સદી અને વિક્રમ: મુંબઈમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની ક્રિકેટ વર્લ્ડ કપની સૅમિફાઈનલમાં સદી કરનારા વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર.
મુંબઈ: અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી સૅમિ-ફાઇનલમાં ભારત ન્યૂ ઝીલેન્ડને ૭૦ રને હરાવીને અમદાવાદમાં રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. મહંમદ શમીને ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરાયો હતો.
ન્યૂ ઝીલેન્ડના બધા ખેલાડી ૪૮.૫ ઓવરમાં ૩૨૭ રન કરીને આઉટ થઇ ગયા હતા.
મહંમદ શમીએ સાત, મહંમદ સિરાજે એક, બુમરાહે એક, કુલદીપ યાદવે એક વિકેટ લીધી હતી. મહંમદ શમીએ ન્યૂ ઝીલેન્ડના પ્રથમ પાંચ અને અંતિમ બે બેટ્સમેનને આઉટ કર્યા હતા.
ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેન ડેરીલ મિશેલે ૧૩૪ રન કરીને ભારતીય ચાહકોના જીવ એક સમયે અધ્ધર કરી દીધા હતા.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ચાર વિકેટે ૩૯૭ રન ફટકાર્યા હતા. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ ૧૧૭ રન કર્યા હતા. જ્યારે શ્રેયસ ઐય્યરે ૧૦૫ રનની ઇનિંગ રમી હતી. શુભમન ગિલે અણનમ ૮૦ રન ફટકાર્યા હતા. કેપ્ટન રોહિતે ૪૭ રન અને લોકેશ રાહુલે ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ ત્રણ અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ ઝડપી હતી.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત અને ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે ૫૦ બોલમાં ૭૧ રનની ભાગીદારી કરી હતી. શાનદાર શરૂઆત આપ્યા બાદ રોહિત શર્માએ ૨૯ બોલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૪૭ રન કર્યા હતા.
ત્યારબાદ બીજી વિકેટ માટે શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ૮૬ બોલમાં ૯૩ રનની અણનમ ભાગીદારી કરી હતી. ૨૩મી ઓવરના ચોથા બોલ પર ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ ઐય્યર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે ૧૨૮ બોલમાં ૧૬૩ રનની ભાગીદારી કરી હતી.
કોહલીએ ૧૧૩ બોલમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૧૧૭ રનની ઇનિંગ રમી હતી. આ પછી શ્રેયસ અને કેએલ રાહુલે ચોથી વિકેટ માટે ૨૯ બોલમાં ૫૪ રનની ભાગીદારી કરી હતી. શ્રેયસ ૭૦ બોલમાં ૧૫૦ના સ્ટ્રાઈક રેટથી ૧૦૫ રન કર્યા હતા.
આ પછી સૂર્યકુમાર યાદવ ૫૦મી ઓવરના પહેલા બોલ પર ૧ રન પર આઉટ થયો હતો. કેએલ રાહુલ અને શુભમન ગિલ અણનમ પરત ફર્યા હતા. ગિલે ૬૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૮૦ રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલે ૨૦ બોલમાં ૩૯ રન કર્યા હતા.
ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉદીએ ૧૦ ઓવરમાં સૌથી વધુ ૧૦૦ રન આપ્યા હતા. જોકે તેને ૩ વિકેટ પણ મળી હતી. આ સિવાય બોલ્ટને એક સફળતા મળી હતી.