મુંબઇઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમીફાઈનલ મેચ રમાશે. બંને ટીમો ફાઈનલની ટિકિટ મેળવવા ઈચ્છે છે, જેને જોતા આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની આશા છે. આઇસીસી વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો આજે ન્યૂઝીલેન્ડ સામે થશે. રોહિતની ટીમ એકમાત્ર એવી ટીમ છે જે ટુર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતીય ટીમે લીગ તબક્કામાં તેની તમામ 9 મેચ જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. બીજી બાજુ સતત ચાર મેચ હાર્યા બાદ ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે આઇસીસી ઈવેન્ટ્સની નોકઆઉટ મેચોમાં ભારત સામે કિવી ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ગત વર્લ્ડકપની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો ન્યુઝીલેન્ડ સામે પરાજય થયો હતો.
વાનખેડે સ્ટેડિયમને બેટ્સમેનો માટે સ્વર્ગ માનવામાં આવે છે. પિચ પર સારા ઉછાળને કારણે અહીં શોટ મારવા ખૂબ જ સરળ છે. મુંબઈના આ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો ભારે વરસાદ થાય છે અને પુષ્કળ પ્રમાણમાં રન બને છે. આવી સ્થિતિમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ પણ હાઈ સ્કોરિંગ બની શકે છે. વાનખેડેએ અત્યાર સુધીમાં કુલ 33 વનડે મેચોની યજમાની કરી છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 17 મેચમાં જીત મેળવી છે જ્યારે પીછો કરતી ટીમે 16 મેચમાં જીત મેળવી છે. એટલે કે આંકડાઓ પર નજર કરીએ તો ટોસ એટલી મહત્વની ભૂમિકા ભજવતો નથી. પરંતુ બીજી ઇનિંગ્સમાં ઝાકળ પડશે જેના કારણે બેટિંગ સરળ બની જશે. પ્રથમ દાવમાં આ મેદાન પર સરેરાશ સ્કોર 248 હતો જ્યારે બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 199 હતો.
ભારતીય ટીમના બેટ્સમેનો આ વર્લ્ડ કપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. રોહિત શર્માએ શુભમન ગીલ સાથે મળીને ટીમને તોફાની શરૂઆત અપાવવામાં સફળતા મેળવી છે જ્યારે ત્રીજા નંબર પર આવીને વિરાટ કોહલીએ મજબૂત શરૂઆતને અંત સુધી લઈ જવાનું કામ કર્યું છે.
Taboola Feed