
બેંગલુરુ: ગત 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 અવકાશયાનને નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક છોડ્યા બાદ એલવીએમ-૩ એમ-4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપરનો ભાગ ગઈ કાલે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત થઈને પરત ફર્યો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ અંગે જાણકારી આપી હતી.
ઈસરોના જણાવ્યા પ્રમાણે લોન્ચ વ્હીકલનો આ અનિયંત્રિત ભાગ ઉત્તર પેસિફિક મહાસાગરમાં પડવાની સંભાવના છે. તે ભારતની ઉપરથી પસાર થવાનું નથી. રોકેટનો આ ભાગ લગભગ બુધવારે બપોરે 2:42 કલાકે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો હતો. ચંદ્રયાનના સફળ પ્રક્ષેપણના 124 દિવસ બાદ રોકેટનો ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો હતો.
ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 ના પ્રક્ષેપણ પછી સંયુક્ત રાષ્ટ્ર અને ઇન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી(આઈએડીસી) દ્વારા નિર્ધારિત સ્પેસ ડેબ્રિસ મિટિગેશન ગાઈડલાઈન્સ અનુસાર વિસ્ફોટના જોખમને ઘટાડવા માટે તમામ અવશેષ પ્રોપેલન્ટ અને ઉર્જા સ્ત્રોતોને દૂર કરવા માટે ઉપલા તબક્કાને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો.
ઈસરોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત માર્ગદર્શિકાને અનુસરીને રોકેટ બોડીનું નિષ્ક્રિયકરણ અને તેના મિશન પછીના સ્પેસ ડેબ્રિસના નિકાલથી બાહ્ય અવકાશ પ્રવૃત્તિઓની લાંબા ગાળાની સ્થિરતા જાળવવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃ પુષ્ટિ મળે છે.