તહેવારના દિવસોમાં આ પરિવારમાં છવાયો શોકઃ આત્મહત્યા-અકસ્માતના બનાવોમાં નવના મોત
દિવાળીના તહેવારો લોકો ધામધૂમથી ઉજવી રહ્યા છે. આજે દેશમાં ભાઈબીજ ધામધૂમથી ઉજવાઈ રહી છે, પણ ઘણા પરિવારોમાં શોકનો માહોલ છે કારણ કે તમણે તેમાન વ્હાલસોયાને આત્મહત્યા કે અકસ્માતમાં ખોયા છે.
મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં ત્રણના મોત થયા હતાં. કાંતિપુર ગામે રહેતા યુવાને કોઈ કરણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. નદીમાં કપડાં ધોવા માટે ગયેલી મહિલાનો પગ લપસતા મોત થયુ હતુ. જ્યારે થોરાળા ગામે લેબર કવાર્ટરમાં રહેતા યુવાન ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી તાલુકાના કાંતિપુર ગામે રહેતા અમૃત પરમારે ઘરે કોઈપણ કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેના મૃતદેહ પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી ઘટના માળિયા મીયાણા તાલુકાના માણાબા ગામની સીમમાં આવેલી વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દીતુબેન ઇરોસ કારખાનાની પાછળના ભાગમાં ઘોડાધ્રોઇ નદીઓમાં કપડાં ધોવા માટે ગયા હતા. પગ લપસતા તે નદીમાં ડૂબી જવાના કારણે તે મહિલાનું મોત નિપજ્યુ હતું. ત્રીજી ઘટના મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલા એક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો શિવકુમાર વર્મા યુવાને લેબર કવાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
બીજી બાજુ જુનાગઢમાં કેશોદના અજાબ-શેરગઢ રોડ પર અજાણ્યાં વાહન ચાલકે ઠોકરે લેતાં દિપડાનું મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતાં વન વિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ વન વિભાગની ટીમે દિપડાના મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. આરએફઓ દ્વારા દિપડાના મોત માટે જવાબદાર અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં જુનાગઢ જિલ્લામાં મેંદરડા તાલુકાના માલણકા ડેમ પાસે ઝાડ સાથે લટકી પ્રેમી યુગલે ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની બંનેનાં પરિવારજનોને જાણ કરાતા સ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસે બંનેનાં નિવેદનોનાં આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મેંદરડા તાલુકાના માલણકા ગામ પાસે આવેલ ડેમ નજીક ઝાડ સાથે યુવક યુવતીનો મૃતદેહ લટકતો હોવાની જાણ થતા મેંદરડાના ઇન્ચાર્જ પીએસઆઇ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને બંનેના મૃતદેહને ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે મેંદરડા ખાતે મોકલી આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી કેશોદ તાલુકાના કેવદ્રા ગામની બંસીબેન (ઉ. વ. 19) અને યુવક કેશોદનો મિલનગીરી (ઉ.વ. 22) હોવાનું ખુલ્યું હતું. અને બંનેને પ્રેમ સંબંધ હતો. પરંતુ બંને એક થઈ શકે તેમ ન હોવાથી ચુંદડી વડે ઝાડ સાથે લટકીને આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે પોલીસે જાણ કરતાં મૃતકનાં પરિવારજનો મેંદરડા ખાતે આવી પહોંચતા પોલીસે નિવેદન લઈને આગળની કાર્યવાહી કરી હતી.
તો સુરતમાં બીઆરટીએસની હડફેટે એક પરપ્રાંતિય યુવાને જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય એક અકસ્માતમાં ત્રણના મોત નિપજ્યા હતા.