એકસ્ટ્રા અફેર

બેસતા વરસે હળવામળવાની પરંપરા જીવંત કરીએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

હિંદુઓનો સૌથી મોટો તહેવાર મનાતી દિવાળી આવીને જતી રહી ને વચ્ચે પડતર દિવસ પછી હવે આજે બેસતું વરસ છે. વિક્રમ સંવતના ૨૦૭૯ના વરસે વિદાય લીધી અને આજથી વિક્રમ સંવતનું ૨૦૮૦નું વરસ બેસી જવાનું છે. દુનિયાભરના કરોડો હિન્દુઓએ દિવાળીના પ્રકાશના પર્વની ઉજવણી કરી કેમ કે દિવાળી સમગ્ર ભારતનો તહેવાર છે પણ આજે બધા હિંદુઓ માટે બેસતું વરસ નથી.

વિક્રમ સંવત બધા હિંદુઓ માટે નવું વરસ છે પણ એ ક્યારથી શરૂ થાય એ વિશે અલગ અલગ પરંપરાઓ છે. દેશના બહુમતી હિંદુઓ માટે ચૈત્ર સુદ એકમથી વિક્રમ સંવત શરૂ થાય છે પણ વિક્રમ સંવત શરૂ થવા માટે ત્રણ અલગ અલગ તિથિ છે. ગુજરાત સહિતના પશ્ર્ચિમ ભારતના પ્રદેશોમાં દિવાળી પછી તરત વિક્રમ સંવતથી નવું વરસ શરૂ થાય છે તેથી ગુજરાતીઓ માટે બેસતું વરસ મોટો તહેવાર છે જ્યારે બીજે બધે પહેલાં જ નવું વરસ શરૂ થઈ ગયું છે.

ગુજરાતમાં દિવાળીએ વર્ષ પૂરું થાય છે અને બેસતા વર્ષના દિવસે નવું વર્ષ શરૂ થાય છે. આ કારણે આપણું નવું વરસ આજથી શરૂ થશે પણ દેશના બીજા ભાગોમાં વિક્રમ સંવત ૨૦૮૦ પહેલાં જ શરૂ થઈ ગયું છે. સમગ્ર ઉત્તર ભારત, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચૈત્રી નવરાત્રિની સમાપ્તિથી નવું વર્ષ શરૂ થાય છે. ઉત્તર ભારતમાં ચૈત્ર સુદ એકમથી નવું વર્ષ શરૂ થાય છે. દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશો તથા ગુજરાતમાં કારતક સુદ એકમથી શરૂ થાય છે. ભારતના કેટલાક વિસ્તારોમાં અષાઢ સુદ એકમથી પણ વિક્રમ સંવત શરૂ થાય છે.

હિંદુ કેલેન્ડરમાં આ વિરોધાભાસ અથવા વિસંવાદિતા છે તેનું કારણ એ છે કે, આપણે દિવસો અને વર્ષ ગણવા અલગ અલગ પદ્ધતિ અપનાવીએ છીએ. વિશ્ર્વમાં સૂર્યની ગતિ પ્રમાણે અને ચંદ્રની ગતિ પ્રમાણે એમ બે રીતે વર્ષ ગણાય છે. સૂર્યની ગતિ પ્રમાણે વર્ષ ગણાય તેના આધારે સોલર કેલેન્ડર અને ચંદ્રની ગતિ પ્રમાણે લ્યુનાર કેલેન્ડર બન્યું છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ઉત્તર દિશામાં ખસે છે તેથી આ ઘટના સમગ્ર વિશ્ર્વમાં સ્વીકૃત છે.

અંગ્રેજી કેલેન્ડરમાં આ વાતને આધાર બનાવાયો છે પણ વિક્રમ સંવત લ્યુનિસોલર છે. મતલબ કે, ચંદ્રની કળા પ્રમાણે દિવસો ગણાય છે જ્યારે વર્ષની ગણતરી સૂર્યની આસપાસ પૃથ્વીની પ્રદક્ષિણાના આધારે થાય છે. આ કારણે હિંદુ કેલેન્ડરમાં ચોક્કસ ફોર્મેટ નથી. સૂર્ય અને ચંદ્રની ગતિનો મેળ બેસાડવામાં કેટલીક તિથિઓ જતી રહે છે ને કેટલી તિથીઓ બેવડાય પણ છે.

માળવા એટલે કે હાલના ઈન્દોરના રાજા વિક્રમા દિત્યે શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો તેની યાદમાં ઈસવી સન પૂર્વે સત્તાવનમાં વિક્રમ સંવતની શરૂઆત કરવામાં આવી હતી. હાલનું ગુજરાત જ ભૂતકાળનો અવન્તિ પ્રદેશ હતો તેથી વિક્રમ સંવત ભારતમાં પ્રચલિત થયો. ગુજરાતમાં સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ સહિતના રાજાઓના સમયથી વિક્રમ સંવત ચલણમાં છે પણ તિથિઓ વગેરે બહુ પાછળથી આવ્યાં. ત્યાં સુધીમાં માળવાનો પ્રભાવ ઘટી ગયેલો તેથી સૌને ફાવે એ પ્રકારનાં કેલેન્ડર બન્યાં.

ખેર, એ અલગ મુદ્દો છે, મૂળ વાત ગુજરાતીઓના બેસતા વરસની પરંપરાની કરવી છે. ભારતમાં દિવાળીની ઉજવણીની પરંપરા મહદ અંશે જળવાઈ છે પણ ગુજરાતીઓના બેસતા વરસના ઉજવણીની પરંપરા ધીરે ધીરે ભૂલાતી જાય છે. ભારતીયો મૂળત: ઉત્સવપ્રેમી પ્રજા છે તેથી દર મહિને કોઈ ને કોઈ ઉત્સવ ઉજવ્યા જ કરે છે.

ભારત વિવિધતાથી ભરેલો દેશ છે તેથી દરેક પ્રદેશ પ્રમાણે અલગ અલગ તહેવારો ઉજવાય છે પણ દિવાળી ભારતના દરેક પ્રદેશમાં ઉજવાય છે. દિવાળી અથવા દીપાવલી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે અને ભારતમાં હજુ હિન્દુઓની બહુમતી છે તેથી દિવાળીનો પ્રભાવ ભારતીય જનજીવન પર જળવાયો છે. દિવાળીની ઉજવણી આખા ભારતમાં અલગ અલગ રીતે થાય છે પણ ફટાકડા ફોડવા, લક્ષ્મીજીની પૂજા કરવી, રાત્રે ઘરે દીવા કરવા સહિતની પરંપરાઓ પળાય છે, સાવ જતી રહી નથી.

કમનસીબે ગુજરાતી બેસતા વરસની ઉજવણી વિશે એવું કહી શકાય તેમ નથી. ગુજરાત અને ગુજરાતીઓમાં હવે બેસતા વરસની ઉજવણી પહેલાં જે રીતે થતી તે રીતે નથી થતી. જમાનો બદલાયો છે એ સાથે તહેવારોની ઉજવણી પણ બદલાઈ છે ને તેમાં કશું ખોટું નથી પણ બેસતા વરસનો ઉદ્દેશ સમગ્ર પરિવારને એક કરીને સાથે મળીને ઉજવણી કરવાનો હતો એ ઉદ્દેશ ધીરે ધીરે ભૂલાતો જાય છે.

પહેલાં દિવાળીના તહેવારોમાં પરિવાર ભેગો થતો ને દિવસો પહેલાંથી ઘરમાં મીઠાઈઓ ને ખાવાની ચીજો બનાવાતી હતી. ઘરની સાફસૂફી ને રંગરોગાન કરાતું, નવાં કપડાં સિવડાવાતાં. દિવાળીના તહેવારોમાં ઘેર ઘેર દીવા પ્રગટાવાતા ને રંગોળી બનાવાતી. બાળકો ફટાકડા ફોડતાં ને મજા કરતાં. નવા વરસે બધાં વહેલાં ઉઠીને સાથે મળીને મંદિરે જતાં ને એકબીજાના ઘરે જતાં. નવા વર્ષની શુભેચ્છા આપવા માટે લોકો ઉત્સુક રહેતાં. સ્વજનો એકબીજાને મળતાં ને પ્રેમથી મળતાં.

આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. લોકો વ્યસ્ત થયાં છે તેથી વધારે દિવસો સાથે રહી શકે કે ઘરે મીઠાઈઓ ને બીજી ચીજો બનાવી શકે એ શક્ય નથી એ સમજી શકાય પણ પરિવાર સાથે રહેવાનું ચલણ ઘટતું જાય છે એ કઠે છે. મોટા ભાગના ગુજરાતીઓ દિવાળીના તહેવારોમાં બહાર ફરવા ઉપડી જાય છે તેથી પરિવારની ભાવના જ લુપ્ત થતી જાય છે. બેસતા વરસના દિવસે લોકોને મળવાની, સ્નેહ બતાવવાની પરંપરા તો લગભગ ખતમ જ થઈ ગઈ છે. વોટ્સએપના જમાનામાં દિવાળી ગ્રીટિંગ્સ ના મોકલાય એ સમજી શકાય પણ એકબીજાને હળવામળવાની ભાવના ઘટતી જાય છે એ સારું નથી.

આ બેસતા વરસે ગુજરાતીઓએ કમ સે કમ હળવામળવાનો સંકલ્પ કરવો જોઈએ. દુનિયાની બધી પ્રજા એ રીતે જ બેસતા વરસની ઉજવણી કરે છે ને કોઈ પણ સમાજ એ પ્રકારની એકતાથી જ જળવાય છે. ગુજરાતીઓએ પણ અતડા થતા જવાની માનસિકતા છોડીને એક થવાની જૂની પરંપરાને જીવંત કરવાની જરૂર છે. બાકી તો નવી પેઢીને બેસતું વરસ પણ યાદ નહી રહે એવા દિવસો આવી જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button