કેરોલિના રીપર પ્રકરણ-૫૬
સોલોમન મોટો ખેલાડી લાગે છે નહીંતર આપણી નજરથી દૂર હોત?
પ્રફુલ શાહ
પરમવીર બત્રાએ પ્રશાંત ગોડબોલેનો આભાર માન્યો: કાશ, બધા પોલીસવાળા આ રીતે વિચારતા હોત
એટીએસના પરમવીર બત્રા અને ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલેને આનંદ થયો કે રાજપુરીના પિંટ્યાના ઘરે પ્રસાદરાવ અને પવલાનો આવરોજાવરો હતો એ જાણવા મળ્યું હતું. સાથોસાથ ખેદ પણ થયો કે એ. ટી.એસ. પોલીસ અને ખબરીઓની કમરતોડ મહેનત છતાં આ કડી અત્યારસુધી બહાર નહોતી આવી. બત્રાએ ગર્વથી ગોડબોલે સામે જોઇને હળવેકથી એમનો હાથ દબાવ્યો. “થેન્ક યુ જી.
“કયાં સર આપ ભી? પોલીસવાળાએ પોતાની ફરજ બજાવી એમાં થેન્ક યુ શેનું?
“કાશ, બધા પોલીસવાળા આ રીતે વિચારતા હોત જી.
“સર. સોલોમન સાવ હવામાં કેવી રીતે અને ક્યાં ઓગળી ગયો?
“એ મોટો ખેલાડી લાગે છે. નહીંતર હજી સુધી આપણી પકડથી દૂર રહી શકયો નહોત.
“સર, પેલા આસિફ શેઠ કે બાદશાહ વિશે વધુ કંઇ ઇમ્પોટન્ટ મળ્યું?
ત્યાં જ ફેકસ મશીને જવાબ આપ્યો. ધડાધડ ત્રણ પાના ઉતર્યા અને એ વાંચતા-વાંચતા બત્રાની આંખ પહોળી થઇ ગઇ.
“ઓહ માય ગૉડ. એ આદમી બહુત જાલીમ નિકલા જી.
“ગોડબોલે જી. આપ થાને પહોંચો. અપને સબ આદમી કો તૈયાર રખો. મૈ કુછ ઇંતજામ કરકે આપ કે વહાં આતા હું જી.
આસિફ પટેલ બરાબરના કંટાળ્યા હતા. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસમાં તપાસનો અંત આવતો દેખાતો નહોતો. અહીં બાદશાહ વિચિત્ર રીતે વર્તતો હતો ને લંડન હૅડ ઑફિસથી વી. આર. શિવમણી પણ પોતે જણાવેલી કંપનીઓ સાથેના સોદા અને ચુકવણીની વિગતો મોકલતો નહોતો. આસિફ પટેલે પોતાના ટ્રાવેલ એજન્ટને કહીને મુંબઇથી લંડનની એર ટિકિટ બુક કરાવવા કહી દીધું. ભલે બાદશાહને અહીં રહેવું હોય તો રહે.
સાંજની ચા પતાવીને તડકો હળવો થયા બાદ આસિફ પટેલ ટહેલવા જવા રૂમની બહાર નીકળ્યો. જતા-જતા હોટેલમાં રિસેપ્શન પર સૂચના આપી કે હું એક-બે દિવસમાં ચેકઆઉટ કરીશ.
આસિફ પટેલ હોટેલની બહાર નીકળીને હળવે હળવે ચાલતા દૂર-દૂર જવા માંડયા. અચાનક એક માણસે ઝાડ પાછળથી નીકળીને એમના મોઢા પર રૂમાલ દાબી દીધો. આસિફ પટેલે ફાંફા માર્યા પણ અંતે એ બેહોશ થઇ ગયો. થોડીવારમાં એક ગાડી આસિફ પટેલને લઇને ઝડપભેર દોડવા માંડી.
દિલ્હીનો મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્મા જોરબાગની લકઝુરિયસ કલબમાં પ્રવેશ્યા એવો જ મેનેજર કુર્નિશ બજાવવા દોડી આવ્યો. આસપાસ ઉપસ્થિત મહેમાનોમાં ય ચહલપહલ વધી ગઇ. એટલામાં જ મેનેજરે વર્માજીના કાનમાં ફૂંક મારી: રૂમ નં.૩૦૪.
રૂમ નં. ૩૦૪માં એક ખાસ સગવડ હતી. એમાં પરંપરાગત આગળનો દરવાજો હતો જ. રૂમ સાથે જોડાયેલા બગીચો પાછળ હતો, જેના દરવાજામાંથી અવરજવર કરી શકાય એમ હતું.
રૂમ નં. ૩૦૪માં મુખ્ય પ્રધાને પ્રવેશ કર્યો સાથે પાછળના દરવાજેથી આદિત્ય સકલેચા આવ્યો. ચા-પાણીના શિષ્ટાચારને બદલે આદિત્યે સીધો પોતાનો ફોન વર્માના હાથમાં આપી દીધો. એના ફોનમાં મુરુડ બ્લાસ્ટ્સ વિશે જવાબદારી સ્વીકારતાં આતંકવાદી સંગઠનના માણસના વીડિયો વિશે સુંદરલાલ વર્મા અને ‘ખબર પલ પલ’ના માલિક રજત મીરચંદાની વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હતું.
વર્માએ ફોન પાછો આપી દીધો ને પૂછયું. “આ તમારા ફોનમાં જ રહે એ માટે શું કરવું જોઇએ.
“આ તો આપનું હિત હૈયે એટલે ન રહેવાયું. બાકી એક મોટી ટીવી ચેનલમાં આપનું બધુ ગોઠવાઇ ગયું છે. જે મારા શબ્દ પર રોકી રખાયું છે.
“એ તો ઠીક છે પણ કરવાનું શું છે? ઉશ્કેરાઇને વર્માએ પૂછયું.
“અરે સર, મારા હોવા છતાં આપે ટેન્શનમાં આવવું પડે તો ધૂળ પડી મારા હોવામાં.
“પ્લીઝ કમ ટુ ધ પોઇન્ટ, મિ. સકલેચા.
“બે મુદ્દા પર સંમતિ થાય બેઉં પક્ષો વચ્ચે તો ઘીના ઠામમાં ઘી પડી રહે એવું લાગે છે. આપ ધ્યાનથી સાંભળો….
ડૉ. સલીમ મુઝફફર છત્રપતિ શિવાજી પર વાંચતી વખતે મુરુડ ઝંઝિરાના કિલ્લા પર આવ્યા. ઉપરછલ્લી નજર ફેરવતી વખતે તેમને થયું કે આ ધ્યાનથી વાંચવું પડશે, કારણ કે છત્રપતિ સંભાજી મહારાજે અહીં પિતાનું નામ રોશન થાય એવી કામગીરી કરી બતાવી હતી.
એટીએસના પરમવીર બત્રાએ આ શોધખોળ પાછળનાં કારણો અલપઝલપ જણાવ્યા હતા, સમજાવ્યા હતા. એટલે મુરુડ ઝંઝિરાના કિલ્લા વિશે જાણવું જોઇએ. પોર્ટુગીઝ, અંગ્રેજો, મરાઠા અને મોગલોના અણનમ સામેય એ અડીખમ રહ્યો.
એક સમયે મરાઠીમાં ‘હબસી’ માટે ‘મુરુડ’ શબ્દ વપરાતો હતો. એરેબીક ભાષામાં ટાપુ એટલે ‘ઝંઝીરા’ પછી મરાઠી અરેબિક અને કોંકણી ભાષાના મિશ્રણથી બનેલું અપભ્રંશ નામ એટલે ‘મુરુડ ઝંઝીરા’.
આ કિલ્લો કોણે બનાવ્યો? એના માટે બે વાત મળે છે. ઇ. સ. ૧૧૦૦માં હાલના પાકિસ્તાન સિંધમાંથી આવેલા સિદ્દીઓએ આ કિલ્લો બંધાવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. આ કિલ્લા પર સિદ્દીઓનું રાજ રહ્યું. એની થોકબંધ વિગતો મળે છે. અન્ય માન્યતા મુજબ ચાંચિયાઓથી સલામત રહેવા માટે ૧૫મી સદીમાં કોળીઓએ ટાપુ બનાવ્યો હતો. આ ઝંઝીરાના શાસક હતા રાજારામ રાવ પાટીલ તેમણે અહમદનગરના સુલ્તાનની મંજૂરી મેળવીને આ ટાપુ બનાવ્યો હતો, પરંતુ સમયાંતરે રાજારામ એટલા બધા શક્તિશાળી થઇ ગયા કે ઇ. સ. ૧૪૮૯માં સુલ્તાને એડમિરલ પીરમ ખાનને ટાપુ જીતી લેવા મોકલ્યો, પરંતુ પરંપરાગત રીતે હુમલો કરવાનું અશક્ય લાગ્યું. એટલે પીરમ ખાન વેપારી બનીને અંદર ગયો અને રાતવાસો કરવાની પરવાનગી માગી. મંજૂરી મળતા રાજાનો આભાર માનવા મોટી મિજબાનીનું આયોજન કર્યું. પીરમ ખાને રાજા અને દરબારીઓને દારૂના નશામાં ચૂર કર્યા બાદ આસપાસ છુપાયેલા સાથીઓ સાથે મળીને હુમલો કર્યો ને જીત મેળવી લીધી પણ કિલ્લાને હજી ઘણી ઉથલપાથલ જોવાની બાકી હતી, ને એમાં તોપચી હમીદ અબ્દુલ્લા ‘ગુલાબ’નું અસ્તિત્વ શોધવાનું હતું, જે ઘાસની ગંજીમાંથી સોઇ શોધવાથીય ઘણું મુશ્કેલ હતું.
એક પ્રમાણમાં અંધારારૂમમાં આસિફ પટેલ હોશમાં આવ્યો, ત્યારે એકદમ ગભરાઇ ગયો. થોડીવારમાં મોઢા પર કપડું બાંધેલો એક માણસ આવ્યો. તેણે ચપટી વગાડતા બીજા બે જણા અંદર આવ્યા. ત્રણેય ખુરશી ખેંચીને આસિફ પટેલ સામે બેસી ગયા.
આસિફને પરસેવો વળી ગયો, ‘ક કોણ છો તમે? મને શું કામ?’
“જો તું ધંધો કરે છે પણ એકેય વચન પાળતો નથી. અમારા માલિકો ખૂબ ખફા છે. તારાથી પહેલીવાર એવું બન્યું છે કે ચાર-ચાર દેશમાંથી કોઇ એક વ્યક્તિની સુપારી અમને મળી હોય સમજયો?
આસિફ સમજી ગયો કે આ લોકો કોના ઇશારે કામ કરે છે? આ બધો લોચો માલદિવ્સ, યમન, નાઇજેરિયા, મોરેટાનિયા જેવા દેશોના સોદા વિશે જ લાગે છે. તેણે બે હાથ જોડયા. “જુઓ આ બધા સોદા વિશે હું કંઇ જાણતો નથી. બધે બધું મારા માણસ બાદશાહે કર્યું છે.
“અરે પણ કંપની તમારી. માલ તમને મળે, પૈસા તમને મળે. એ બધું તમારી મરજી વગર થોડું થાય?
“હા, એ બાદશાહ મારો ખૂબ વિશ્ર્વાસુ છે. રાઇટ હેન્ડ છે.
“એ બધુ તમે જાણો. બાદશાહે સોદા રિવૉલ્વર, બૉમ્બ, ડ્રગ્સ, કારતુસના કર્યાં છે. ભલે અલગ-અલગ શેલ કંપનીના નામે સોદા થયા હોય પણ અહીં અમે તમારું કાંસળ કાઢી નાખીશું, ને ત્યાંથી તમારી કંપનીના કારનામા પર્દાફાશ થઇ જશે.
“પ્લીઝ, એવું ના કરો. હું બને એટલા જલદી પૈસા ચૂકવી દઇશ.
“ઠીક છે. આ જે કંઇ છે એ બધે બધુ બાદશાહે કર્યું છે એ તમે બોલો. અમે બૉસને વાત કરીને એમના જવાબની રાહ જોઇશું.
આસિફ પટેલ બધેબધું બોલવા માંડયા. તેને જાણ નહોતી કે આ બધાનું વીડિયો રેકોર્ડિંગ થઇ રહ્યું હતું.
હવે વારો બાદશાહનો હતો. તેણે તો આખી હોટેલ માથે લઇ લીધી. મેનેજર, સર્વિસ, બૉય, વેઇટર, ક્લિનર જે જે હાથ લાગ્યા એ બધાને ધધડાવ્યા. વૉચમેનને તો મારવાનું જ બાકી રાખ્યું. એનો એક જ સવાલ હતો, “મારા આસિફ શેઠ કયાં?
આ સવાલના જવાબમાં એ ‘આંટો મારવા કે ફરવા ગયા હશે.’ એવી કોઇ દલીલમાં એને જરાય રસ નહોતો. હોટેલના મેનેજરનો ય પિતો ગયો કે આ આસિફ પટેલ અને બાદશાહ તેવા વિચિત્ર છે. પહેલો એક ગાયબ ને પછી બીજો. આ બન્નેને રૂમ જ ન આપી હોત તો નિરાંતથી જીવી શકાત.
બાદશાહના ઉકળાટ સાથે બૂમાબૂમ વધવા માંડી. અન્ય ગ્રાહકોને તકલીફ થતી હોવાનું મેનેજર સમજી ગયા. બીજા ગ્રાહકો નારાજ થશે તો સંભાળવું ભારે પડી શકે. મેનેજર સીધો બાદશાહ સામે જઇને ઊભો રહ્યો. “બૂમાબૂમ બંધ કરો. આસિફ શેઠ નાનું બચ્યું નથી. તે હોય તો પણ એમાં હોટેલની જવાબદારી કેવી રીતે આવે? પહેલા તમે ગાયબ થયા અને અમને તકલીફ થઇ પણ તમે આવી ગયા, હવે એ વિકલ્પ છે. રાહ જોઇએ કાં… ?
બાદશાહે બૂમ પાડી, “કયાં સુધી રાહ જોવાની?
“તો બીજો વિકલ્પ છે પોલીસ પાસે જવાનો.
આ સાથે બાદશાહ ટાઢોબોબ થઇ ગયો. માંડ બોલી શકયો “ના,ના, થોડી રાહ જોઇએ? (ક્રમશ:)