આમચી મુંબઈ

થાણેમાં હાઉસિંગ સોસાયટીના પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ વાહનો બળીને ખાખ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં મંગળવારે નવા વર્ષના દિવસે એક હાઉસિંગ કૉમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં મોડી રાતે લાગેલી આગમાં ૧૩ ટુ વ્હીલર અને ત્રણ ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ કે જખમી થયું નહોતું.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે (પશ્ર્ચિમ)માં પાંચપખાડીમાં કચરાળી તળાવ પાસે સરોવર દર્શન ટાવરમાં ગ્રાઉન્ડ પ્લસ વનના પાર્કિંગ ઍરિયામાં પાર્ક કરેલાં વાહનોમાં મંગળવારે રાતના ૧૨.૪૩ વાગે આગ લાગવાની દુર્ઘટના બની હતી. આગ લાગ્યા બાદ પાંચપખાડી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાતના લગભગ ૧.૩૦ વાગે એટલે કે લગભગ ૪૫ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

પાર્કિંગમાં પાર્ક કરેલા ૧૩ ટુ વ્હીલર અને ૩ ફોર વ્હીલરમાં આગ લાગી હતી, જેમાંથી ૧૧ ટુ વ્હીલર અને ત્રણેય ફોર વ્હીલર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયા હતા. પાર્કિંગ પરિસરમાં ફટાકડા ફોડવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

મોડી રાતે હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત સુધી ફટાકડા ફૂટી રહ્યા હતા. આ દુર્ઘટના ચોક્કસ કેવી રીતે બની અને પાર્કિંગ જેવા વિસ્તારમાં ફટાકડા ફોડવાની મંજૂરી કોણે આપી એની તપાસ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button