એક વર્ષ બાદ શી જિનપિંગ અને જો બાઈડેન વચ્ચે બેઠક થઇ, તાઈવાન મુદ્દે થઇ ચર્ચા
વોશીંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચીનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ લગભગ એક વર્ષ પછી બુધવારે પ્રથમ વખત સામસામે મળ્યા હતા. બંને નેતાઓની મુલાકાત એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન સમિટ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોના ફિલોલી એસ્ટેટમાં થઈ હતી. બંને નેતાઓની આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે અમેરિકા અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો તેમના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વમાં આર્થિક મંદી છે, પશ્ચિમ એશિયા અને યુરોપમાં યુદ્ધો ફાટી રહ્યા છે અને તાઈવાનને બાબતે તણાવની સ્થિતિ છે.
મીડિયા અહેવાલો અનુસાર, મીટિંગ દરમિયાન જિનપિંગે બાઈડેનને કહ્યું કે અમેરિકા અને ચીન મતભેદોથી ઉપર ઉઠવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ હોવા જોઈએ. ચીન અને અમેરિકા જેવા મોટા દેશો માટે એકબીજાથી દૂર રહેવું એ વિકલ્પ નથી.
શી જિનપિંગનું સ્વાગત કરતી વખતે જો બાઈડેને કહ્યું કે અમે વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ છે. અમેરિકામાં તમારી યજમાની કરવી એ ખૂબ જ સન્માન અને આનંદની વાત છે. હું આપણી ચર્ચાને મહત્ત્વ આપું છું કારણ કે મને લાગે છે કે તમે અને હું કોઈ પણ ગેરસમજ વિના એકબીજાને સ્પષ્ટપણે સમજીએ તે સર્વોપરી છે.
જો બાઈડેને વધુમાં કહ્યું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સ્પર્ધા સંઘર્ષમાં ન ફેરવાય. તેમણે કહ્યું કે અમેરિકા અને ચીને તેમના લોકોને ધ્યાનમાં રાખીને સાથે મળીને કામ કરવું જોઈએ, જેમાં ક્લાઈમેટ ચેન્જ, ડ્રગ હેરફેર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા મુદ્દાઓ સામેલ છે.
મીડિયા અહેવાલો અનુસાર યુએસ રાષ્ટ્રપતિ બાઈડેન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે તાઈવાન મુદ્દે ચર્ચા થઈ હતી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું કે તાઈવાનની સ્વતંત્રતાને સમર્થન ન આપવાની તેની પ્રતિબદ્ધતાને માન આપવા માટે અમેરિકાએ વાસ્તવિક પગલાં લેવા જોઈએ. તે જ સમયે, બાઈડેને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે અમેરિકા પ્રતિબદ્ધતા હોવાનું કહ્યું હતું.