ફટાકડાને કારણે શા માટે પ્રદૂષણ થાય છે, વૈજ્ઞાનિકોનું શું કહેવું છે
દિવાળીના તહેવાર બાદ દિલ્હી સહિત દેશભરના શહેરોમાં વાયુ પ્રદૂષણમાં વધારો નોંધાયો હતો, જેના માટે ફટકડાને જવાબદાર ઠેરવવામાં આવે છે. ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટીટયુટ ના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે ફટાકડા શા માટે આટલું બધું પ્રદૂષણ કરે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ફટાકડાની રાસાયણિક રચનામાં ભારે ધાતુઓ મોટી માત્રામાં જોવા મળે છે. આયન, એલિમેન્ટલ કાર્બન, ઓર્ગેનિક કાર્બન, આ સંયોજનો મુખ્યત્વે PM 2.5 માં મળે છે. સોર્સના આધારે આ તત્વોની માત્ર બદલાઈ શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દિવાળી પછીના પ્રદૂષણની વાત કરીએ તો ફટાકડા બનાવવામાં સલ્ફેટ, નાઈટ્રેટ અને ચારકોલનો ઘણો ઉપયોગ થાય છે. તેમાં ઘણા અસ્થિર કાર્બનિક સંયોજનોનો ઉપયોગ થાય છે. જ્યારે ફટાકડા સળગાવવામાં આવે છે ત્યારે PM 2.5 માં સલ્ફેટ, નાઈટ્રેટ અને ઓર્ગેનિક કાર્બનની વધુ માત્રા હવામાં ફેલાય છે. દરમિયાન સતત ઉધરસ અને અસ્થમાના કેસ વધે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના કેસમાં વધારો થયો છે, તેનું મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ છે કારણ કે તેમાં ભારે ધાતુઓ છે. વૈજ્ઞાનિકે કહ્યું કે સુગંધિત કાર્બનિક સંયોજનો પણ કેન્સર માટે જવાબદાર છે.
વૈજ્ઞાનિકોએ વધુમાં જણાવ્યું કે બેન્ઝીન વાળા ફટાકડા સળગાવવા અથવા અસ્થિર કાર્બનિક સંયોજનોને કારણે કેન્સર થઇ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રજકણની અસર અસ્થાયી નથી પરંતુ લાંબા સમય સુધી આપણા શરીર પર રહે છે. બ્લેક કાર્બન આપણી રક્તવાહિનીઓમાં ભળી જાય છે અને લોહી દ્વારા આખા શરીરમાં ટ્રાન્સફર થાય છે. તે માત્ર ફેફસાંને જ નહીં પરંતુ રુધિરાભિસરણ તંત્રને પણ અસર કરે છે. આને કારણે, નર્વસ સિસ્ટમ, શારીરિક અને વર્તણૂકીય, સ્ટ્રોક સુધીની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.