ઉત્તરાખંડ ટનલમાં 40 કામદારો હજુ પણ ફસાયેલા
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે 48 કલાક બાદ પણ હજુ સુધી કામદારોને બહાર કાઢી શકાયા નથી. ટનલમાં ફસાયેલા કામદારો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જો કે રાહત કાર્ય કરી રહેલી ટીમનું કહેવું છે કે તમામ કામદારો સુરક્ષિત છે.
ટનલમાં ફસાયેલા 40 મજૂરોને બચાવવાના માટે ખુબજ ઝડપથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ટનલનું નિર્માણ કરનારી કંપનીએ કહ્યું હતું કે ટનલની અંદરથી ‘શોટક્રીટિંગ’ (કોંક્રિટ સ્પ્રે) વડે માટી કાઢવામાં આવી રહી છે. જ્યારે ‘હાઈડ્રોલિક જેક’ની મદદથી અંદર 900 એમએમ વ્યાસની સ્ટીલની પાઈપ નાખવાની યોજના બનાવવામાં આવી રહી છે, જેથી ટનલમાં ફસાયેલા લોકોને બચાવી શકાય. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરીએ કહ્યું હતું કે બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદી ઉત્તરકાશી ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર નજર રાખી રહ્યા છે. સતત બીજા દિવસે પીએમ મોદીએ સીએમ પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સીએમ ધામી પણ ઘટના અંગે સતત માહિતી લઈ રહ્યા છે. સીએમ ધામી ગઈકાલે દુર્ઘટનાના 24 કલાક બાદ સોમવારે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અકસ્માત બાદ સીએમ ધામીએ કહ્યું હતું કે અમને કેન્દ્ર તરફથી સંપૂર્ણ મદદ મળી છે. આ સમગ્ર મામલે ધામી સરકારની નિષ્ફળતા પણ સવાલના ઘેરામાં છે.