દહેરાદૂન: ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર નિર્માણાધીન સિલ્ક્યારા-બરકોટ ટનલનો મોટો ભાગ ગત રવિવારે સવારે ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો. જેના કારણે તે સમયે ટનલમાં કામ કરી રહેલા 40 કામદારો ફસાઈ ગયા છે. 72 કાલક બાદ પણ કામદારોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.
બચાવ ટીમે ટનલની અંદરના કાટમાળના ઢગલા વચ્ચે સ્ટીલના પાઈપ દ્વારા ફસાયેલા કામદારોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મંગળવારે રાત્રે થયેલા ભૂસ્ખલનને કારણે તેમને મશીન હટાવવાની ફરજ પડી હતી. જો કે, પ્રયાસો ફરી શરૂ કરવામાં આવ્યા હતા
મંગળવારે સાંજે દુર્ઘટના સ્થળની મુલાકાત દરમિયાન એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો બધુ યોજના મુજબ થશે તો બુધવારે ફસાયેલા કામદારોને બચાવી લેવામાં આવશે. પરંતુ મંગળવારે રાત્રે થયેલા ભૂસ્ખલનને કારણે રેસ્ક્યુ ટીમ ડ્રિલિંગ મશીન અને બનેલા પ્લેટફોર્મને નુકશાન પહોંચ્યું હતું. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે જણાવ્યું હતું કે નવું ડ્રિલિંગ મશીન સ્થાપિત કરવા પર કામ ચાલી રહ્યું છે.
એહવાલ મુજબ સોમવારે રાત્રે જ હરિદ્વારથી ટ્રક લોખંડની 900 એમએમની પાઇપો ભરીને પહોંચી હતી. મંગળવારે સવારે દહેરાદૂનથી ઓગર મશીન પણ ડ્રિલિંગ માટે સ્થળ પર પહોંચી ગયું હતું. મશીન માટે પ્લેટફોર્મ તૈયાર કરવાની કામગીરી બપોર બાદ શરૂ થઈ હતી અને મોડી સાંજે ટનલમાં ડ્રિલિંગ દ્વારા પાઈપ નાખવાની કામગીરી શરૂ થઈ હતી.
નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ , એનડીઆરએફ, એસડીઆરએફ, આઈટીબીપી, બીઆરઓ ની 200 થી વધુ લોકોની ટીમ બચાવ કાર્ય કરી રહી છે.
અગાઉ જેસીબી વડે ટનલમાં કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ સતત પડી રહેલા કાટમાળને કારણે તેમાં સફળતા મળી ન હતી. આ પછી, દહેરાદૂનથી ઓગર મશીન મંગાવવા અને લોખંડની પાઈપ નાંખી કામદારોને બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉત્તરકાશી ટનલ દુર્ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે હું સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. મેં સ્થળની મુલાકાત લીધી અને અંદર ફસાયેલા લોકોના પરિવારજનો સાથે પણ વાત કરી. અંદર ફસાયેલા લોકોને ખોરાક, પાણી અને ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદી પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
માહિતી અનુસાર, ટનલની અંદર ફસાયેલા કામદારોમાંથી 2 ઉત્તરાખંડ, 1 હિમાચલ, 4 બિહાર, 3 પશ્ચિમ બંગાળ, 8 ઉત્તર પ્રદેશ, 5 ઓરિસ્સા, 15 ઝારખંડ અને 2 આસામથી છે.