ત્યારે માત્ર રાહુલ ગાંધી જ મોહમ્મદ શમી સાથે ઉભા હતા… સેમી ફાઈનલ જીત્યા બાદ કોંગ્રેસ નેતાએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હીઃ ભારત માટે વનડે મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 7 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી દીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ શમીને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.
મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શન પર કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ રાહુલ ગાંધીના ટ્વીટ દ્વારા તેમને તે ક્ષણ યાદ અપાવી જ્યારે વર્ષ 2021માં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની હારને કારણે શમી ખરાબ રીતે ટ્રોલ થયો હતો.
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ રાહુલ ગાંધીની જૂની ટ્વીટને ફરીથી પોસ્ટ કરતા લખ્યું, ‘થોડા વર્ષો પહેલા જ્યારે હિંદુ-મુસ્લિમ ભક્તો ભાંગ પીને મોહમ્મદ શમીને અપશબ્દો બોલી રહ્યા હતા ત્યારે માત્ર રાહુલ ગાંધી શમીની સાથે ઉભા હતા.’ કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીનું એ ટ્વીટ શેર કર્યું છે, જેમાં 25 ઓક્ટોબર, 2021ના રોજ રાહુલ ગાંધીએ મોહમ્મદ શમીને ટેગ કરીને લખ્યું હતું- મોહમ્મદ શમી, અમે બધા તમારી સાથે છીએ. આ લોકો નફરતથી ભરેલા છે કારણ કે તેમને કોઈ પ્રેમ કરતું નથી. તેમને માફ કરો.
હકીકતમાં, વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોહમ્મદ શમી માટે ટ્વીટ કર્યું હતું જ્યારે ટી-20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો અને તેના માટે મોહમ્મદ શમીની તેના ધર્મને લઈને સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી ઉપરાંત અસદુદ્દીન ઓવૈસી, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ ટ્રોલ કરનારાઓની ટીકા કરી હતી અને શમી પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
જોકે ગઈકાલ શમીના શાનદાર દેખાવ બાદ ચોમેરથી તેને વાહવાહી મળી રહી છે ત્યારે એક વાત સાબિત થાય છે કે સુખ કે સબ સાથી દુઃખ મેં ન કોઈ. સોશિયલ મીડિયા પર શમીના જીવન, તેની મુશ્કેલીઓ, લગ્નજીવનમાં આવેલા તોફાનો અને તેની કારકિર્દીમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે ઘણું વાયરલ થયું છે અને એક સમયે આત્મહત્યા જેવું પગલું ભરવા જેટલો નિરાશ થયેલો શમી કઈ રીતે ફરી ઝળક્યો છે તે વિશે વાતો થઈ રહી છે ત્યારે કૉંગ્રેસના આ નેતાનું ટ્વીટ વાયરલ થાય તે સ્વાભાવિક છે.