કોરોનાકાળમાં બેઠકો કરવાને બદલે સમસ્યાના નિરાકરણ માટે કામ કર્યું: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર તેમના ટીકાકારો એવી ટીકા કરી રહ્યા છે કે તેઓ ચર્ચા કરવા માટે બેઠકો કરતા નથી. તેનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને સોમવારે કહ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન પરિસ્થિતિ અંગે ચર્ચા માટેની બેઠકો આયોજિત કરવાને બદલે સમસ્યાના નિરાકરણ પર પ્રાધાન્ય આપ્યું હતું.
થાણેમાં આયોજિત એક કાર્યક્રમ બાદ તેમને પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે તેઓ બેઠકો કરીને ચર્ચા કરવાને બદલે માહિતી એકઠી કરીને કોરોનાકાળ દરમિયાન સમસ્યાના નિરાકરણ પર ભાર આપી રહ્યા હતા.
જો હું બેઠકો કર્યા કરતો હોત તો રાજ્યમાં સ્થિતિ હાથની બહાર ગઈ હોત અને લોકોના મનમાં ડર પેસી ગયો હોત. મારે આવું થવા દેવું નહોતું, પરંતુ કેટલાક લોકો મારી ટીકા કરી રહ્યા છે કે મારી સરકાર ચર્ચા કરવા માટે બેઠકોનું આયોજન કરતી નથી, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
વિપક્ષ કહે છે કે અમે કામ કરતા નથી, પરંતુ તેઓને વાસ્તવિકતાની જાણ નથી, એમ કહેતાં તેમણે ભારપુર્વક ઉમેર્યું હતું કે સરકાર રાજ્યના હિતમાં કામ કરી રહી છે.