ઐશ્વર્યા વિશે એલફેલ બોલનારા આ ક્રિકેટરને આખરે માગવી પડી માફી
જ્યારથી પાકિસ્તાનની ટીમની વર્લ્ડ કપ-2023માંથી એક્ઝિટ થઇ છે ત્યારથી પાકિસ્તાની ટીમના ખેલાડીઓના પ્રદર્શનની ભારે ટીકા થઇ રહી છે. પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે વર્લ્ડ કપમાં ટીમના ફ્લોપ શો અંગે વાત કરતી વખતે અભિનેત્રી ઐશ્વર્યા રાયનું ઉદાહરણ આપ્યું હતું, જેને લઇને ભારે હોબાળો થયો હતો. ત્યારે વિવાદને શાંત પાડવા આખરે રઝાકે એક વીડિયો જાહેર કરીને માફી માગી લીધી છે.
રઝાકે માફી માંગતા કહ્યું હતું કે તેમની જીભ લપસી ગઈ હતી, તેનો આવું બોલવા પાછળ કોઈ ઈરાદો નહોતો. અબ્દુલ રઝાકના આ નિવેદન પર તેમના પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓએ પણ તેમની ટીકા કરી હતી. માફી માગતી વખતે વીડિયોમાં રઝાકે કહ્યું, “પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપતી વખતે મારી જીભ લપસી ગઇ હતી. હું બીજું કોઈ ઉદાહરણ આપવા માંગતો હતો, પરંતુ મારા મોઢામાંથી ઐશ્વર્યાજીનું નામ નીકળી ગયું. હું માફી માંગુ છું અને મારો એવો કોઈ ઈરાદો નહોતો.”
રઝાકે આ પહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમના પ્રદર્શન અંગેના સવાલના જવાબમાં કહ્યું હતું કે “ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરી લેવાથી સદાચારી અને ગુણવાન બાળકનો જ જન્મ થશે તેવું જરૂરી નથી. PCBની હાલત પણ આવી જ છે. પહેલા તમારે તમારા ઇરાદાને યોગ્ય રીતે સેટ કરવાની જરૂર છે.” આ દરમિયાન શાહિદ આફ્રિદી અને અન્ય ખેલાડીઓ સ્ટેજ પર હાજર હતા.
રઝાકની આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થતા યુઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. ચારેબાજુથી રઝાકની ટીકા થવા લાગી હતી. લોકોનો ગુસ્સો જોઇને શાહિદ આફ્રિદી સહિતના અનેક પૂર્વ ક્રિકેટરોએ તેને માફી માગી લેવા સલાહ આપી હતી. અનેક ક્રિકેટરોએ તેના નિવેદનની નિંદા પણ કરી હતી.