કેનેડામાં ગેંગવોરઃ ટોરન્ટોમાં વધુ એક ગેંગસ્ટરની હત્યા
ટોરેન્ટો: કેનેડાના એડમોન્ટનમાં એક શીખ વ્યક્તિ અને તેના 11 વર્ષના પુત્રના ગોળીબારમાં મોતની ઘટનામાં પોલીસે શંકાસ્પદો અને તેમના વાહનોનો વીડિયો જાહેર કર્યો છે. આ ઘટનાને હવે ગેંગ વોર સાથે જોડવામાં આવી રહી છે કારણકે મૃતક હરપ્રીત ‘બ્રધર્સ કીપર્સ’ નામની ગેંગનો સભ્ય હતો. તેમની હત્યામાં હરીફ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે.
દરમિયાન હરપ્રીત ઉપ્પલ અને તેના પુત્રની હત્યા બાદ કેનેડામાં ગેંગ વોરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે યુનાઈટેડ નેશન્સ ગેંગના ગેંગસ્ટર પરમવીરની ટોરન્ટોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બીજી બનેલી આ ઘટના બાદ હવે પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગઈ છે.
હાલમાં જ કેનેડાના એડમોન્ટનમાં 41 વર્ષના હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે ઘટનામાં પોલીસને જણાવ્યું હતું કે શકમંદો બ્લેક BMWમાં આવ્યા હતા. બંને શકમંદો તેમની કારમાંથી બહાર નીકળી ઉપ્પલની સફેદ એસયુવી પાસે પહોંચ્યા અને અચાનક ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
ગોળીબારમાં બંને લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ કારમાં મુસાફરી કરી રહેલા અન્ય એક છોકરાનો આબાદ બચાવ થયો હતો. ઉપ્પલ ક્રાઇમની દુનિયામાં એક મોટું નામ હતો. ઉપ્પલ પર અગાઉ પણ હથિયાર વડે હુમલો કરવાનો અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો આરોપ લાગ્યો હતો. તે બ્રધર્સ કીપર્સ ગેંગનો સભ્ય હતો અને આ હત્યા હરીફ યુએન ગેંગ સાથે જોડાયેલી છે. ઓક્ટોબર 2021માં તે એક હુમલામાં બચી ગયો હતો.