વર્લ્ડકપ-2023માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ભારે રસાકસીભરી મેચ વચ્ચે પાકિસ્તાની ક્રિકેટ ટીમને લઇને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.
વર્લ્ડકપમાં કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપી દીધું છે. બાબર આઝમે પોતે સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. બાબરની કેપ્ટનસી હેઠળ ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે તેઓ હાલ ભારે ટીકાનો સામનો કરી રહ્યા છે. બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે ટીમમાં ખેલાડી તરીકે રમવાનું તે ચાલુ રાખશે.
તો હવે સવાલ એ ઉભો થાય છે કે બાબર પછી પાકિસ્તાનની ટીમનો કેપ્ટન કોણ બનશે? મીડિયા અહેવાલોનું માનીએ તો બાબર બાદ ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદ અને ટી-20 ઈન્ટરનેશનલમાં શાહીન આફ્રિદી કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.
બાબર આઝમે સોશિયલ મીડિયાની તેની પોસ્ટમાં કહ્યું હતું કે “મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને પીસીબી તરફથી 2019માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરવા માટે કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ સંપૂર્ણ સમર્પણ સાથે મેં ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. બાબરે કહ્યું, ‘આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે.” તેમ બાબરે તેની પોસ્ટમાં જણાવ્યું હતું