IPL 2024સ્પોર્ટસ

ક્રિકેટે ભૂલાવી દીધા ધર્મના વાડાઃ રામલીલામાં પણ લાગ્યા મહંમદ શમી ઝિંદાબાદના નારા

દેશમાં આમ તો ક્યાંય ધર્મ કે જાતિના વાડા નથી, પરંતુ રાજકારણીઓ અને તકવાદીઓને લીધે હિન્દુ-મુસ્લિમો વચ્ચે ક્યારેક તણખા ઝર્યા કરે છે. આવા તિરસ્કારનો ભોગ અગાઉ ભારતનો બોલર મહંમદ શમી પણ બની ચૂક્યો છે અને તેની ખરાબ ફિલ્ડિંગ કે બોલિંગ માટે અમુક અવિચારી લોકોએ તેને દેશદ્રોહી પણ કહ્યો છે સોશિયલ મીડિયામાં કૉમેન્ટ્સ પણ કરી છે. જોકે હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ-2023માં તે સૌથી વધારે સફળ બોલર તરીકે ઊભરી આવ્યો છે. તેમાં પણ ગઈકાલની નિર્ણાયક મેચમાં તેણે લીધેલી સાત વિકેટ બાદ તો લોકો તેના પર ઓવારી ગયા છે. ક્રિકેટર માત્ર ક્રિકેટર હોય છે અને હિન્દુ કે મુસ્લિમ નથી હોતો તે લોકોએ ફરી સાબિત કર્યું છે અને તેથીજ ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી એક રામલીલામાં પણ શમીના નામના નારા ગૂંજવા લાગ્યા હતા.

ભારતીય ટીમે તેની હરીફ ટીમ ન્યુઝીલેન્ડને ક્રિકેટના મેદાનમાં હરાવતાની સાથે જ પ્રયાગરાજના એક સ્થળે આયોજિત રામલીલા રોકાઈ ગઈ હતી અને કલાકારોએ હાથમાં ત્રિરંગા ધ્વજ લહેરાવીને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન મેચના હીરો રહેલા બોલર શમીના સમર્થનમાં નારાબાઝી પણ થઈ હતી. એટલું જ નહીં, રામલીલાના મંચ પરથી વિરાટ કોહલી, ભારત ઝિંદાબાદ અને ‘જીતેગા ભાઈ જીતેગા ભારત આ વર્લ્ડ કપ જીતશે’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.


દશેરા પૂર્ણ થવા છતાં પણ રામલીલા ચાલી રહી છે તે પણ ખુશીની વાત છે કે પરંપરાઓ હજુ યથાવત છે. પ્રયાગરાજના કરેહડા ગામમાં રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 15મીએ શરૂ થયેલી રામલીલા 22મી નવેમ્બર સુધી ચાલશે. ગામની આયોજક સમિતિમાં સામેલ સામાજિક કાર્યકર્તા લલન પટેલ અને જ્ઞાન બાબુ કેસરવાણીએ જણાવ્યું કે 47 વર્ષથી રામલીલાનું આયોજન કરવામાં આવે છે.


સૌથી મહત્વની વાત એ છે કે આ રામલીલામાં ભાગ લેનારા કલાકારો મોટાભાગે આ ગામના જ છે. 13 વર્ષ પહેલા શરૂ થયેલી આ રામલીલામાં આજે રામ જન્મ, વિશ્વામિત્રનું આગમન અને તાડકાનો વધ મારીચનો દરબાર વગેરે ભાગ ભજવવાયા હતા. જેમાં વચ્ચે બ્રેક મારી ભારતની જીતની ઉજવણી થઈ હતી. સંગીત,રમતગમત, સાહિત્ય,કલા વગેરેને કોઈ સીમાડા નડતા નથી તે ફરી સાબિત થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button