કાઠમંડુઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના નામે દુનિયાના દેશોને જંગી લોન આપીને પોતાની જાળમાં ફસાવી દેનાર ચીનને લઈને દુનિયાના દેશો હવે સાવધ બન્યા છે. ચીને ઘણા દેશોને ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે જંગી નાણાં આપ્યા છે. નેપાળ પણ તેમાંથી એક છે, પરંતુ હવે નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીઓએ ચીનના પૈસાથી બનેલા મોટા એરપોર્ટની તપાસ શરૂ કરી છે.
નેપાળના બીજા સૌથી મોટા શહેર પોખરામાં 216 મિલિયન અમેરિકન ડોલરના ખર્ચે આકાર પામેલુ પોખરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક આ વર્ષે જાન્યુઆરીમાં ખુલ્યું હતું. એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલા ચીન એરપોર્ટના નિર્માણ માટે લોન આપવા સંમત થયું હતું. નેપાળે અહીંનો કોન્ટ્રાક્ટ ચાઈના નેશનલ મશીનરી ઈન્ડસ્ટ્રી કોર્પોરેશનની પેટાકંપની CAMCEને આપ્યો હતો. CAMCE એ મોંઘવારી, પ્રાદેશિક વિષમતા જેવા વિવિધ બહાના હેઠળ પ્રોજેક્ટની કિંમત બેહદ વધારી દીધી હતી, પણ નેપાળ ચુપ રહ્યું હતું કારણ કે તે બેઇજિંગને ગુસ્સે કરવા માગતું નહોતું. પોખરા એરપોર્ટ ચીન અને નેપાળ બંને માટે મહત્વપૂર્ણ હતું.
એરપોર્ટ શરૂ થયાના થોડા સમયમાં જ નેપાળના નાગરી ઉડ્ડયન ખાતાને એરપોર્ટના બાંધકામમાં ગેરરીતિઓ વિશે ફરિયાદો મળી હતી. નેપાળના એબ્યુઝ ઓફ ઓથોરિટી ઈન્વેસ્ટિગેશન કમિશને પોખરામાં સિવિલ એવિએશન ઓથોરિટીની ઓફિસો પર દરોડા પાડ્યા હતા અને પ્રોજેક્ટ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસમાં પ્રોજેક્ટ્સની તેમની ઊંચી કિંમત અને નબળી ગુણવત્તા માટે ટીકા કરવામાં આવી હતી. બાંધકામની ગુણવત્તામાં સમસ્યા છે અને પ્રોજેક્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું હોવાની માહિતી આપવામાં આવી હતી.
નેપાળ ચાર દાયકાથી વધુ સમયથી પોખરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનું સપનું જોઈ રહ્યું હતું. તેને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ યોજના હતી. રાજકીય અસ્થિરતા, નોકરશાહી પડકારો અને નાણાકીય મુશ્કેલીઓના કારણે પોખરા એરપોર્ટની યોજના આગળ વધતી નહોતી. આવા સમયે ચીને નેપાળ તરફ મદદનો હાથ લંબાવ્યો. પોખરા એરપોર્ટનું નિર્માણ ચીનની મહત્વાકાંક્ષાઓનો એક ભાગ હતો. હવે પોખરા ચીનના રોકાણ, એરપોર્ટ બનાવવાની વધુ પડતી કિંમત અને નબળી ગુણવત્તાના બાંધકામને કારણે તપાસ હેઠળ આવ્યું છે.
આતંરરાષ્ટ્રીય હવાઇમથક હોવા છતાં અહીં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો નથી. નેપાળ પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને હવે ચીનના વ્યાજની નાગચુડમાં ફસાઇ ગયું છે. જોકે, રહી રહીને નેપાળની સાન ઠેકાણે આવી છે અને પોતાની ભૂલનો અહેસાસ થયો છે, ત્યારે હવે એ ચીનના પેંતરામાંથી છૂટવા કેવા પગલા લે છે એના પર સહુની નજર છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને