રાંચી: ઝારખંડના પાટનગર રાંચીમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે બિરસા મુંડાના સ્મારકના સ્થળ તરફ તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માટે જઇ રહ્યા હતા તે સમયે અચાનક કોર્ડન તોડીને એક મહિલા તેમની કારની સામે આવી ગઇ હતી. એ પછી તરત ઇમરજન્સી બ્રેક લગાવીને કાફલાને રોકી દેવામાં આવ્યો હતો અને સુરક્ષા અધિકારીઓએ તરત મહિલાને કસ્ટડીમાં લીધી હતી.
મહિલા જેવી કારની સામે આવી કે તરત જ હાજર અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પીએમ મોદીની કાર ત્યા થોડી વાર ઉભી રહી હતી. પીએમની સુરક્ષામાં રોકાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે SPG કમાન્ડોએ તરત જ પગલા લેતા મહિલાને ત્યાંથી હટાવીને સ્થાનિક પોલીસને સોંપી દીધી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદીનો કાફલો રસ્તા પર તેજ ગતિએ પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે અચાનક લાલ કપડા પહેરેલી એક મહિલા કાફલાના વાહનની આગળ દોડીને આવી. તેના કારણે ઇમરજન્સી બ્રેક લગાવી તમામ વાહનોને રોકવા પડ્યા હતા.
સમાચાર એજન્સી ANI અનુસાર, વડા પ્રધાનનો કાફલો આગળ વધ્યા બાદ જ પોલીસ તે મહિલાને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવે છે કે મહિલા પોતાની કેટલીક સમસ્યાઓ પીએમ મોદી સામે રાખવા માંગતી હતી. ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ પણ તેની પૂછપરછ હાથ ધરી હતી.