દિલ્હીના મુખ્ય સચિવના કથિત ભ્રષ્ટાચાર મામલે સીએમ કેજરીવાલે એલજીને રિપોર્ટ મોકલ્યો
દિલ્હીના મુખ્ય સચિવ સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના મામલામાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વિજીલન્સ પ્રધાન આતિશીનો રિપોર્ટ ઉપ રાજ્યપાલને મોકલી આપ્યો છે. મુખ્ય પ્રધાને મુખ્ય સચિવને તાત્કાલિક હટાવવા અને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. સીએમ કેજરીવાલે આતિશીને આ રિપોર્ટ CBI અને EDને મોકલવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચાર કેસમાં વિજીલન્સ પ્રધાન આતિશીના રિપોર્ટમાં તેમને પદ પરથી હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. 670 પાનાના રિપોર્ટમાં દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર અને ડિવિઝનલ કમિશનર અશ્વિની કુમારને તેમના પદ પરથી તાત્કાલિક હટાવવાની ભલામણ કરવામાં આવી છે. જેથી તેઓ તપાસને પ્રભાવિત ન કરી શકે અને કેસ સંબંધિત તમામ ફાઈલો તાત્કાલિક જપ્ત કરવામાં આવે.
અહેવાલમાં મુખ્ય સચિવ અને વિભાગીય કમિશનર સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તેમજ આ રિપોર્ટ સીબીઆઈને મોકલવાની ભલામણ કરવામાં આવી હતી, જેથી તે મામલાની તપાસ કરી શકે. EDને પણ આ મામલાની તપાસ કરવા ભલામણ કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય સચિવ અને જમીન માલિકો વચ્ચે સાંઠગાંઠને નકારી શકાય નહીં.
કથિત ભ્રષ્ટાચારનો આ મામલો દિલ્હીના દક્ષિણ પશ્ચિમ જિલ્લામાં દ્વારકાના બામનોલી ગામમાં 19 એકર જમીનના સંપાદન સાથે સંબંધિત છે, જે દ્વારકા એક્સપ્રેસ વે માટે સંપાદિત કરવામાં આવી હતી.