IPL 2024સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયા અને કોચને મેચથી વધુ ચિંતા ટૉસની જાણો કારણ…

મુંબઇઃ વર્લ્ડ કપ 2023ના લીગ રાઉન્ડની તમામ મેચો જીતીને અજેય રહેલી ટીમ ઇન્ડિયા આજે સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભીડવા તૈયાર છે. આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે આ આસાન નહીં હોય. ભારતે તમામ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી ચાર નોકઆઉટ મેચ હારી છે. ન્યુઝીલેન્ડ યજમાન ટીમ સામે હારીને છેલ્લા ત્રણ વનડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. આવી સ્થિતિમાં બુધવારે વાનખેડે ખાતે આમાંથી એક રેકોર્ડ તૂટવો નિશ્ચિત છે.

વાનખેડે સ્ટેડિયમ પર રમાનારી આ મેચમાં ટૉસ પણ ઘણો મહત્વપૂર્ણ બની રહેવાનો છે, તેથી જ કદાચ કોચ રાહુલ દ્રવિડથી અને કેપ્ટન રોહિત શર્માની ચિંતા વધી ગઈ છે અને જેવી ટીમ મુંબઇ પહોંચી કે ટીમના કોચ રાહુલ દ્રાવિડ કોચીંગ સ્ટાફને લઇને સીધા વાનખેડે પર પીચના નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા.

હાલના વર્લ્ડ કપની વાત કરીએ તો વાનખેડે સ્ટેડિયમમાં ચાર મેચ રમાઇ છે, જેમાંથી ત્રણ મેચમાં પહેલી બેટિંગ કરનાર ટીમે વિજય મેળવ્યો છે. માત્ર રનને ચેઝ કરતા ઑસ્ટ્રેલિયાએ અહીં એક મેચ જીતી હતી, જેમાં ભારતના જમાઇ ગ્લેન મેક્સવેલે લંગડાતા પગે ડબલ સેચુંરી મારી ટીમ ઑસ્ટ્રેલિયાને અભૂતપૂર્વ જીત અપાવી હતી. આ ષ્ઠભૂમિમાં વાનખેડેની પીચ પર ટૉસ જીતવો અગત્યનો બની રહેશે અને બંને ટીમ પહેલા બેટિંગ કરવા માગશે. વર્તમાન વર્લ્ડ કપમાં વાનખેડેની પીચ પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 357 રન છે અને બીજી ઈનિંગમાં માત્ર 188 રન છે.

હાલના વર્લ્ડ કપની વાનખેડેમાં રમાયેલી ચાર મેચ પર નજર કરીએ તો પ્રથમ બેટિંગ કરતી ટીમે પહેલી દસ ઓવરમાં સરેરાશ એક વિકેટના ભોગે 52 રન બનાવ્યા છે, જ્યારે બીજી બેટિંગ કરતી ટીમે પહેલી દસ ઓવરમાં સરેરાશ 42 રનમાં જ ચાર વિકેટ ગુમાવી દીધી છે. એનો મતલબ એ છે કે ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં સ્વિંગનો ફાયદો મળી રહ્યો છે.
ભારત અને શ્રીલંકાની હાલની વાનખેડે પર રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 358નો લક્ષ્યાંક આપ્યો હતો અને શ્રીલંકાની ટીમનો 55 રનમાં જ વીટો વળી ગયો હતો. ભારતીય બોલરોએ પહેલી દસ ઓવરમાં જ છ વિકેટ ટપકાવી દીધી હતી. આ મેચમાં મોહમદ શમીને પાંચ, મોહમદ સિરાજને ત્રણ અને બુમરાહને એક વિકેટ મળી હતી. આમ ફાસ્ટ બોલરોએ જ નવ વિકેટ લીધી હતી. આ વર્લ્ડ કપમાં વાનખેડે પર સ્પિનરોને ખાસ મદદ મળી નથી. કોઇ પણ સ્પિન બોલર ત્રણ વિકેટના આંકડા સુધી પહોંચી શક્યો નથી.

વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધી ભારતે 21 ODI મેચ રમી છે, જેમાંથી 12માં જીત મેળવી છે અને 9માં હાર મેળવી છે. ટીમે પ્રથમ બેટિંગ કરતા ચાર મેચમાં અને રનને ચેઝ કરતા આઠ મેચ જીતી છે. વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી આ મેદાન પર એક પણ મેચ રમી નથી. ભારત અને ન્યુઝીલેન્ડ આ મેદાન પર અત્યાર સુધી માત્ર એક જ વાર ODIમાં 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટકરાયા છે, જેમાં ટાર્ગેટ ચેઝ કરતા ભારતીય ટીમ હારી ગઇ હતી. આ પૃષ્ઠભૂમિમાં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા બદલો લેવા માગશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button