શિલ્પા શેટ્ટીની પાર્ટીમાં આ બે જણા કઈક આમ દેખાયાને અફવાએ પકડ્યું જોર

ભઈ એક તો તમે ફિલ્મી હસ્તીઓ. તમે છીંક ખાઓ તો પણ કેમેરામાં કેદ થાય ને પાછા તમે જાહેરમાં હાથમાં હાથ નાખી ફરો ને પછી અફવાઓ ઉડે તો કહો કે તમે ખોટું વિચારો છો. આમ કઈ ચાલે. હવે વાત છે અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સિંગર બાદશાહની. મૃણાલ ઠાકુર અને રેપર બાદશાહ હાલ એક વીડિયોને કારણે ચર્ચામાં છે. આ બન્ને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં હાથમાં હાથ પરોવીને જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થયો છે. મજાની વાત તો વાત તો એ છે કે, મૃણાલે પોતે જ આ પાર્ટી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમાં તેણે તે અને બાદશાહ હાથમાં હાથ પકડીને આવ્યા છે તે પોસ્ટનો પણ સમાવેશ થાય છે.
હવે આ બન્નેના અફેરની ચર્ચાએ એવું જોર પકડ્યું કે બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખાસ લખવું પડ્યું કે ભઈ તમે જેવું વિચારો છો તેવું નથી. જોકે અગાઉ પણ આ બન્નેના સંબંધો ચર્ચાના ચકડોળે ચડયા છે. બીજી બાજુ મૃણાલ સાઉથના સ્ટારને ડેટ કરતી હોવાના પણ મીડિયા રિપોર્ટ્સ છે. તો આ વરસની શરૂઆતમાં એવી ઉડતી ખબરો પણ મળી હતી કે બાદશાહ પોતાની પ્રેમિકા ઇશા રિખી સાથે લગ્ન કરવાનો છે. હવે કોણ કોની સાથે લગ્ન કરશે તે તો ખબર નહીં પણ મૃણાલની પૉસ્ટે અફવા બજાર તો ગરમ રાખ્યું છે.