વિરેન્દ્ર સહેવાગને મળ્યું સન્માન, બે દિગ્ગજોની સાથે આઇસીસી હોલ ઓફ ફેમમાં કરાયા સામેલ
દુબઇ: ક્રિકેટ ઈતિહાસના ત્રણ મહાન ખેલાડીઓ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયા છે. જેમાં ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગ, ભૂતપૂર્વ ભારતીય મહિલા ટેસ્ટ કેપ્ટન ડાયના એડુલ્જી અને શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન અરવિંદ ડી સિલ્વાનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સોમવારે આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમા સામેલ કરાયેલા નવા ત્રણ દિગ્ગજોના નામની જાહેરાત કરી હતી
આધુનિક ક્રિકેટના આક્રમક ઓપનિંગ બેટ્સમેનોમાં સામેલ સહેવાગે પોતાની કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. સહેવાગે ટેસ્ટમાં બે વખત ત્રેવડી સદી ફટકારી હતી. તેની શાનદાર કારકિર્દી દરમિયાન તેણે ૨૩ ટેસ્ટ સદી ફટકારી હતી. આ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે તે ભારતીય ખેલાડીઓમાં પાંચમા સ્થાને છે. ટેસ્ટમાં સહેવાગનો સર્વોચ્ચ સ્કોર ૩૧૯ રન છે.
આ ટેસ્ટમાં ભારતીયનો સર્વોચ્ચ સ્કોર છે. તેણે ૨૦૦૮માં દક્ષિણ આફ્રિકા સામે ચેન્નઈમાં ૩૧૯ રન કર્યા હતા. સહેવાગના નામે ૧૦૪ ટેસ્ટ મેચોમાં ૮,૫૮૬ રન છે. તેણે ૨૫૧ વન-ડેમાં ૩૫.૦૫ની એવરેજથી ૮,૨૭૩ રન કર્યા છે. સહેવાગે ૨૦૧૧ના વર્લ્ડ કપમાં ૩૮૦ રન બનાવ્યા હતા.
આઈસીસી હોલ ઓફ ફેમમાં બીજા સ્થાને સામેલ કરાયેલા મહિલા ક્રિકેટર એડુલ્જીએ લગભગ ત્રણ દાયકા સુધી ભારતનું નેતૃત્વ કર્યું અને ડાબા હાથના સ્પિનર તરીકે ૫૪ આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ ૧૦૯ વિકેટ લીધી હતી. ડાયનાએ પશ્ર્ચિમ રેલવેમાં એડમિનિસ્ટ્રેટરની ભૂમિકા નિભાવી અને મહિલા ક્રિકેટરો માટે રોજગારીની તકો ઊભી કરવા સખત મહેનત કરી.
પશ્ર્ચિમ અને ભારતીય રેલવેની રમતગમત નીતિ ઘડવામાં પણ તેમણે પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી. ડાયનાએ કહ્યું હતું કે સૌપ્રથમ હું આઇસીસી અને જ્યુરીનો આભાર માનું છું કે તેમણે મને આઇસીસી હોલ ઓફ ફેમ ૨૦૨૩માં સામેલ કરવા માટે પસંદ કરી હતી.
આ યાદીમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બનવું એ ખરેખર એક મહાન સન્માન છે. આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ ત્રીજા ખેલાડી અરવિંદ ડી સિલ્વા છે, જેણે ૧૯૯૬માં શ્રીલંકા સાથે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.