અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડાં પહોંચ્યા આસમાને
અમદાવાદઃ વર્લ્ડ કપ-2023માં ઇતિહાસ રચવાથી ભારત હવે બસ થોડુંક જ દૂર છે. ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ વર્લ્ડ કપની ફાઇનલ મેચનું સાક્ષી બનવાનું છે. વર્લ્ડ કપની ક્લોઝિંગ સેરેમની પણ અહીંયા જ યોજાવાની છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફિવરનો હોટેલમાલિકો તથા એરલાઇન્સ દ્વારા બહોળો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.
હાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એકબીજા સામે સેમીફાઇનલનો જંગ રમી રહ્યા છે.
આ બંનેમાંથી જીતનારી કોઇ એક ટીમ ભારતીય ટીમ સામે ફાઇનલ રમવા મેદાનમાં ઉતરશે ત્યારે અમદાવાદનો હોટલ ઉદ્યોગ તેજીમાં આવી ગયો છે. એટલું જ નહીં, ફાઈનલ મેચને કારણે અમદાવાદ આવતી ફ્લાઈટના એર ફેરમાં પણ ધરખમ વધારો થયો છે. શહેરની કેટલીય જાણીતી હોટેલમાં તો વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું એ બાદથી જ બુકિંગ ફૂલ થઇ ગયા હતા.
5 સ્ટાર હોટેલોમાં સામાન્ય પણે 20થી 25 હજારની આસપાસ ભાડું રહેતું હોય છે તે આંકડો 50ને પાર કરી ગયો છે. એ પણ બેઝ કેટેગરીના રૂમનું ભાડું છે, જ્યારે પ્રિમિયમ કેટેગરીના રૂમના ભાડા લાખો રૂપિયાની કિંમત સાથે આસમાનને આંબી રહ્યા છે. તેનાથી પણ અદ્યતન હોટલોનું તો ફક્ત એક રાત્રિનું ભાડું જ 1 લાખ રૂપિયાને પાર થઇ ગયું છે. હવે આ હોટલો આગળ બુકિંગ લેવાનું પણ બંધ કરી રહી છે.
એરલાઇન્સની વાત કરીએ તો મુંબઇ-અમદાવાદ વચ્ચે એરફેર 28000થી લઇને 30000 સુધી પહોંચ્યું છે. સામાન્ય દિવસોમાં મુંબઇ-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટનું ભાડું જે 3 હજારથી 4 હજાર વચ્ચે રહેતું હોય છે તેમાંય વળી મેચને કારણે તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે. મેચ જોવા માટે અમદાવાદમાં અનેક VIP તથા VVIP હસ્તીઓ આવવાની છે, જેને પગલે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.