એકસ્ટ્રા અફેર

રઝાક પાકિસ્તાની સ્ત્રીઓ કેવાં છોકરાં જણે છે તેની ચિંતા કરે તો સારું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં એક વર્ગ પાકિસ્તાન સાથેના સંબધો સુધારવાની ને એવી બધી વાતો કરે છે પણ ઘણા બધા પાકિસ્તાનીઓના માનસમાં ભારતીયો તરફ હળાહળ ઝેર ભરેલું છે તેના પુરાવા આપણને છાસવારે મળ્યા કરે છે. આવા પાકિસ્તાનીઓ તેમની નાગાઈ અને હલકટાઈનું પ્રદર્શન કર્યા જ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે આવી જ હલકટાઈ કરીને આપણી ફિલ્મ સ્ટાર ઐશ્ર્વર્યા રાય વિશે સાવ ગંદી કહેવાય એ પ્રકારની કોમેન્ટ કરી છે.

ભારતમાં રમાઈ રહેલા વન ડે મેચોના વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ધોળકું ધોળ્યું છે ને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ધોયેલા મૂળાની જેમ હારીને પાછી પાકિસ્તાનભેગી થઈ ગઈ છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમના શરમજનક પ્રદર્શન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ભૂંડી ભૂમિકા વિશે અત્યારે પાકિસ્તાનમાં પુરજોશમાં ચોવટ ચાલી રહી છે.

અબ્દુલ રઝાક પાકિસ્તાનનો જાણીતો ક્રિકેટર હતો તેથી કોઈ ચેનલે તેને પણ આ ચોવટ કરવા બોલાવેલો. આ ચોવટ દરમિયાન રઝાકે હલકટાઈ બતાવીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની દાનતના સંદર્ભમાં એવી કોમેન્ટ કરી કે, ઐશ્ર્વર્યા રાય સાથે લગ્ન કરો ને સંસ્કારી અને સદગુણી બાળક પેદા થાય એવી અપેક્ષા ના રાખી શકો.

પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ ૨૦૨૩ના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ એ સંદર્ભમાં રઝાકને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ગેરવહીવટ અને અંધાધૂંધી વિશે સવાલ કરાયો હતો. રઝાકે જવાબ આપ્યો કે, હું અહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઈરાદા વિશે વાત કરી રહ્યો છું. હું રમી રહ્યો હતો ત્યારે મને ખબર હતી કે મારા કેપ્ટન યુનિસ ખાનનો ઈરાદો સારો હતો. મેં તેની પાસેથી વિશ્ર્વાસ અને હિંમત મેળવ્યાં અને અલ્લાહનો આભાર કે હું પાકિસ્તાન ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો.

અત્યારે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ અને તેના ખેલાડીઓના પ્રદર્શનને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે ત્યારે બોર્ડની દાનત વિશે વિચારવાની જરૂર છે. આ તો એવી વાત થઈ કે, હું ઐશ્ર્વર્યા રાય સાથે લગ્ન કરું અને એક નેકવાન અને ઈમાનદાર બાળક પેદા થાય એવી અપેક્ષા રાખું પણ આવું ક્યારેય ન થઈ શકે. તમારે પહેલા તમારા ઇરાદા બરાબર સેટ કરવા પડશે.
રઝાક આ લવારા કરતો હતો ત્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઉમર ગુલ અને શાહિદ આફ્રિદી પણ રઝાક સાથે બેઠા હતા. બંનેએ તાળીઓ પાડી અને હસતા પણ હતા. બીજાં લોકોએ પણ તાળીઓ પાડી હતી.

રઝાકનો લવારો રઝાક જેવા પાકિસ્તાનીઓના માનસમાં કઈ હદે ભારતદ્વેષ છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. કોઈને સવાલ થશે કે, રઝાકે ઐશ્ર્વર્યા વિશે કોમેન્ટ કરી તેને ભારત તરફના દ્વેષ સાથે શું લેવાદેવા? તેનો જવાબ પણ આપી દઈએ. જવાબ એ છે કે, રઝાકે ઐશ્ર્વર્યાનું જ ઉદાહરણ કેમ આપ્યું? પાકિસ્તાનની કોઈ સેલિબ્રિટીનું ઉદાહરણ કેમ ના આપ્યું? પાકિસ્તાનમાં એક-એકથી ચડિયાતી કોન્ટ્રોવર્સી ક્વિન્સ છે, એક્ટ્રેસ છે, સોશિયાલાઈટ્સ છે, મોડેલ્સ છે, રૂપકડી જર્નાલિસ્ટ છે પણ તેમાંથી કોઈનું નામ રઝાકે કેમ ના લીધું?

હોલીવુડની ને બીજા દેશોની પણ ઘણી રૂપાળી ને વગોવાયેલી સેલિબ્રિટીઝ છે પણ રઝાકે તેમનું નામ પણ કેમ ના લીધું ? જવાબ બહુ સરળ છે. રઝાક જેવા પાકિસ્તાનીઓને ભારત તરફ દ્વેષ છે ને ભારતની એક્ટ્રેસ કે બીજી સેલિબ્રિટીઝને એ લોકો સાવ હલકી કક્ષાની માને છે, એ લોકોને ચારિત્ર્યહીન ગણે છે. આ કારણે હૈયાની વાત હોઠે આવી ગઈ ને ઐશ્ર્વર્યાનું નામ લઈ લીધું.

રઝાકની કોમેન્ટ વાસ્તવમાં તો તમામ સ્ત્રીઓના અપમાન સમાન છે. સંતાનને ઈમાનદાર ને ચારિત્ર્યવાન બનાવવાની જવાબદારી માત્ર માની નથી હોતી, બાપની પણ હોય છે. ને મા-બાપ ગમે તે પ્રયત્ન કરે તો પણ છોકરાં વંઠેલાં પાકે એવું બનતું હોય છે પણ એ વંઠેલાં છોકરાં માટે માને જવાબદાર ગણાવવી એ હલકી માનસિકતાની નિશાની છે.

ઐશ્ર્વર્યાને કે આ દેશની બીજી કોઈ પણ સ્ત્રીને રઝાક જેવા હલકાઓના સર્ટિફિકેટની જરૂર નથી. રઝાક જેવા હલકાઓએ કોઈ ભારતીયની ચિંતા કરવાના બદલે પાકિસ્તાનની સ્ત્રીઓ કેવાં છોકરા જણે છે તેની ચિંતા કરવાની જરૂર છે. પાકિસ્તાનમાં કેવાં સંસ્કારી, નેકવાન, ઈમાનદાર છોકરાં પેદા થાય છે તેના વિશે વિચારવાની જરૂર છે. મોટાં થઈને હાથમાં મશીનગનો લઈને આતંકવાદ ફેલાવતાં ને નિર્દોષ લોકોનાં લોહી વહાવતા પાકિસ્તાનીઓને પાકિસ્તાની સ્ત્રીઓએ કેવા સંસ્કારો આપ્યા છે ને કેવા નેકવાન બનાવ્યા છે એ વિચારવાની જરૂર છે.

ભારતીયોએ રઝાક જેવા હલકાઓને બરાબર જવાબ આપવો જોઈએ. ઐશ્ર્વર્યા રાય આ દેશનું ગૌરવ છે. દરેક ભારતીયને તેના પર ગર્વ છે, ગૌરવ છે ને રઝાક જેવા લોકો તેના વિશે ગંદી કોમેન્ટ કરે ત્યારે ભારતીયોએ ચૂપ ના રહેવું જોઈએ. માત્ર રઝાક જ નહીં પણ રઝાકની વાત પર તાળીઓ પાડનારા શાહિદ આફ્રિદી અને ઉમર ગુલ જેવા હલકાઓને પણ અહેસાસ કરાવવો જોઈએ કે, તમે ભારતીયો વિશે ગમે તે લવારા કરો, તમારા મનનો ગંદવાડ ઠાલવો ને ભારતીયો ચૂપચાપ સાંભળી લેશે એવું નહીં ચાલે.

આફ્રિદીને તો આ વાતને અહેસાસ થઈ જ ગયો તેથી હોહા થઈ પછી તેણે રઝાકની ઝાટકણી કાઢી છે. રઝાકની વાત સાંભળ્યા વિના પોતે તાળી પાડેલી ને બધા હસતા હતા એટલે પોતે હસેલો એવું કહીને તેણે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે.

પાકિસ્તાનમાં બીજા પણ ઘણા છે કે જેમણે રઝાકને ઝાટક્યો છે. કોઈ પણ સ્ત્રી વિશે આવી ગંદી કોમેન્ટ કઈ રીતે કરી શકાય એ સવાલ તેમણે કર્યો છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર પણ તેમાં આવી ગયો. શોએબે તો રઝાકે માફી માગવી જોઈએ એવું સ્પષ્ટ કરીને આફ્રિદી અને ગુલને પણ ઝાટક્યા છે. રઝાક આવી ગંદી વાત કરતો હતો ત્યારે એ બંનેએ હાહા-હીહી કરવા ને તાળીઓ પાડવાના બદલે તેને જાહેરમાં ઝાટકવો જોઈતો હતો એવું શોએબે સાફ શબ્દોમાં કહ્યું છે.

શોએબની વાત સો ટકા સાચી છે પણ સામે રઝાકને ટેકો આપનારા હલકા પણ પાકિસ્તાનમાં પડ્યા છે એ ના ભૂલવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત