થાય છે. આ દિવસથી લગ્ન સહિતના શુભ પ્રસંગોની શરૂઆત થાય છે. એવી માન્યતા છે કે ચાતુર્માસ શરૂ થાય એટલે ભગવાન વિષ્ણુ સૂઇ જાય છે અને ચાર મહિના પછી તેઓ દેવઉઠી એકાદશીના દિવસે નિદ્રામાંથી જાગી જાય છે.
દેવઉઠી અગિયારસના દિવસે નિદ્રામાંથી જાગેલા ભગવાન શ્રીવિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેના બીજા દિવસે શાલિગ્રામના સ્વરૂપમાં તુલસીમાતા સાથે તેમના વિવાહ કરાવવામાં આવે છે. તુલસી વિવાહ કરાવવાથી પણ અનેક શુભફળની પ્રાપ્તિ થાય છે. જે દંપતિને લગ્નજીવનમાં કડવાશ હોય અથવા કોઇપણ વ્યક્તિના જીવનમાં જો પરેશાનીઓ હોય તો તુલસીવિવાહ કરાવવાથી તેના જીવનમાં ભગવાન વિષ્ણુની કૃપા થાય છે. ઉપરાંત આ દિવસે શ્રીહરિની પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને તુલસીમાતાના વિવાહ કરાવવાથી એક હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળશે.
આ તહેવારનું જ્યારે આટલું માહાત્મ્ય છે ત્યારે એ પણ જાણી લેવું જરૂરી છે કે એવા કયા કામો છે જેને કરવાથી નુકસાન થઇ શકે છે. આ દિવસે ખાસ કરીને તુલસીના પાન તોડવાથી બચવું, તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. દેવઉઠી એકાદશીના દિવસે તામસિક ભોજન તથા ચોખા લેવા નહિ. ચોખાની વાનગીઓ પણ રાંધવી ન જોઇએ. આ ઉપરાંત આ દિવસે માંસ-મદિરાનું સેવન કરવાથી પણ પાપકર્મ થાય છે તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.