મુંબઈ: આ વખતની આઈસીસી વન ડે વર્લ્ડ કપની મેચ ધીમે ધીમે અંતિમ તબક્કા ભણી જઈ રહી છે, જેમાં અવનવા વિક્રમની સાથે વિવાદો પણ ચર્ચામાં રહ્યા છે, ત્યારે તાજેતરમાં પ્રેક્ટિસ વખતે કિંગ કોહલી અને નવોદિત શુભમન ગિલની મસ્તીનો વીડિયો ચર્ચામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં મસ્તીખોર ક્રિકેટરની વાત કરીએ તો વિરાટ કોહલીનું નામ પહેલું લઈ શકો, જેમાં હવે નવોદિત બેટર ગિલનું નામ પણ ઉમેરાયું છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટસમેન શુભમન ગિલે વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી, જેના કારણે કોહલી ચોંકી ગયો હતો. એટલું જ નહિ તેણે બેટને હવામાં ઉંચુ કરીને જાણે તેને ફટકારવા જઈ રહ્યો હોય તેમ એક્શન સુદ્ધાં કરી હતી. આ મસ્તીનો વીડિયો વાઇરલ થયા પછી લોકોએ તેના પર પ્રતિકિયાઓ આપીને મજા લીધી હતી.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલી બેટ લઈને જઈ રહ્યો હોય છે ત્યારે ગિલ પ્રેક્ટિસ કરતી વખતે તેની પાછળ અચાનક આવે છે અને એકએક હોર્ન પણ વાગે છે, જે સાંભળીને કોહલી સંપૂર્ણ ચોંકી જાય છે. આ પછી શુભમન ગિલની પાછળ જઈને કોહલીએ બેટને હવામાં સહેજ ફંગોળે પણ છે. જોકે, કોહલીને બેટ ઊંચકતો જોઈ શુભમન ગિલ ઝડપથી ભાગી જાય છે.
વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની તમામ 9 લીગ મેચ રમી હતી. જ્યારે ડેન્ગ્યુના કારણે શુભમન ગિલ પહેલી બે મેચ ચૂકી ગયો હતો અને તે 7નો ભાગ હતો. લીગ સ્ટેજ પછી કોહલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે નવ ઇનિંગ્સમાં 99ની શાનદાર એવરેજથી 594 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. બીજી બાજુ શુભમન ગિલે સાત ઇનિંગ્સમાં 279 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી હતી.
ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બર એટલે આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
આ ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં યોજાઈ રહી છે, જે અંતર્ગત પહેલી સેમી ફાઈનલની મેચ નંબર એક અને ચાર વચ્ચે થશે, જ્યારે બીજી સેમી ફાઇનલ નંબર બે અને ત્રણ નંબરની ટીમ વચ્ચે રમાશે.