સ્પોર્ટસ

પાકિસ્તાની ક્રિકેટ ટીમને નવા કેપ્ટન મળ્યા પણ…

ઇસ્લામાબાદઃ વન-ડે વર્લ્ડ કપમાં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનપદેથી રાજીનામું આપ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ટેસ્ટ અને ટી-20 ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. હજુ સુધી વન-ડે માટે નવા કેપ્ટનની જાહેરાત કરી નથી, તેથી તેના અંગે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે, જેથી પીસીબી પણ શંકાના દાયરામાં છે.
વર્લ્ડ કપની નવ મેચમાંથી ચારમાં પાકિસ્તાન મેચ જીત્યું હતું, પરંતુ પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે પાકિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પહોંચી શકી નહોતી. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના નબળા પ્રદર્શન માટે બાબર આઝમ જ નહીં, પરંતુ એ પહેલા અન્ય ક્રિકેટર-પસંદગીકારનો પણ ભોગ લેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનની ટી-20 ટીમની કેપ્ટનની જવાબદારી શાહિન શાહ આફ્રિદી અને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સ્ટાર બેટ્સમેન શાન મસૂદને સોંપવામાં આવી છે. પીસીબીએ સોશિયલ મીડિયા મારફતે આ જાણકારી આપી હતી. જોકે પીસીબીએ હજુ સુધી વન-ડે ટીમના કેપ્ટનની પસંદગી કરી નહોતી.
નોંધનીય છે કે બાબર આઝમે અત્યાર સુધી 134 ઈન્ટરનેશનલ મેચોમાં પાકિસ્તાન ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન 78 મેચ જીતી છે. જ્યારે 44 મેચ હારી છે. 1992ના વર્લ્ડ કપ વિજેતા ઈમરાન ખાન પછી બાબર બીજા સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button