મુંબઇ: ટીમ ઇન્ડિયાના દમદાર બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે 15મી નવેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેની વન ડે ક્રિકેટ કારકીર્દીની 50મી સેન્ચ્યુરી ફટકારી હતી. આની સાથે વિરાટે ભારતના પૂર્વ અને દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડૂલકરના અનેક રેકોર્ડ તોડ્યા છે. સદી ફટકાર્યા બાદ આઉટ થઇને ડ્રેસીંગ રુમમાં ગયેલા વિરાટે મેચ દરમીયાન ડ્રેસીંગ રુમમાંથી પત્ની અનુષ્કાને જોવાનો પ્રયાસ કર્યો હતો જે જોઇ દર્શકોના મોઢામાંથી એક જ વાક્ય સરી પડ્યું હતું અને એ હતું so cute.
આ મેચ બાદ કોહલીએ તેના માટે આ ક્ષણ સ્વપ્ન કરતાં પણ સુંદર હોવાનું કહ્યું હતું. મેચ પૂરી થયા બાદ વિરાટે તેના બે ગમતાં લોકોના નામ લીધા હતાં. વિરાટે કહ્યું આજે સચિન પાજી મેદાનમાં હતાં આટલાં મહાન અને જે મારા પ્રેરણાસ્ત્રોત છે એવી વ્યક્તીએ આજે મારી પ્રશંસા કરવી એ મારા માટે બધુ જ છે. મને ક્યારેય લાગ્યુ નહતું કે હું અહી સુધી પહોંચી શકીશ.
વિરાટે વધુમાં કહ્યું કે, મારો આદર્શ મારી આંખો સામે હતો અને ત્યારે જ હું આ 50મી સદી ફટકારી શક્યો છું. જે મારા માટે ઘણી મોટી વાત છે. દરમીયાન વિરાટે તેની પત્ની એટલે કે અભિનેત્રી અનુષ્કા શર્માના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરાટે કહ્યું કે, મારા જીવનની જોડીદાર અને એવી વ્યક્તી જેને હું સૌથી વધુ પ્રેમ કરું છું એ અનુષ્કા આજે સ્ટેડિયમમાં હાજર હતી. એ ક્ષણ મારા માટે ખાસ હતો. આજે જાણે બધુ જ બંધ બેસતું હતું, વાનખેડે સ્ટેડિયમ, ઉત્સાહી પ્રેક્ષકો, મારો પ્રેમ અને મારો આદર્શ તેમની સામે મને મળેલી સફળતા ખરેખર એક સપનું લાગી રહ્યું છે.
વિરાટે તેની સદી પૂરી કર્યા બાદ સ્ટેડિયમમાં બેઠેલાં તેના આદર્શ એટલે કે સચિન તેંડૂલકરનું અભિવાદન કર્યું હતું. તથા બીજી તરફ પત્ની અનુષ્કા શર્મા તરફ જોઇને ફ્લાઇંગ કીસ કરી હતી. અનુષ્કાએ પણ તેને ફ્લાઇંગ કીસ કરી પોતાની પ્રતિક્રીયા આપી હતી. આ સાથે વિરાટની હજી એક હરકત કેમેરામાં કેદ થઇ હતી.
વિરાટ આઉટ થયા બાદ ડ્રેસીંગ રુમમાં ગયો હતો. વાનખેડે સ્ટેડિયમ પર ભારતીય ટીમનો ડ્રેસીંગ રુમ જ્યાં છે તેના ઉપરના સ્ટેડિયમમાં અનુષ્કા શર્મા બેઠી હતી. વિરાટ ડ્રેસીંગ રુમમાંથી અનુષ્કાને જોવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. અનુષ્કાને જોવા માટે વિરાટના પ્રયાસો કેમેરામાં કેદ થયા હતાં. પણ વિરાટ અને અનુષ્કા બંને એકબીજાને જોઇ શક્યા નહતાં. વિરાટ કોહલીનો આ વિડીયો જોઇને ચાહકોએ સોશિયલ મીડિયા પર અનેક મજેદાર કમેન્ટ્સ કરી છે. આ કપલ કેટલું સ્વીટ છે. so cute જેવી અનેક કમેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી થઇ રહી છે.